ચિકનગુનિયાએ માજા મુકી: ગત વર્ષ કરતાં કેસમાં ત્રણ ગણો વધારો !
૨૦૨૨માં ૧ જાન્યુ.થી ૫ નવે. સુધી ચિકનગુનિયાના ૨૫ કેસ નોંધાયા’તા જેની સામે આ વર્ષે ૬૨ નોંધાયા: ડેંગ્યુ-મેલેરિયાની `રફ્તાર’ યથાવત: વધુ ૧૪ દર્દી મળ્યા: શરદી-ઉધરસ, ઝાડા-ઉલટીના કેસનો ફાટ્યો રાફડો
દિવાળીના સપરમા તહેવાર આડે હવે માત્ર પાંચ દિવસની વાર છે તે પહેલાં જ રાજકોટમાં રોગચાળો ધડાકા-ભડાકા કરવા લાગ્યો હોય તેવી રીતે ડેંગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયાના કેસ રીતસરના વધી રહ્યા છે. મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક રોગચાળાનો રિપોર્ટ ચિંતાજનક આવતાં શહેરીજનો પણ ફફડાટ અનુભવી રહ્યા છે. બીજી બાજુ ચિકનગુનિયાનો રોગ ખરેખર ચિંતા જન્માવી રહ્યો હોય તેમ ગત વર્ષ કરતાં આ વર્ષે કેસમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.
આરોગ્ય શાખા દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા પ્રમાણે ગત વર્ષે ૨૦૨૨માં ૧ જાન્યુઆરીથી ૫ નવેમ્બર સુધીમાં શહેરમાં ચિકનગુનિયાના ૨૫ કેસ નોંધાયા હતા જેની સામે આ વર્ષે ૬૨ દર્દી નોંધાઈ ચૂક્યા છે. બીજી બાજુ ડેંગ્યુના કેસ પર નજર કરીએ તો પાછલા વર્ષે આટલા સમયગાળામાં ૨૦૯ દર્દી હતા જેની સામે આ વર્ષે ૧૫૦, મેલેરિયાના ૪૪ દર્દી હતા જેની સામે આ વર્ષે ૩૪ દર્દી મળ્યા હોવાનું જાહેર કરાયું છે.
આરોગ્ય શાખા દ્વારા તા.૩૦-૧૦થી તા.૫-૧૧ સુધીના સાત દિવસના રોગચાળાના જાહેર કરાયેલા આંકડા પ્રમાણે શહેરમાં ડેંગ્યુના વધુ ૧૨, મેલેરિયાના ૨ અને ચિકનગુનિયાના ૪ કેસ મળ્યા છે. જ્યારે શરદી-ઉધરસ-તાવના ૯૭૨, સામાન્ય તાવના ૬૨, ઝાડા-ઊલટીના ૧૫૩ કેસ નોંધાયા છે.