હાસ્ય કલાકાર હકાભા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલનો ખરાબ અનુભવ
સિવિલમાં પાંચ કલાકે સીટી સ્કેન થયાનો આરોપ, તબીબો કહે છે આરોપ ખોટો
25 ફેબ્રુઆરીએ હકાભાના સાળીને ટંકારા નજીક અકસ્માત નડ્યાં બાદ સારવારમાં વિલંબ થયાનો આક્ષેપ
રાજકોટ : રાજકોટની સિવિલ હોસ્પિટલ અવાર-નવાર વિવાદમાં સપડાય છે ત્યારે હવે હળવદના વતની હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવા સાધનો અને સુવિધા ઉપલબ્ધ હોવા છતાં ગરીબ દર્દીઓને સારવાર આપવામાં તબીબો વિલંબ કરી રહ્યા હોવાના આરોપ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હોસ્પિટલ તંત્ર બચાવની મુદ્રામાં આવી સમગ્ર મામલે સ્પષ્ટતા કરી સારવારમાં કોઈ જ વિલંબ ન કર્યો હોવાની સ્પષ્ટતા કરી હતી. હકાભા ગઢવીએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે, તેમના સાળીને ટંકારા નજીક અકસ્માત બાદ સીટી સ્કેન કરવામાં પાંચ કલાકનો સમય લાગ્યો હતો. સામાપક્ષે સિવિલના તબીબોએ સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ સાથે સીટી સ્કેનમાં નિયમ મુજબ જ એક કલાકમાં કામગીરી કરી હોવાનું અને પેશન્ટ હલનચલન કરતા હોય એનેસ્થેસિયા આપી સીટી સ્કેન કરતા સમય લાગ્યો હોવાનું જાહેર કર્યું હતું.
હળવદના વતની હકાભા ગઢવીએ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરતા જણાવ્યું હતું કે, આ મહિનામાં મને બે અનુભવ થયા છે જેમાં એક સારો અને એક ખરાબ અનુભવ થયો છે. સારો અનુભવ પોલીસનો અને ખરાબ અનુભવ રાજકોટની સિવિલ હોસ્પિટલનો થયાનું જણાવતા તેઓ કહે છે કે, ગત તા.25ના રાજ રાજકોટ પરાપીપળીયા ગામે ગૌશાળામાં કામ કરતા ક્રિષ્નાબેન શક્તિદાન બાટીને ટંકારા નજીક અકસ્માત થતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલમાં લાવવામાં આવતા તેઓને હેમરેજ થયું હોવાથી સીટી સ્કેન માટે લઈ જવામાં આવ્યા હતા. આ સમયે તેઓ પણ હાજર હતા અને પોતે કલાકાર હોવાની ઓળખ આપી તેમના સાળીની સ્થિતિ સિરિયસ હોય જલ્દીથી સીટી સ્કેન કરી આપવા વિનંતી કરી હતી પરંતુ ફરજ ઉપરના તબીબે લુખ્ખા જેવું વર્તન કરી લાઈનમાં જ વારો આવશે તેમ જણાવી સીટી સ્કેનમાં પાંચ કલાકનો સમય લગાવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે, તેમના સાળીને જલ્દીથી સારવાર મળે તે માટે એક મંત્રીને પણ ફોન કરાવ્યો હોવા છતાં મગજના ડોક્ટર પણ સમયસર આવ્યા ન હતા. જો કે, સરકાર તેમજ સરકારી હોસ્પિટલની સુવિધા અંગે તેમને જણાવ્યું હતું કે, સરકાર ખાનગીને પણ ટક્કર મારે તેવી સુવિધા આપે છે પણ તબીબો ધ્યાન આપતા નથી.
બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબ ડો.હિરલ હપાણીએ જણાવ્યું હતું કે, હકાભા ગઢવીએ લગાવેલ આક્ષેપો તથ્યહીન છે, કારણ કે, પેશન્ટને લાવવામાં આવ્યું ત્યારે અગાઉથી જ એક પેશન્ટને એનેસ્થેસિયા આપ્યા બાદ સીટી સ્કેન ચાલી રહ્યું હતું જેથી તેમને અધવચ્ચેથી ઉતારી હકાભા ગઢવીના પેશન્ટને સીટી સ્કેનમાં ન લઈ શકાય. વધુમાં તા.25ના રોજ 11.20 કલાકે પેશન્ટ ક્રિષ્નાબેનની એન્ટ્રી બાદ 11.49 મિનિટે તેમને સીટી સ્કેનમાં લઈ લીધા હતા. જો કે, ક્રિષ્નાબેન સીટી સ્કેન સમયે હલનચલન કરતા હોય તેમને પણ એનેસ્થેસિયા આપી સીટી સ્કેન કરી બાદમાં 1 વાગ્યા સુધીમાં રિપોર્ટ આપી દેવામાં આવ્યો હતો. સિવિલના ડો. રાહુલ ગંભીરે પણ હકાભા ગઢવીના કિસ્સામાં નિયમ મુજબ જ પેશન્ટને સારવાર આપવામાં આવી હોવાનું જણાવી આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.
હકાભા ગઢવીના સાળી પગપાળા મોગલધામ જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેનમાં મોડું થવું તેમજ ડોકટરો ગરીબ દર્દીઓ પ્રત્યે ધ્યાન ન આપતા હોવાનો વિવાદ સર્જાયો છે ત્યારે ગત તા.25ના રોજ રાજકોટના પરાપીપળીયા ગામે ગૌશાળામાં કામ કરતા ક્રિષ્નાબેન શક્તિદાન બાટી પગપાળા હળવદ તાલુકાના સરંભડા ખાતે આવેલ મોગલમાતાજીના મંદિરે જતા હતા ત્યારે વહેલી સવારે ધ્રુવનગર નાલા નજીક જીજે – 03 – એનપી – 9146 નંબરની અલ્ટો કારના ચાલકે અકસ્માત સર્જી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ક્રિષ્નાબેનના પુત્ર અર્જુનદાન શક્તિદાન ગઢવીએ અકસ્માત સર્જી નાસી ગયેલા અલ્ટો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.