સિવિલ હોસ્પિટલ કે ભંગારવાડો? કલેકટર તંત્ર આગ બબુલા
જિલ્લા કલેકટરની સૂચના બાદ અધિક કલેકટર ગાંધીની સરપ્રાઈઝ વિઝિટમાં ભોપાળા છતાં થયા, કોન્ટ્રાકટરના માણસોને દર્દીઓને ઉપાડતા પણ નથી આવડતું

સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચવા છતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દી નારાયણોની સારવાર શુશ્રુષામાં તકેદારી રાખવામાં ન આવતી હોવાની વ્યાપક ફરિયાદોને પગલે મંગળવારે જિલ્લા કલેકટરની સૂચના બાદ અધિક નિવાસી કલેકટર ચેતનભાઈ ગાંધીએ સિવિલ હૉસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરતા ભંગાર કટાઈ ગયેલા સ્ટે્રચરમાં દર્દીઓને હેરવવા ફેરવવામાં આવતા હોવાની સાથે પાઈપમાં પડદા લગાવવાને બદલે પિન મારી પડદા લટકાવી દઈ સાફસફાઈ પરત્વે તો ધ્યાન જ અપાતું ન હોવાનું સામે આવતા અધિક નિવાસી કલેકટર ગાંધીએ સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓનો ઉધડો લઇ લીધો હતો.
જો કે, સરપ્રાઈઝ વિઝીટ સમયે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ત્રિવેદી રજા ઉપર હોય આજે કલેકટર તંત્ર સમક્ષ હાજર રહેવા તેડું મોકલ્યું હતું. સતત સોશિયલ મીડિયાની ઝાકમઝોળમાં રચ્યા પચ્યા રહેતા રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ સિવિલ હોસ્પિટલમાં સાફ સફાઈ, ફાયર સેફટી, રેસીડેન્સીયલ ડોક્ટર્સની વિઝીટ, દર્દીઓને હાઇજીનિક વાતાવરણ મળે તેવી મહત્વપૂર્ણ બાબતે જરાપણ સજાગ ન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા આ ગંભીર બાબતે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અધિક નિવાસી કલેકટર ચેતનભાઈ ગાંધીને સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટમાં મોકલતા આરએસી ગાંધીએ રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને સાથે રાખી રાજકોટ સિવિલ હોસ્પિટલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શરૂ થયેલ ઝનાના હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરતા અંધેર વહીવટ અને ભંગારવાડા જેવી સ્થિતિ જોઈ ચોકી ઉઠ્યા હતા.
વધુમાં અધિક નિવાસી કલેકટર ચેતનભાઈ ગાંધીએ વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરપ્રાઈઝ વિઝીટ સમયે રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ત્રિવેદી રજા ઉપર હોય ઇન્ચાર્જ એડમીનસ્ટે્રટીવ નીલમબેનને સાથે રાખી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને સાથે રાખી ઇમરજન્સી વોર્ડ સહિતના વિવિધ વિભાગોની મુલાકત લેવામાં આવી હતી. વધુમાં સિવિલ હોસ્પિટલના સ્ટે્રચર અને ટેબલ કાટ ખાઈ ગયેલા હોવાનું જોવા મળ્યું હતું સાથે જ પડદા પાઈપમાં લટકાવવાને બદલે પીન લગાવી ચોંટાડવામાં આવ્યા હતા. ઉપરાંત ઇમરજન્સી વોર્ડમાં હેલ્પ ડેસ્કમાં કોઈ રેકોર્ડ જ મેઇન્ટેન ન હોવાની સાથે બાયોમેટ્રિક હાજરી પણ પુરાતી ન હોવાનું નોંધ્યું હતું. કલેકટર ટીમની સરપ્રાઈઝ વિઝીટ સમયે ફાયર સેફટીના સાધનોને લઈને પણ શંકા ઉદભવતા ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવા પણ આદેશ કરવામાં આવ્યો હતો.
વધુમાં અધિક નિવાસી કલેકટર ચેતનભાઈ ગાંધીએ ઉમેર્યું હતું કે, હોસ્પિટલમાં સાફસફાઈમાં ખુબ જ બેદરકારી જોવા મળી હતી, ખાસ કરીને દર્દીઓના સ્વાસ્થ્ય માટે હાઈજેનીક વાતાવરણ જરૂરી હોવા છતાં પણ અહીં સફાઈ વ્યવસ્થાનો અભાવ હોય સમગ્ર બાબતે ગંભીર નોંધ લેવામાં આવી છે. આ ઉપરાંત નવી નકોર રાજકોટની ઝનાના હોસ્પિટલમાં નળ તૂટી ગયા હોવાનું પણ સામે આવતા એડમીનસ્ટે્રટીવ સ્ટાફની લાપરવાહી સામે આવતા બુધવારે રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ત્રિવેદીને રાજકોટ કલેકટર કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.
સરકારી જમાઇ જેવા કોન્ટ્રાકટરના માણસોની બેદરકારી સામે આવી
રાજકોટ સિવિલ હોસ્પિટલમા અધિક નિવાસી કલેકટર ચેતનભાઈ ગાંધીની સરપ્રાઈઝ વિઝીટ સમયે સિવિલમાં ચાલતી લોલમલોલનું બારીકાઇ ભર્યું નિરીક્ષણ કરતા સમયે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીઓની હાજરીમાં દર્દીઓને સ્ટે્રચરમાં ખસેડતી વખતે સરકારી જમાઈ જેવા કોન્ટ્રાકટરના માણસો દર્દીને લેધરના સ્ટે્રચરમાં ઉપાડવાને બદલે સીધા જ દર્દીઓને તકલીફ પડે તેમ હાથથી ઉપાડતા હોવાનું ગંભીર નોંધ આરોગ્ય વિભાગના અધિકારીએ કરી હતી.
સરપ્રાઈઝ વિઝિટ સમયે જ બ્લડ સેમ્પલ પગ લૂછણિયાં ઉપર ઘા ખાતું હતું
સિવિલ હોસ્પિટલમાં કલેકટર તંત્રની સરપ્રાઈઝ વિઝીટ સમયે દર્દીઓના લેવામાં આવેલા બ્લડ સેમ્પલ યોગ્ય જગ્યાએ રાખવાને બદલે કોન્ટ્રાકટરના માણસો પગ લુછણિયા ઉપર આવા સેમ્પલોને રઝળાવતા હોવાનું પણ સામે આવ્યું હતું.
સ્ટે્રચર ઉપર દર્દીને બદલે ભંગાર

રાજકોટના રેઢિયાળ જેવી હાલતમાં મુકાયેલ સિવિલ હોસ્પિટલ તંત્રને ઢંઢોળી સીધું દોર કરવા માટે જિલ્લા કલેકટર અને જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમે સરપ્રાઈઝ ચેકીંગ કરતા દર્દીઓની હેરફેર માટે રાખવામાં આવેલ સ્ટે્રચર ઉપર લોખંડ અને પૂંઠાનો ભંગાર જોવા મળ્યો હતો સાથે જ ટ્રોલી ઉપર પોતા કરવાના ડબલા સહિતના દ્રશ્યો જોઈ કલેકટરની ટીમ ચકરાવે ચડી હતી.
