રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં નવા ટર્મિનલ પરથી ચીકી,ચેવડો,ચટણી,વેફર્સ અને પેંડા મળશે
ફર્સ્ટ ફ્લોર પર બનેલા ફૂડકોર્ટમાં વોકલ ફોર લોકલને પ્રાધાન્ય:બાલાજી વેફર્સ,જય સિયારામનાં પેંડા, રસિકભાઈના ચેવડો અને ચટણી માટે ઓથોરિટીએ એપ્રોચ કર્યો:જાણીતી હોટેલની કેન્ટીનની સુવિધા મળશે
આગામી 9 તારીખે હિરાસર એરપોર્ટના નવા ટર્મિનલ નું ઉદઘાટન થવા જઈ રહ્યું છે, અનેકવિધ સુવિધાઓથી સજજ આ ટર્મિનલમાં વોકલ ફોર લોકલને મહત્વ આપવામાં આવ્યું છે, ખાસ કરીને ફૂડ કોર્ટમાં રાજકોટની નામાંકિત કંપનીઓ અને રેસ્ટોરન્ટ,હોટેલ દ્વારા એપ્રોચ કરવામાં આવ્યો હોવાથી બાલાજી વેફર, જય સીયારામના પેંડા, રસિકભાઈનો ચેવડો અને વેફર,ચીકી સહિત પ્રખ્યાત ખાણી પીણીનાં સ્ટોલ મળી રહેશે.
ફૂડ એન્ડ બેવરેજીસમાં રાજકોટની પ્રખ્યાત કંપનીઓને મહત્વ આપવામાં આવ્યું છે, ટર્મિનલના ફર્સ્ટ ફ્લોરમાં ફૂડ કોર્ટ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં રેસ્ટોરન્ટ -કાફેની સુવિધાઓ મળશે. એરપોર્ટના સૂત્રોમાંથી મળતી વિગત, વેફર અને નમકીનમાં બાલાજીનું નામ ટોચમાં રહેલું છે બાલાજી કંપની દ્વારા તેમની કેન્ટીન માટે એપ્રોચ કરાયો હતો, આ ઉપરાંત હોટલ સયાજી તેમજ કિંગક્રાફ્ટ દ્વારા પણ તેમની કેન્ટીન શરૂ કરવા માટે પ્રપોઝલ મૂકવામાં આવી છે.
રાજકોટના પેંડા, વેફર અને ચટણી વિશ્વવિખ્યાત છે, આથી રાજકોટ બહારથી આવતા પેસેન્જરને એરપોર્ટ પર જ પેંડા વેફર,ચીકી, ચટણી સહિતની ખાણીપીણીની વસ્તુઓ મળી રહેશે, આ ઉપરાંત પેસેન્જરો આરામ ફરમાવી શકે તે માટે રિઝર્વ લોન્જ ઉભી કરવામાં આવી છે.
આ સપ્તાહમાં ટર્મિનલમાં કાફે,કેન્ટીન અને ફૂડ કોર્ટની સુવિધા શરૂ થઈ જશે. ઓથોરિટી દ્વારા રાજકોટના સ્થાનિક વેપારીઓ અને કંપનીઓને મહત્વ અપાશે.