રાજકોટમાં મવડી ચોકડીએ પાર્કિંગના નામે ચોકડી!!, જુઓ કેવી છે સમસ્યા
સહજાનંદ રેસ્ટોરન્ટ પાસે તેમજ આજુબાજુની જગ્યામાં પાર્કિંગ કરવા મળી જાય તો લોકો ગણાશે `ભાગ્યશાળી’
બાપા સીતારામ મેઈન રોડ પર કબીર કોમ્પલેક્સ પાસે વાહનોના ખડકલા, પાર્કિંગ હોવા છતાં લોકો આડેધડ વાહન મૂકી દે છે
પ્લેટિનમ કોમ્પલેક્સ પાસે વાહનોના થપ્પા એટલા કે લોકોએ સીડી સુધી પહોંચવા માટે આમ-તેમ ભટકવું પડે છે
ફૂટપાથ પર અત્યાર સુધી ટુ-વ્હીલર જ પાર્ક થતાં હવે તો ફોર-વ્હીલર ખડકાવા લાગી

રાજકોટમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ક્યા વિસ્તારમાં નથી ? આ પ્રશ્નનો જવાબ મહાપાલિકા કે પોલીસ તંત્રના એક પણ અધિકારી આપી શકે તેવી સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું નથી. હંમેશા એ.સી.ચેમ્બરમાં રાજકોટને રૂડું-રળિયામણું બનાવવાની પ્લાનિંગમાં વ્યસ્ત રહેતા અધિકારીઓ ક્યારેય ગ્રાઉન્ડ રિયાલિટી જોવાની તસ્દી લેતા ન હોય સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બની રહી છે. જો કે વોઈસ ઓફ ડે' દ્વારા લોકોની પીડા જાણવાની અને તે પીડાને તંત્ર સુધી પહોંચાડવાની તસ્દીના ભાગરૂપે ટ્રાફિક ઝુંબેશ ચલાવાઈ રહી છે જેને લોકો તરફથી પ્રચંડ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

આવા જટ્રાફિક ટેરર’ બની રહેલા મવડી વિસ્તારમાં રિયાલિટી ચેક કરવામાં આવતાં ત્યાં પાર્કિંગના નામે ઘણી બધી જગ્યાએ ચોકડી' મતલબ કે કોઈ જ વ્યવસ્થા ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું. વોઈસ ઓફ ડે’ દ્વારા મવડી ચોકડીએ આવેલા સહજાનંદ રેસ્ટોરન્ટ કે જ્યાં આખો દિવસ સ્વાદશોખીનોની અવર-જવર રહે છે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવતાં ક્યાંય પણ ટકોરાબદ્ધ પાર્કિંગની સુવિધા જોવા મળી ન્હોતી મતલબ કે અહીં તો લોકોને જ્યાં જગ્યા મળે ત્યાં વાહન પાર્ક કરી દેવાનો આગ્રહ રાખવામાં આવતું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. અહીંના લોકોએ `વોઈસ ઓફ ડે’ સમક્ષ એવો આક્ષેપ પણ કર્યો હતો કે સહજાનંદ રેસ્ટોરન્ટ પાસે પોતાનું પાર્કિંગ જ નહીં હોવાને કારણે સ્થિતિ વિકરાળ બની રહી છે. જો આ આક્ષેપ સાચો હોય તો મહાપાલિકા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને પાર્કિંગ માટેની જગ્યાની વ્યવસ્થા કરાવવી જોઈએ અને જો પાર્કિંગની જગ્યામાં કોઈ પ્રકારનું દબાણ કરાયું હોય તો તેનું ડિમોલિશન કરવું જોઈએ.
આવી જ કંઈક સ્થિતિ મવડી વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોકમાં જોવા મળી હતી જ્યાં પ્લેટિનમ કોમ્પલેક્સની બહાર વાહનોના ખડકલા જોવા મળી રહ્યા હતા. આ ખડકલા એટલી હદે થઈ ગયા હતા કે કોમ્પલેક્સમાં જવા માટે લોકોએ આમથી તેમ ભટકવું પડ્યું હતું !! આ કોમ્પલેક્સની બહાર તો એક-બે નહીં બલ્કે વાહનોની ત્રણ-ત્રણ લાઈનનું પાર્કિંગ થઈ ગયેલું દેખાયું હતું ત્યારે શું ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન આ વિસ્તારમાંથી નીકળતી જ નહીં હોય, જો નીકળતી હોય તો તેને આ પ્રકારે થયેલું પાર્કિંગ નહીં દેખાતું હોય ? આ સહિતના પ્રશ્નો ઉપસ્થિત થયા વગર રહેતા નથી.
તંત્રવાહકોની સાથે જ હવે લોકો પણ એટલા બેજવાબદાર બની ગયા હોવાનું ચિત્ર ધ્યાન પર આવ્યું હતું. મવડી ચોકડી પર જ બાપા સીતારામ મેઈન રોડ પર કબીર કોમ્પલેક્સ આવેલું છે જ્યાં હોસ્પિટલ સહિતના કાર્યરત છે. અહીં સેલરમાં પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં લોકો બહાર જ પોતાનું વાહન પાર્ક કરીને અંદર ચાલ્યા જતા હોવાનું જોવા મળ્યું હતું. જો લોકો દ્વારા કોમ્પલેક્સના સેલરમાં જ સુવ્યવસ્થિત વાહન પાર્ક કરવામાં આવે તો સમસ્યા ઘણી હળવી થઈ શકે તેમ છે.
પોલીસ જાગી… બાલાજી હોલ પાસે વાહન ટોઈંગ કરવાનું શરૂ

