ખેલ મહાકુંભની તૈયારીને લઈ અધિકારીઓનો ઉધડો લેતા કલેકટર
રાજ્યકક્ષાની ઇવેન્ટનો માહોલ ઉભો કરવામાં તેમજ બ્રાન્ડિંગમાં અધિકારીઓ કાચા પડયા
આગામી તા.4થી જાન્યુઆરીએ રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નું રાજ્યના મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં રંગારંગ ઉદઘાટન થવા જય રહ્યું છે ત્યારે સ્ટેટ લેવલની આ ઇવેન્ટનું બ્રાન્ડિંગ કરવામાં તેમજ રમત-ગમત માટેનો માહોલ ઉભો કરવામાં ક્યાંકને ક્યાંક સ્થાનિક અધિકારીઓ કાચા પડયા હોવાનું સામે આવતા ગુરુવારે જિલ્લા કલેકટર પ્રભવ જોશી રીતસર અધિકારીઓ ઉપર ઉકળી ઉઠ્યા હતા અને બ્રાન્ડિંગ મામલે અધિકારીઓનો ઉધડો લીધો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે આગામી તા.4ના રોજ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ખેલ મહાકુંભ 3.0નું રંગારંગ કાર્યક્રમ સાથે ઉદઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે રાજ્યકક્ષાના આ કાર્યક્રમ આડે ગણતરીની કલાકો જ બાકી રહી હોવા છતાં રાજકોટ જેવા મેગાસિટીમાં ખેલ મહાકુંભની ઇવેન્ટ અંગે માહોલ ઉભો થયો ન હોવાથી ગુરુવારે સવારે યોજાયેલ ખેલ મહાકુંભની તૈયારી અંગેની બેઠકમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જવાબદાર તમામ અધિકારીઓનો ઉધડો લઇ શહેરમાં ઇવેન્ટ અંગેના એક પણ હોર્ડિંગ્સ, બોર્ડ, બેનર કેમ નથી લાગ્યા તે અંગે સવાલો ઉઠાવ્યા હતા.
બીજી તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાનાર આ કાર્યક્રમમાં હાજર રહેનારી જનમેદની માટેની બેઠક વ્યવસ્થા સહિતના મુદ્દે પણ જિલ્લા કલેકટરે જવાબદાર અધિકારીઓને બેઠક દરમિયાન તબાતબાવી નાખ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
