રાજકોટના 5 સહિત રાજ્યના 22 હાઇવેની તપાસના આદેશ આપતા મુખ્યમંત્રી
2021 પછી બનેલા ગુણવતા, નબળા કામ અને દબાણ સહિતના મામલે તપાસ
રાજકોટ : ભારે વરસાદ બાદ રાજકોટ સહિત રાજ્યમાં અનેક રસ્તાઓ નબળી કામગીરીને કારણે નેસ્ત નાબૂદ જેવી હાલતમાં મુકાયા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ થયેલી ઢગલાબંધ ફરિયાદો બાદ વર્ષ 2021 બાદ નિર્માણ થયેલા રાજકોટના 5 ધોરીમાર્ગો સહિત રાજ્યના 22 હાઈવેની તપાસના આદેશ કરવામાં આવ્યા હોવાનું માર્ગ અને મકાન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ કોન્ટ્રાકટરો અને અધિકારી -પદાધિકારીઓની મિલીભગતથી બનતા ગેરંટીવાળા હાઇવે થોડા વરસાદમાં જ જવાબ દઈ રહ્યા છે ત્યારે આ વર્ષે પડેલા ભારે વરસાદ બાદ રાજ્યના અનેક માર્ગોએ તંત્રની પોલ ખોલી નાખવાની સાથે કોન્ટ્રાકટર દ્વારા નબળા કામ કરવામાં આવતા હોવાના પુરાવા સામે આવી રહ્યા છે ત્યારે ધારાસભ્ય અને તકેદારી આયોગ દ્વારા આ મામલે સીએમઓનું ધ્યાન દોરવાની સાથે મુખ્યમંત્રીને અનેક ફરિયાદ મળતા મુખ્યમંત્રી દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તેમજ પંચાયત હસ્તકના અલગ -અલગ 22 ધોરીમાર્ગો અંગે તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે,મ મુખ્યમંત્રી સમક્ષ ખુદ ધારાસભ્યો દ્વારા પણ નબળી ગુણવતાના કામો અંગે ફરિયાદો કરવામાં આવી હોવાનું સાથે જ કેટલાક ધોરીમાર્ગો ઉપર દબાણ મુદ્દે પણ રાવ થઇ છે ત્યારે હાલમાં માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીના આદેશ અન્વયે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ મસમોટા ગણાતા 22 ધોરીમાર્ગોની તપાસ શરુ કરવામાં આવતા કઈ કેટલાયને અસર પડે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.
ક્યાં જિલ્લાના કેટલા હાઇવે તપાસના રડારમાં
રાજકોટ- 5
જામનગર-8
મોરબી-3
સુરેન્દ્રનગર -6
કુલ -22