`વોઈસ ઓફ ડે’ દ્વારા બાલાજી હોલ પાસે આડેધડ વાહન પાર્કિંગ થઈ રહ્યા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કરાતાં જ ટ્રાફિક પોલીસની ટોઈંગ વાને દોડી જઈ વાહન ટોઈંગ કરવાનું શરૂ કરી દીધું હતું જે ઉપરોક્ત તસવીરમાં દેખાઈ રહ્યું છે. આવી જ કાર્યવાહી અન્ય વિસ્તારોમાં કરવામાં આવે તો લોકોને ઘણી રાહત મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
ભાજપ કોર્પોરેટરને પાર્કિંગ પ્રશ્ન નડ્યો એટલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તાત્કાલિક એક્શન લીધા!
પાર્કિંગનો પ્રશ્ન સામાન્ય લોકોને જ નડી રહ્યો છે એવું નથી, ખુદ ભાજપના મહિલા નગરસેવિકાને પણ નડ્યો હતો. નગરસેવિકા જ્યોત્સનાબેન ટીલાળા મહાપાલિકા કચેરીએ આવ્યા હતા ત્યારે કોર્પોરેટરો માટેના પાર્કિંગ પાસે જ ૧૦૮ પડી હોય તેને દૂર લેવાનું કહેતા જ ડ્રાઈવરે એલફેલ શબ્દો બોલતા મામલો છેક સ્ટેન્ડિંગ કમિટી જયમીન ઠાકર પાસે પહોંચ્યો હતો. આ પછી જયમીન ઠાકરે તાત્કાલિક ડ્રાઈવરને બોલાવીને કડક ભાષામાં તતડાવી નાખ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
તમને પણ સતાવી રહી છે પાર્કિંગની સમસ્યા? તો આ નંબર ઉપર જણાવો ૯૯૧૩૨ ૮૫૮૦૧
રાજકોટનો કોઇપણ વિસ્તાર એવો નહીં હોય જયા પાર્કિંગની સમસ્યા ન ઉદ્ભવતી હોય ત્યારે `વોઇસ ઓફ ડે’ દ્વારા લોકોની પીડાને તંત્ર સુધી પહોંચાડી તેનો સુચારું ઉકેલ આવે તે દિશામાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજકોટના કોઇપણ વિસ્તારમાં કોઇપણ વ્યક્તિને પાર્કિંગને લઇને કોઇ સમસ્યા સતાવી રહી હોય અથવા તો આ સમસ્યા વિશે તેમણે તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઇ નિવેડો ન આવી રહ્યો હોય તો હવે આવા લોકો અમારો સંપર્ક સાધી શકશે. તમારે વધુ કંઇજ નથી કરવાનું માત્ર તમને જયા પાર્કિંગની સમસ્યા સતાવી રહી હોય તે સ્થળનો ફોટો તેમજ તમારું નામ અને સમસ્યા જે વિસ્તારમાં સર્જાતી હોય તે વિસ્તારનું નામ સહિતની વિગતો મો.નં.૯૯૧૩૨ ૮૫૮૦૧ ઉપર મોકલી શકાશે. આ પછી તસવીરને અખબારમાં પ્રસિધ્ધ કરી તંત્રનો કાન આમળવામાં આવશે સાથે સાથે બને એટલી ઝડપથી ઉકેલ લાવવા પ્રયાસ કરાશે.
