સ્વીગીના ઓનલાઈન દવાઓના વેચાણનો ગુજરાતના કેમિસ્ટોએ કર્યો વિરોધ: આરોગ્યમંત્રીને મળશે
ઓનલાઈન ફાર્મસી દ્વારા ત્રણ વર્ષમાં વ્યાપક પ્રમાણમાં ડુપ્લીકેટ દવાઓ મળી છે: સરકારે હજુ કોઈ નિયમો બનાવ્યા નથી ત્યારે દર્દીઓને સલામતી અને સુરક્ષા સામે સવાલો: ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ લડી લેવાના મૂડમાં
ફૂડ પછી હવે સ્વીગી મારફત દવાઓ મળશે જેનો ગુજરાતના કેમિસ્ટો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સૌથી વધારે નકલી દવાઓ ઓનલાઈન દ્વારા પકડાય છે ત્યારે ફરી એક વખત લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નિર્ણય લેવામાં આવતા ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને મળવા માટેનો નિર્ણય લીધો છે.
પ્રમુખ જશુભાઈ પટેલ અને જનરલ સેક્રેટરી કિરીટ પલાણએ વ્યક્ત કરતાં કહ્યું હતું કે સૌથી વધારે યુવાનો ઓનલાઇન દવાઓ વાપરતા થયા છે જેમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ આવી ઓનલાઇન કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે .જેમાં ઘણી વખત નકલી દવાઓ ધાબડી દેવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારે દવાના ઓનલાઈન વેપારો સામે કોઈ નિયમો ન બનાવ્યા હોવાનો દવાના વેપારીઓએ દાવો કર્યો છે ત્યારે કંપનીએ ફાર્મઇઝી નામની કંપની સાથે ભાગીદારી કરી દવાની ડીલેવરી શરૂ કરી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં જેટલી પણ ડુપ્લીકેટ દવાઓ પકડાય છે તેમાં મોટાભાગે ઓનલાઇન વેચાણ ની દવાઓ મળી છે. ગુણવત્તા અને દર્દીઓની સલામતી સામેં સવાલો ઉભા થયા છે. આથી સરકાર આ બાબતે નિયમો બનાવે અને આવી ઓનલાઇન દવાઓના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી કેમિસ્ટો દ્વારા માંગણી કરી છે.