ગારમેન્ટ માર્કેટમાં ખરીદીની ધૂમ: 3000 કરોડનો વેપાર
દુકાનો, શો રૂમ અને મોલ્સમાં ચિલ્ડ્રન્સ,જેન્ટ્સ અને લેડીઝવેરમાં 5000થી વધુ વેપારીઓને દિવાળી ફળશે રેડીમેઈડ ડ્રેસીસ,ઇન્ડો વેસ્ટર્ન, કુર્તી, લગ્ન પ્રસંગ અને તહેવારને અનુરૂપ સ્ટાઈલિસ્ટ ડ્રેસિસ, જેન્સ માટે કુર્તા ટીશર્ટ,શર્ટસની વિવિધ ડિઝાઇન ઓનલાઈન માર્કેટને આપી રહી છે ટકકર
આ વર્ષે સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને સાતમ આઠમ અને નવરાત્રિ ફળ્યા બાદ હવે ‘દિવાળી’પણ લાંબા સમય પછી સુધરી છે. ગારમેન્ટ માર્કેટમાં ખરીદીને ગરમી જોવા મળતા આ સિઝનમાં ગારમેન્ટ માર્કેટમાં 3000 કરોડ રૂપિયાનો વેપાર કરશે.
દિવાળી નો તહેવાર બજાર માટે કેવો રહેશે તેની તાસીર રક્ષાબંધન અને ગણેશ ઉત્સવથી નક્કી થાય છે. રાજકોટની ધર્મેન્દ્ર રોડથી લઈ યાજ્ઞિક રોડ ,અમીન માર્ગ સહિત વિસ્તારોમાં આવેલી ગારમેન્ટ દુકાનો અને શોરૂમ ઉપરાંત વિવિધ બ્રાન્ડના મોલ મળી કુલ 5000થી વધુ વેપારીઓ છે. આ વર્ષે સારો વરસાદ અને કપાસનું પણ પુષ્કળ ઉત્પાદન થયુ છે. એક્સપોર્ટમાં ભાવ 10 થી 15 ટકા નીચે આવ્યા છે જેની અસર સ્થાનિક બજારમાં વધારે પડ્યું હોવાથી ગારમેન્ટ માર્કેટમાં આ વખતે મબલખ ઓર્ડરો મળ્યા હતા.
દિવાળીના તહેવાર બાદ જ દેવદિવાળી થી લઈ કમુરતાને બાદ કરતાં આગામી વૈશાખ મહિના સુધી લગ્ન પ્રસંગના અનેક મુહૂર્ત હોવાથી જેની તૈયારી પણ અત્યારથી શરૂ થઈ ગઈ છે. જેની અસર સ્થાનિક બજારના વેપાર પર જોવા મળી છે.
ગારમેન્ટ એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ ઉનડકટએ વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટની વિવિધ બજારોમાં 5,000 થી વધુ વેપારીઓ ગારમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે જેમાં ચિલ્ડ્રન્સ વેરથી શરૂ કરીને ડિઝાઇનર કોસ્ચ્યુમ મળી રહે છે. આ વર્ષે રેડીમેઇડ ગારમેન્ટ પણ ઓનલાઇન માર્કેટને ટક્કર દેવા સક્ષમ છે. આ વર્ષે લોકોનો ટ્રેન્ડ કેવો છે મુજબ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હોવાથી ટેક્સટાઇલ બજારમાં ઘણી નવી ડિઝાઇનો જોવા મળી છે.
તહેવારોમાં રેડીમેઈડ ડ્રેસીસ,ઇન્ડો વેસ્ટર્ન, કુર્તી, લગ્ન પ્રસંગ અને તહેવારને અનુરૂપ સ્ટાઈલિસ્ટ ડ્રેસિસ, જેન્સ માટે કુર્તા ટીશર્ટ,શર્ટસની વિવિધ ડિઝાઇન આવી છે. રાજકોટ હોલસેલ એસોસિએશન તેમજ અન્ય ગારમેન્ટ દ્વારા ઓનલાઇન માર્કેટમાં અમુક કમ્પનીઓ દ્વારા ગ્રાહકોની જે રીતે છેતરી આવી રહ્યા છે તેની ફરિયાદ સરકારમાં કરવામાં આવી છે.
ધરચોળા,બાંધણી અને પટોળાની ડિમાન્ડ વધી
દિવાળીની ખરીદી હજુ ધીમી ગતિથી શરૂ થઈ રહી છે,જ્યારે નવરાત્રી થી લગ્નગાળાને અનુરૂપ ખરીદી શરૂ થઈ ગઈ છે. જેમાં ઘરચોળા,પટોળાં, બાંધણી જે યુવતીઓ અને મહિલાઓ માટે ઓલ ટાઈમ ફેવરિટ છે તેની ડિમાન્ડ આ વખતે પણ સારી એવી હોવાનું હોલસેલ માર્કેટ એસોસિએશનના સેક્રેટરી રૂપેશભાઈ રાચ્છે જણાવ્યુ હતું. રાજકોટના ઘરચોળા અને પટોળાંની માગ દેશ વિદેશમાં રહે છે. અત્યારે દિવાળી પછી લગ્નની સીઝન શરૂ થશે અને ત્યારબાદ ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી એનઆરઆઈ ગ્રાહકોની ખરીદી રહેશે.
આખા વર્ષનો 70 ટકાથી વધુ વેપાર તહેવારોમાં
ભારતીય સંસ્કૃતિમાં તહેવારનો મહત્વ રહેલું છે તહેવારો સાથે ખરીદી પણ સંકળાયેલી છે, આથી સ્થાનિક બજારના આખા વર્ષનો 70% થી વધુ વેપાર તહેવારો દરમિયાન થતો હોય છે જેના લીધે તહેવારો પર નાના વેપારીઓથી લઈને મોટા વેપારીઓની મીટ મંડાયેલી હોય છે. જેમાં રાજકોટમાં સાતમ આઠમ ,નવરાત્રી અને દિવાળીના તહેવારોનું વિશિષ્ટ મહત્વ હોવાથી નાના વર્ગથી લઈને મોટા વર્ગના લોકો તહેવારોને અનુરૂપ યથાશક્તિ મુજબ ખરીદી કરતા હોય છે. છેલ્લા ત્રણ વર્ષથી બજારમાં લોકોની ખરીદશક્તિ વધી રહી હોવાથી તહેવારો વેપારીઓને ફળી રહ્યા છે.