લોકસભા ચૂંટણી લડતા ઉમેદવારોનો હાથ છૂટ્ટો રહેશે : રૂ.95 લાખનો ખર્ચ કરી શકશે
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ખર્ચ મર્યાદામાં વધારો કરાયો
રાજકોટ : સામાન્ય માણસ જ નહીં ચૂંટણી લડતા ઉમેદવારોને પણ મોંઘવારીનું ગ્રહણ નદી ગયું છે. આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો રૂપિયા ૯૫ લાખ સુધીનો ચૂંટણી ખર્ચ કરી શકશે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા તથા વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદા 70 લાખથી વધારી 25 લાખના વધારા સાથે 95 લાખ કર્યો છે, જો કે, અરુણાચલપ્રદેશ, ગોવા,સિક્કિમ જેવા નાના રાજ્યોના લોકસભા ઉમેદવાર 75 લાખ રૂપિયા સુધીનો જ ચૂંટણી ખર્ચ કરી શકશે, આ અંગેનું વિધિવત નોટિફિકેશન પણ ચૂંટણીપંચ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે.
ભારતના ચૂંટણીપંચ દ્વારા મોંઘવારીના સમયને ધ્યાને લઈ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી લડતા ઉમેદવારો માટે ચૂંટણીખર્ચમાં વધારો કર્યો છે, ચૂંટણીપંચે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત,હરિયાણા, હિમાચલપ્રદેશ,ઝારખંડ,કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓરિસ્સા,પંજાબ, રાજસ્થાન,તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ તેમજ સંઘ પ્રદેશ દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં લોકસભા ચૂંટણી માટે દરેક ઉમેદવારો હવે 70 લાખની બદલે 95 લાખ રૂપિયાની મર્યાદામાં ચૂંટણી ખર્ચ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
જયારે અરુણાચલપ્રદેશ, ગોવા,સિક્કિમ રાજ્ય તેમજ અંદમાન નિકોબાર,ચંદીગઢ, દાદરા નગર હવેલી દમણ અને દીવ,લક્ષદ્વીપ,પુડુચેરી અને લડાખ જેવા કેન્દ્ર શાસિત પ્રદેશ માટે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો 75 લાખની મર્યાદામાં ચૂંટણીખર્ચ કરી શકશે. લોકસભા ચૂંટણીની જેમ જ વિધાનસભા ચૂંટણીમાં પણ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા વિધાનસભા ચૂંટણી લડતા ઉમેદવારો માટે રૂપિયા 28 લાખથી વધારી રૂ.40 લાખ ચૂંટણી ખર્ચ કરવા મંજૂરી આપવામાં આવી છે.જો કે નાના રાજ્યો માટે વિધાનસભા ચૂંટણીમાં ખર્ચની મર્યાદા 28 લાખ યથાવત રાખવામા આવી છે.