સિવિલ હોસ્પિટલ રામ ભરોસે ! કાન, નાક અને ગળાના 10 લાખના સાધનો ગાયબ
વર્ષ 2020માં ડો.મનીષ મહેતાની બદલી બાદ લેપટોપ, કેમરા, ટેલિસ્કોપ સહિતના સાધનો જમા જ ન કરાવ્યાનો ધડાકો
રાજકોટ : રામ ભરોસે હિન્દૂ હોટલ જેવા રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રમાં કિંમતી વસ્તુઓની કોઈ કિંમત નથી, કોરોના કાળમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલી હંગામી હોસ્પિટલ ભંગારમાં ફેરવાઈ જવાની ઘટના હજુ તાજી જ છે ત્યાં કાન, નાક અને ગળાની ઓપીડી માટેના અંદાજે દસેક લાખના કિંમતી મેડિકલ સાધનો ચાર-ચાર વર્ષથી શોધ્યા ન મળતા હોવાનું અને કાન, નાક અને ગળાના તબીબની બદલી બાદ આ સાધનો ઓપીડીમાં ન હોવાના રિપોર્ટ બાદ પણ ડીને આ ગંભીર મામલે કોઈ પગલાં ભર્યા ન હોવાનું સામે આવ્યું છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કાન, નાક અને ગળા વિભાગના વડા એવા ડોક્ટર મનીષ મહેતાની વર્ષ 2020માં બદલી થયા બાદ નિયમ મુજબ ઓપીડીના સાધનો જમા લેવાના હોય પરંતુ જે તે સમયે તબીબની બદલી બાદ ડિજિટલ કેમરો, કોમ્પ્યુટર,લેપટોપ, લેપટોપ પ્રિન્ટર, સ્કેનર, હોપ કિંગ ટેલિસ્કોપ, ઓટો સ્કોપ, વિડીયો ઓટોસ્કોપ સહિતના સાધનો ભૌતિક રૂપે જમા ન કરવામાં આવ્યા હોવા છતાં પણ મેડિકલ કોલેજના ડીન દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.
બીજી તરફ હાલમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કાન, નાક અને ગળાના દર્દીઓની ઓપીડી મોટાપ્રમાણમાં રહેવા છતાં પણ છેલ્લા ચાર-ચાર વર્ષથી આ મહત્વના સાધનો વગર ગાડું ગબડાવવામાં આવી રહ્યું હોવાનું તેમજ જવાબદાર કર્મચારી દ્વારા તબીબનો સંપર્ક કરી સાધનો જમા કરાવવાનું કહેવામાં આવતા સાધનો કબાટમાં હોવાની કેસેટ વગાડવામાં આવી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ચાલતી લોલમલોલ સામે આવતા હાલમાં તબીબી આલમમાં કાન, નાક અને ગળા વિભાગની ઓપીડીના અંદાજે દસેક લાખના સાધનો મામલે તરેહ તરેહની ચર્ચા ઉઠી છે.
