આચારસંહિતા પૂર્ણ થતા જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હાથ ઉપર લેતા કલેકટર
રાજકોટ-જેતપુર સિક્સલેન, હિરાસર એરપોર્ટ ટ્રમ્પપેડ બ્રિજ સહિતના પ્રોજેક્ટની સમીક્ષા
રાજકોટ : લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતા જ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આજે માર્ગ મકાન, રેલવે, નેશનલ હાઇવે ઓથોરિટી અને કેન્દ્ર રાજ્ય સરકારના રાજકોટ- જેતપુર સિક્સ લાઈન પ્રોજેક્ટ, રાજકોટ-કાનાલુસ ડબલ ટ્રેક રેલવે પ્રોજેક્ટ સહિતના જુદા જુદા ઇન્ફ્રાસ્ટક્ચર પ્રોજેકટોની સમીક્ષા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કરી હતી.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચૂંટણી કામગીરી સંપન્ન થયા બાદ આચાર સંહિતા હટતા જિલ્લામાં ચાલી રહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા-જુદા પ્રોજેક્ટની સમીક્ષા માટે ગુરુવારે બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં રાજકોટ- જેતપુર સિક્સ લાઈન પ્રોજેક્ટ, રાજકોટ-કાનાલુસ ડબલ ટ્રેક રેલવે પ્રોજેક્ટ, માધાપર ઓવરબ્રિજ સર્વિસ રોડ સહિતના પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવશે.સાથે જ કોટડા સાંગાણી બાયપાસ પ્રોજેકટમાં જમીન સંપાદનની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી
વધુમાં રાજકોટને યુપીએસસીની પરીક્ષાનું કેન્દ્ર મળ્યું છે ત્યારે આગામી તારીખ ૧૬ ના રોજ યુપીએસસીની પરીક્ષા હોવાથી તેની તૈયારી સંદર્ભે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મીટીંગ યોજવામાં આવી હતી અને તેમાં તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.સાથે જ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં ડીસ્ટ્રીકટ મિનરલ ફંડના આયોજન સંદર્ભે મીટીંગ રાખવામાં આવી છે અને તેમાં જુદા જુદા વિભાગોને પોતપોતાના પ્લાનિંગ સાથે હાજર રહેવા જણાવાયુ છે.