કોઠારીયાના લાપાસરી રોડ પર ડમ્પરે બાઇકને ઉલાળતાં પશુપાલકનું મોત
કોઠારીયાના લાપાસરી રોડ પર છાપરા બાંધીને રહેતાં અને ભેંસો ચરાવી ગુજરાન ચલાવતાં મુળ ગોડલ પંથકના પશુપાલક વેદરાજભાઇ કાળુભાઇ માલાણી (ઉ.વ.૫૦) બાઇક સહિત ડમ્પરની ઠોકરે ચડી જતાં મોત થયું છે. વિગતો મુજબ વેદરાજભાઇ ઘણા સમયથી કોઠારીયાના લાપાસરી રોડ પર આવેલા બેકબોનના ભરડીયા પાસે છાપરૂ બાંધીને રહેતાં હતાં અને ભેંસો ચરાવતાં હતાં. તેઓ મોટરસાઇકલ પર ભેંસો માટે ખોળની ગુણી લેવા ગયા હતાં.અને ત્યાંથી પરત છાપરા તરફ જતાં હતાં ત્યારે લાપાસરી રોડ કામલીયા ગૌશાળા પાસે ડમ્પરના ચાલકે ઠોકર મારતા તેઓ ફંગોળાઇ ગયા હતા.અને તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર વેદરાજભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. આ મામલે આજીડેમ પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલકની શોધખોળ કરી છે.