કાર ઑફ-ડે: કોઈ બસમાં, કોઈ સાયકલ, કોઈ સ્કૂટર લઈને આવ્યું
મહાપાલિકામાં દર સોમવારે સરકારી કારનો ઉપયોગ નહીં કરવાના નિર્ણયનો અમલ શરૂ: હંમેશા સાયરનવાળી ગાડીમાં જ આવવાનો આગ્રહ રાખતાં નેતાઓ-અધિકારીઓને પોતાના વાહનમાં જોઈ અરજદારો પણ ચોંક્યા
રાજકોટ મહાપાલિકામાં આમ તો દરેક અધિકારી અને પદાધિકારી સરકારી કાર લઈને જ આવતા હોય છે. ખાસ કરીને પદાધિકારીઓ તો સાયરનવાળી કાર લઈને ન આવ્યા હોય તો કદાચ તેમને ચેન પણ નહીં પડતું હોય !! આ જ કારણથી ઈંધણનો ખર્ચ હદ બહાર વધી ગયો હોવાને કારણે શહેર ભાજપ પ્રમુખ, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ દ્વારા દર સોમવારે સરકારી કારનો ઉપયોગ કરવાની જગ્યાએ પોતાના વાહનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો જેનો અમલ આ સોમવારે કરવામાં આવતાં કોઈ બસમાં, કોઈ સાયકલ લઈને તો કોઈ સ્કૂટર લઈને કચેરીએ આવ્યું હતું જેમને જોઈને અરજદારો પણ ચોંકી ઉઠ્યા હતા.
સોમવારે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા સિટી બસ મારફતે મનપા કચેરીએ પહોંચ્યા હતા તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.કે.નંદાણી સાયકલ લઈને, મ્યુનિસિપલ સેક્રેટરી સમીર ધડુક પોતાની સ્કૂટર લઈને, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર પોતાની કાર લઈને, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પોતાની કાર લઈને, શાસક પક્ષના દંડક મનિષ રાડિયા સ્કૂટર પર તો શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ પોતાની કાર લઈને આવ્યા હતા. એકંદરે ૪૦થી વધુ સરકારી વાહનો આજે કચેરીમાં જ પડ્યા રહ્યા હોવાથી નોંધપાત્ર ઈંધણની બચત થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
