મ્યુનિ.કમિશનર-એસીપી ક્રાઈમ વચ્ચે બંધ બારણે બેઠક
અગ્નિકાંડમાં મનપાના અધિકારીઓની સંડોવણી બાદ ચાર્જશીટ અંગે
સાગઠિયા, ખેર, ઠેબા, વિગોરા, મકવાણા, જોશી, ચૌધરી સહિતના સામે કયા કયા આરોપો ઘડાયા, કોની કેવા પ્રકારે સંડોવણી હતી સહિતના મુદ્દે લાંબી ચર્ચા
એસીપી, પીઆઈ સહિતના કાફલાની એન્ટ્રી કચેરીમાં થતાં જ સ્ટાફના શ્વાસ અધ્ધર
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડને ૨૫ જૂલાઈએ બે મહિના પૂર્ણ થઈ રહ્યા છે. આ કાંડનું ચાર્જશીટ પણ બારીકાઈથી તૈયાર કરવામાં આવી રહ્યું છે ૨૫ સુધીમાં તે કોર્ટમાં રજૂ કરી દેવામાં આવનાર છે ત્યારે બેઠકોનો ધમધમાટ પણ એટલો જ ચાલી રહ્યો છે. બીજી બાજુ અગ્નિકાંડમાં મહાપાલિકાના તત્કાલિન ટાઉન પ્લાનિંગર ઓફિસર એમ.ડી.સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ડે.ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા સહિતના જેલની હવા ખાઈ રહ્યા છે ત્યારે ચાર્જશીટમાં આ લોકો પર ઘડવામાં આવેલા આરોપ અંગે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ સાથે એસીપી ક્રાઈમ બી.બી.બસિયાએ બંધ બારણે બેઠક કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાગઠિયા, ખેર, ઠેબા ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે આ કાંડમાં સંડોવાયેલા ગૌતમ જોષી, મુકેશ મકવાણા, રોહિત વિગોરા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા સહિતનાની પણ ધરપકડ કરી હોય આ તમામ ઉપર કઈ કલમ હેઠળ આરોપનામું ઘડવામાં આવ્યું છે તે અંગેની ઝીણવટભરી માહિતીથી મ્યુનિ.કમિશનરને વાકેફ કરવામાં આવ્યા હતા. એકંદરે આ બેઠકમાં અલગ-અલગ મુદ્દે લાંબી ચર્ચા થઈ હોવાનું પણ સામે આવ્યું છે.
બીજી બાજુ એસીપી ક્રાઈમ બી.બી.બસિયા ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની `સીટ’માં સામેલ પીઆઈ એસ.એમ.જાડેજા સહિતના અધિકારીઓની એન્ટ્રી મનપા કચેરીમાં થતાં જ અન્ય સ્ટાફના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા કેમ કે સાગઠિયા, ખેર, ઠેબા સહિતનાની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે વારંવાર કચેરીમાં આ લોકોની ઓફિસ ફંફોસી હતી. આ ઉપરાંત એસીબી દ્વારા પણ વારંવાર અવર-જવર કરવામાં આવતી હોવાથી સ્ટાફમાં એક ગજબ ફફડાટ પેસી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાર્જશીટનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોમાં ઉત્તેજના પણ વધી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે આરોપ ઘડવામાં જરા અમથું કાચું ન કપાઈ જાય તે માટે એક આખી ટીમ નજર રાખી રહી છે જેમાં એડિશનલ સીપી, ડીસીપી સહિતના અધિકારીઓનું ઓબ્ઝર્વેશન છે. બીજી બાજુ ચાર્જશીટ ફાઈલ કરતા પહેલાં જે તે સરકારી વિભાગના વડાને વાકેફ કરવાનો એક નિયમ હોય તે અનુસાર જ એસીપી ક્રાઈમે બંધ બારણે મ્યુનિ.કમિશનર સાથે બેઠક કરી હતી.
ચાર્જશીટ ૨૨એ નહીં ૨૨થી ૨૫ વચ્ચે ફાઈલ કરાશે
આવતાં સપ્તાહે અગ્નિકાંડનું ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરવામાં આવનાર છે ત્યારે અગાઉ એવી વાત સામે આવી હતી કે ત્રણ દિવસ વહેલું એટલે કે ૨૨ જૂલાઈએ રજૂ કરી દેવામાં આવશે. જો કે હવે એવું જાણવા મળી રહ્યું છે કે ચાર્જશીટ ૨૨થી ૨૫ જૂલાઈ વચ્ચે ફાઈલ કરવામાં આવશે. હાલ ચાર્જશીટને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.