નશેડીને ‘મોજ’માં રાખતી ‘કોડીન સિરપ’, `ટ્રામાડોલ’ દવાનું બેફામ વેચાણ!!
રાજકોટનો યુવાવર્ગ રીતસરનો નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે…
ગૃહમંત્રીએ ડ્રગ્સ પકડવા બદલ પોલીસના કરેલા વખાણ ટાંકણે જ થયો મોટો ખુલાસો
તબીબ પ્રિસ્ક્રિપ્શન લખી આપે તો જ મળતી આ બન્ને દવા એક-બે નહીં ચાર-ચાર મેડિકલમાંથી મળી ગઇ
ડૉક્ટરના નામ-ઠામ વગર સાદા કાગળ ઉપર દવાનું પ્રિસ્ક્રિપ્શન બતાવ્યું એટલે તુરંત દવા થઇ ગઇ હાથવગી ‘ને મળ્યું કાચું બિલ!
‘નશાના કારોબાર’ની જીવતી- જાગતી તસવીરો-પૂરાવા…
રાજકોટમાં દેશી-વિદેશી દારૂ જે વિસ્તારમાં માંગો ત્યાં સરળતાથી મળી જતો હોવાના આક્ષેપ લોકમુખે વારંવાર થઈ ચૂક્યા છે અને કદાચ આ આક્ષેપો સાચા પણ હોઈ શકે છે કેમ કે દરરોજ શહેરમાંથી એક-બે બોટલથી લઈને ૨૦૦થી ૩૦૦ બોટલ દારૂ પકડાઈ રહ્યો છે. આ ઉપરાંત ચરસ-ગાંજા સહિતનો નશાનો સામાન પણ ક્યાંકને ક્યાંક વેચાઈ જ રહ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે વોઈસ ઓફ ડે' દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં મોટો ખુલાસો થવા પામ્યો છે જે પછી અનેક લોકોના હોશકોશ ઉડી જશે સાથે સાથે નશાનું નેટવર્ક કેટલું સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે તેનો પણ ખુલાસો થઈ ચૂક્યો છે.
રાજકોટમાં અત્યારે અનેક મેડિકલ સ્ટોર્સમાં
કોડીન સીરપ’ અને ટ્રામાડોલ' નામની દવાનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. નિયમ પ્રમાણે આ દવા તબીબ દ્વારા લખી આપવામાં આવે તો જ મળી શકે છે મતલબ કે આ બન્ને દવા ખરીદવા માટે તબીબનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે. જો કે કમાઈ લેવાની લ્હાયમાં અમુક મેડિકલ સ્ટોર્સ જાણતા-અજાણતા નશાનો કારોબાર કરતા હોવાનું ધ્યાન પર આવ્યું છે. સ્ટિંગ ઓપરેશનમાં આવા એક-બે નહીં બલ્કે ચાર-ચાર મેડિકલ ધ્યાન પર આવ્યા છે.
વોઈસ ઓફ ડે’ દ્વારા એક સાદા કાગળ ઉપર માત્રને માત્ર દવાનું નામ લખીને મેડિકલ સ્ટોર્સ ઉપર બતાવ્યું એટલે તુરંત જ તે દવા આપી દીધી હતી. આટલું ઓછું હોય તેમ વળતા કાચું બિલ જ આપ્યું હતું જે પણ ગેરકાયદેસર છે. આ સઘળું દૂષણ રાજકોટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ પોલીસની `આળસ’ને જ કારણે તેનો વ્યાપ વધારી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે સાથે સાથે યુવાવર્ગ રીતસરનો નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે.
આ પ્રકારે દવા વેચાઇ રહી છે તે ખરેખર આશ્ચર્યજનક, અમે કાર્યવાહી કરશું
આ અંગે રાજકોટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના સેક્રેટરી અનિમેષ દેસાઈએ `વોઈસ ઓફ ડે’ને જણાવ્યું જે માત્ર સાદા કાગળ ઉપર કોડીન સીરપ અને ટ્રામાડોલ દવા વેચાઈ રહી છે તે ખરેખર આશ્ચર્યજનક છે. તેમણે કહ્યું કે સ્ટિંગ ઓપરેશનમાં જે-જે મેડિકલ જોવા મળી રહ્યા છે તે તમામ એસોસિએશનમાં સમાવિષ્ટ છે ત્યારે આ મેડિકલ દ્વારા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે એટલા માટે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ દવાને પ્રિસ્ક્રિપ્શન વગર આપવી જોખમી
હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉ.અભિષેક રાવલે જણાવ્યું કે કોડીન અને ટ્રામાડોલ પ્રકારની દવા કે જે નાર્કોટિક્સ અંતર્ગત આવે છે તે દવાનું વેચાણ કોઈ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર કરે તો તે ખરેખર જોખમી બાબત ગણાશે. આ દવા કોઈ તબીબ લખે એટલે તેના બે પ્રિસ્ક્રિપ્શન તૈયાર કરાતા હોય છે જેમાંથી એક પ્રિસ્ક્રિપ્શન મેડિકલ સ્ટોર રેકોર્ડ માટે પોતાની પાસે રાખે છે જ્યારે બીજું પ્રિસ્ક્રિપ્શન સાઈન-સિક્કો લગાવીને દવા લેવા આવનાર વ્યક્તિને આપવામાં આવે છે.