‘વરસાદ પોરો’ ખાય એટલે સૌથી પહેલાં રાજકોટને ચોખ્ખું’ને પછી ગાબડામુક્ત કરાશે
ઠેર-ઠેર પાણી ભરાઈ જવાને કારણે મહત્તમ ડે્રનેજ લાઈન ચોકઅપ થઈ ગઈ
આજથી વરસાદ રોકાય એટલે ટીમોને કામે લગાવી દેવાશે: જે રસ્તા ચોખ્ખા થશે ત્યાં બીજી ટીમ ગાબડા બૂરવાનું શરૂ કરશે
અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હોવાને કારણે તેને ખસેડવાનો પણ પડકાર
રાજકોટમાં ચાર દિવસ સુધી એકધારા વરસાદને કારણે જ્યાં નજર કરવામાં આવે ત્યાં પાણી ભરાયેલા હોવાને કારણે જનજીવન થંભી જવા પામ્યું હતું. હવે આજથી વાતાવરણ ચોખ્ખું થવાની આશા છે ત્યારે વરસાદ જેવો
પોરો’ ખાય કે તુરંત જ રાજકોટને ચોખ્ખું-ચણાંક કરવાનું શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત ઠેર-ઠેર ગાબડાં પડી ગયા હોવાને કારણે ત્યાં ઝડપથી પેચવર્ક કરાશે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે ભારે વરસાદને કારણે મહત્તમ વિસ્તારોમાં ડે્રનેજ લાઈન ચોકઅપ થઈ જવા પામી છે જેના કારણે ગંદકી રસ્તા ઉપર ફેલાઈ રહી છે. વરસાદ વિરામ લ્યે એટલે તુરંત જ ડે્રનેજ લાઈનને ઠીક કરીને રસ્તા પર ફેલાયેલી ગંદકી દૂર કરવાનું શરૂ કરી દેવાશે. આ માટે અલગ-અલગ ટીમને કામે લગાડવામાં આવશે.
જ્યારે શહેરના લગભગ દરેક વિસ્તારમાં વરસાદને કારણે મસમોટા ગાબડાં પડી ગયા હોવાથી જે વિસ્તારની સફાઈ થશે ત્યાં બીજી ટીમ ગાબડાં બૂરવાનું શરૂ કરી દેશે. આ કામગીરી માટે બે દિવસ ઉઘાડ નીકળે તેની તાતી જરૂર હોય ઉઘાડ નીકળ્યાની સાથે જ કામ પૂરપાટ ઝડપે આરંભી દેવામાં આવશે. જો આજથી જ ઉઘાડ નીકળે છે તો કાલથી સફાઈ અને ગાબડા પૂરવાનું શરૂ કરાશે.
બીજી બાજુ અનેક વિસ્તારોમાં નાના-મોટા વૃક્ષો તૂટી પડ્યા હોવાને કારણે તેને ખસેડવાનો પડકાર પણ રહેલો છે તે માટે પણ ઝડપથી કામગીરી કરવામાં આવશે.