માધાપર, કણકોટ દબાણો હટાવવા કલેકટરનો આદેશ
આચારસંહિતા હળવી થતા જ દબાણ હટાવવા જેસીબી સજ્જ
કણકોટ ઈજનેરી કોલેજ પાસે રહેણાંક મકાનનું અનઅધિકૃત બાંધકામ કલેકટરના ધ્યાને ચડ્યું
રાજકોટ : આચારસંહિતા હળવી બનતા જ વહીવટીતંત્ર પણ હળવું બનતા રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા તમામ મામલતદારોને સરકારી જમીનમાં ખડકાયેલા દબાણો હટાવવા તાકીદ કરી છે, ખાસ કરીને મતગણતરી સ્થળ એવા કણકોટ ઇજનેરી કોલેજ નજીક ઉભું થયેલ દબાણ તેમજ માધાપરમાં સરકારી ખરાબાના દબાણો હટાવવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે શહેરના માધાપર વિસ્તારમાં સર્વે નં.111ની સરકારી જમીન ઉપર ઓરડીનું બાંધકામ થવા પામેલ છે એ જ રીતે કણકોટ ખાતે આવેલ સરકારી ઈજનેરી કોલેજની પાસે રહેણાંકના મકાનનું અનઅધિકૃત રીતે બાંધકામ ખડકાઈ ગયાનું ધ્યાને આવતા સરકારી જમીનો ઉપર ખડકાયેલા આગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે તેઓએ તાલુકા મામલતદારોને તાકીદ કરી છે. વધુમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ઉમેર્યું હતું કે જીલ્લામાં સરકારી જમીનો ઉપર જયાં જયાં બાંધકામો ખડકાયા છે ત્યાં ડીમોલેશન કરવા માટે મામલતદારોને તાકીદ કરી દર 15-15 દિવસે આવા અનઅધિકૃત બાંધકામોનું ડિમોલેશન કરવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.