રંગ બદલતી રંગોળી કલર પૂર્યા બાદ ફરી રંગ ભરી શકાય છે
ઘરઆંગણાને સુશોભિત કરતી અવનવી રંગબેરંગી રંગોળીનો તહેવારોમાં વધતો ક્રેઝ
લાભ-શુભ, લક્ષ્મી પગલા જેવા સ્ટીકર ઉપરાંત છાપણી સહિતની જુદી જુદી ૧૫ જેટલી રંગોળીની ડિઝાઈનો બજારોમાં જોવા મળે છે
૧૦ રૂપિયાથી માંડી ૨૦૦ સુધીની પ્લાસ્ટિક રંગોળી, લક્ષ્મીજી, ગણપતિ, કૃષ્ણ અને કુદરતી દૃશ્યની રંગોળી બજારમા જમાવટ
તહેવારો દરમિયાન દરરોજ ઘર આંગણાને રંગોળીથી સુશોભિત કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારોમાં અવનવી રંગબેરંગી સ્ટીકર રંગોળી ઠલવાઈ છે. છેલ્લા ૧૦ દિવસથી બજારોમાં રંગોળીની ખરીદીનો માહોલ જામ્યો છે ત્યારે ગત વર્ષ કરતાં રંગોળી બજારમાં કંઈક અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે તેમાં પણ આ વખતે રંગ બદલતી રંગોળીનું લોકોમાં વિશેષ આકર્ષણ જોવા મળે છે. આ રંગોળીમાં એક વખત કલર ભરી દીધા બાદ ફરી બીજી વખત રંગ ભરવામાં આવે અને અલગ જ પ્રકારની રંગોળી બને તેવી જુદી જુદી ૭ પ્રકારની ડિઝાઈનોમાં રંગોળી ઉપલબ્ધ થાય છે.
દિવાળી એટલે ઉત્સાહ અને ઉમંગનો તહેવાર, દિવાળીના પર્વને સૌ કોઈ મનાવતા હોય છે. ઘર આંગણે રંગબેરંગી અવનવી રંગોળીઓ રચાતી હોય છે. સાથોસાથ ઘર આંગણે લાભ-શુભ તેમજ લક્ષ્મી પગલા લગાવીને દિવડાઓ સાથે રોશનીથી ઝળહળતું કરવામાં આવે છે અને તેમાં પણ દિવાળીનો તહેવાર હોય એટલે પાંચ દિવસ સુધી દરરોજ અવનવી રંગોળી આંગણામાં કરવામાં આવે છે. શરૂઆતમાં સમય અને આજના સમયની રંગોળીમાં ઘણો તફાવત જોવા મળતો હતો. આજના સમયમાં ચીરોડી કલરથી રંગોળી બને છે તો ક્યાંક પાણીમાં તરતી રંગોળી જોવા મળે છે. આવા સમયમાં અગાઉ અવનવી ડિઝાઈનોમાં છાપણી સાથેની રંગોળીનું પણ આકર્ષણ રહ્યું હતું.
અગાઉ છાપ આવતી હતી તેના પર માત્ર રંગ ભભરાવી દેવાથી ડિઝાઈન તૈયાર થઈ જતી હતી ત્યારબાદ સ્ટીકરનો જમાનો આવી ગયો અને રેડિમેઈડ પ્લાસ્ટીકની રંગોળી સાથેના સ્ટીકરો બજારમાં આવતાં જ ચીરોડીનું સામ્રાજ્ય ઘટી ગયું. આમ છતાં પણ આજે ચીરોડીના કલરથી રંગોળી બનાવવાનો ક્રેઝ જોવા મળે છે. સમય બદલાતો ગયો પણ રંગોળીનું મહત્વ અકબંધ રહ્યું છે. હા, તેમાં ફેરફાર જરૂર થયો છે. પહેલા એવું હતું કે લોકો રંગોળી બનાવવા માટે સ્પેશિયલ ઓટો બનાવતા અને તેના ઉપર છાણ અને માટીથી લીપ્પણ કરતા હતા અને ત્યારબાદ ગેરુ લગાવીને રંગોળી બનાવતા હતા. આખીરાત જાગી-જાગીને લોકો આવી રંગોળી બનાવીને ઘરને તહેવારોમાં સુશોભિત કરતા હતા. મોટાભાગે રાધાકૃષ્ણ, લક્ષ્મીજી, ગણપતિ, કુદરતી દૃશ્યોની ભાતીગળ ડિઝાઈન સાથેની રંગબેરંગી રંગોળી જોવા મળે છે. સોસાયટી કે શેરીઓમાં દરેક લોકો રંગોળી બનાવતા અને સવારે શેરીના લોકો આવી રંગોળીને જોવા પણ આવતા હતા.
એક વખત ચીરોડી કલર ભરી દીધા બાદ ફરીથી રંગોળી બને તેવી રંગોળીનું આકર્ષણ
રાજકોટની બજારોમાં આ વખતે રંગ બદલીને આવી રંગોળી બનાવી શકાય તેવી અવનવી રંગોળી બજારોમાં જોવા મળી રહેશે. તદ્દન નવી જ પ્રકારની ડિઝાઈનો સાથેની રંગોળી આ વખતે ગૃહિણીઓમાં આકર્ષણ જગાવે છે. કલર પુરી દીધા બાદ તેમાં ફરીથી રંગ ભરીને જુદી જુદી ૭ વખત રંગોળી બનાવી શકાય છે તેવું રાજકોટના સદરબજારમાં આવેલા ભગત એન્ડ સન્સના પ્રતિકભાઈએ જણાવ્યું હતું. ડિઝાઈનોમાં પ્લાસ્ટીક રંગોળી અને છાપણીનો ક્રેઝ દર વખત કરતા આ વખતે વધુ જોવા મળે છે. રેડિમેઈડ, પીવીસી, સ્ટીકર રંગોળી રૂા.૧૦થી માંડીને ૧૫૦ સુધીના ભાવથી વેચાય છે. ગત વર્ષની સરખામણીમાં ૧૦થી ૧૫ ટકા જેટલો ભાવ વધારો જોવા મળે છે.