બહુમાળી ભવનમાં મહિલા અધિકારી અને કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી
કામ બાબતે બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો : ભાઈને બચાવવા વચ્ચે પડેલા મહિલા જીએસટી ઇન્સ્પેકટરને પર માર માર્યો
પ્રદ્યુમન નગર પોલીસે બંને પક્ષોની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધ્યો
રાજકોટમાં બહુમાળી ભવનમાં આવેલ સૌની યોજનાની ઓફિસમાં જ મહિલા અધિકારી અને કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં કામ બાબતે ફોન પર બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. અને આ ઘટના મામલે પ્રદ્યુમનનગર પોલીસે બંને પક્ષોની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.
માહિતી મુજબ બહુમાળી ભવન પાસે શ્રોફ રોડ પર સરકારી ક્વાર્ટરમાં રહેતાં અને બહુમાળી ભવનમાં જીએસટી વિભાગમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા નિરાલિબેન કિશોરભાઈ પાડલીયા (ઉ.વ.26) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બહુમાળી ભવનમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા શિવરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા અને સિદ્ધરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજાનું નામ આપી જણાવ્યું હતું કે, તેમનો ભાઈ શિવમ પાડલીયા ઈરીગેશન વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. બંને ભાઈ-બહેન ગઈકાલે બપોરે ભવનની નીચે જમવા બેઠાં હતા ત્યારે ઈરીગેશન વિભાગમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં શિવરાજસિંહ જાડેજાએ અન્ય નંબરમાંથી ફોન કરી તું અમે કહ્યે તેમ કેમ કરતો નથી કહીં ગાળો આપી ચોથા માળે બોલાવ્યો હતો. જેથી તેણીનો ભાઈ ચોથા માળે સૌની યોજનાની ઓફિસમાં જતાં બંને ક્લાર્ક સિદ્ધરાજસિંહ જાડેજા અને શિવરાજસિંહ જાડેજાએ ઝઘડો કરી માર માર્યો હતો.જેથી તેઓ ભાઈને બચાવવા વચ્ચે પડતાં આરોપીઓએ તેણીને પણ માર માર્યો હતો. અને આ મામલે પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો હતો.
જ્યારે સામા પક્ષે યુનિવર્સિટી રોડ પર ગવર્મેન્ટ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતાં શિવરાજસિંહ જાડેજા (ઉ.વ.31) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે શિવમ પાડલીયા, નિરાલી પાડલીયા અને બે અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ બહુમાળી ભવનમાં સિંચાઈ યોજનામાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે. તેઓ કચેરીએ હતાં ત્યારે શિવમ પાડલીયા અને અભિષેકભાઇ ટાંકને તેની કચેરી ડીઝાસ્ટર મેનેજમેન્ટ બાબતનો ઓર્ડર આવેલ હોય તે લઇ જવાની સુચના આપી હતી. તેઓની ઘણી રાહ જોયા બાદ તેઓએ ઓર્ડર મારી ઓફિસમાં મોકલી આપજો તેવું પટ્ટાવાળાને કીધું હતું.અને થોડીવાર બાદ તેઓ તેનો ઓર્ડર લઇ રૂબરૂ તેની ચોથા માળે આવેલ ઇરીગેશન વિભાગની ઓફિસમાં હતા ત્યારેઆરોપીએ ઝગડો કરી માર માર્યો હતો. અને આ મામલે પ્રદ્યુમન નગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.