ધંધો-કમિશન બંધ: દબાણ દૂર કરવા આદેશ
ક્યુબ ક્નસ્ટ્રક્શન' એજન્સીને ફટકારાઈ નોટિસ, બે દિવસમાં જવાબ આપવા ફરમાન
મંજૂરી વગર રેંકડી શા માટે ઉભી રહેવા દીધી ? જવાબ સંતોષકારક નહીં લાગે તો પેનલ્ટી ફટકારાશે
૨૦ જ દિવસની અંદર શહેરીજનોના
ફેવરિટ’ બની ગયેલા અટલ સરોવર ઉપર દરરોજ મોટી સંખ્યામાં લોકો ફરવા માટે જઈ રહ્યા છે. બીજી બાજુ જેમ જેમ લોકોની ભીડ વધતી જાય છે તેમ તેમ કમાણી કેવી રીતે વધારવી તેને લઈને એજન્સી દ્વારા અવનવા કીમિયા અખત્યાર કરવામાં આવી રહ્યા છે. અટલ સરોવરના સંચાલનની જવાબદારી મહાપાલિકા દ્વારા વડોદરાની ક્યુબ ક્નસ્ટ્રક્શન એજન્સીને સોંપવામાં આવી છે જેના દ્વારા તંત્રની કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર જ અટલ સરોવરની અંદર એક પછી એક રેંકડી ગોઠવાવી દઈ ડબલ રૂપિયામાં ખાણીપીણીનું વેચાણ કરાવી કમીશન કટકટાવાઈ રહ્યાનો ધગધગતો અહેવાલ વોઈસ ઓફ ડે' દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતાં જ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

એકંદરે અહેવાલ પ્રસિદ્ધ થયાના ૧૨ કલાકની અંદર જ મનપાએ ગેરકાયદેસર રીતે ખાનપાનનો ધંધો તેમજ એજન્સીનો કમિશન બંધ કરાવી દઈ દબાણ દૂર કરવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ
ક્યુબ ક્નસ્ટ્રક્શન’ એજન્સીને મહાપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે સાથે સાથે મંજૂરી વગર આ પ્રકારે રેંકડીઓ શા માટે ઉભી રહેવા દેવામાં આવી તે અંગે બે દિવસમાં જવાબ આપવા ફરમાન અપાયું છે. જો બે દિવસની અંદર એજન્સી સંતોષકારક જવાબ નહીં આપે અથવા તો તંત્રને તેનો જવાબ ગળે નહીં ઉતરે તો નોંધપાત્ર પેનલ્ટી ફટકારવામાં આવશે.
અત્રે યક્ષપ્રશ્ન એ પણ છે કે છેલ્લા પંદર દિવસથી આ પ્રકારે નિયમ વિરુદ્ધ ખાણીપીણીનું વેચાણ થઈ રહ્યું હતું છતાં તંત્રના ધ્યાન પર આટલો મહત્ત્વનો મુદ્દો ન આવ્યો તે પણ સવાલ પૂછી લેનારી વાત છે. હાલના તબક્કે તો અટલ સરોવરમાં ખાણીપીણીની એક પણ વસ્તુનું વેચાણ થઈ રહ્યું નથી.
તંત્રનું ધ્યાન દોરવા બદલ વોઈસ ઓફ ડે'નો આભાર: કમિશનર-મ્યુ.કમિશનર
વોઈસ ઓફ ડે’ દ્વારા અટલ સરોવરની અંદર સુવ્યવસ્થિત રીતે `ખાયકી કૌભાંડ’ ચાલી રહ્યા અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં જ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા ડે.મ્યુ.કમિશનર ચેતન નંદાણીને એજન્સીને તાત્કાલિક નોટિસ ફટકારવા તેમજ દબાણ દૂર કરવા આદેશ આપી દેવાયો હતો. બીજી બાજુ બન્ને અધિકારી દ્વારા આ અંગે તંત્રનું ધ્યાન દોરવા બદલ અને લોકોને લૂંટાતાં બચાવવા બદલ આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અટલ સરોવર ઉપર વિજિલન્સ બંદોબસ્ત ગોઠવાયો

અટલ સરોવરમાં ફરી વખત ખાણીપીણીની રેંકડીઓ તેમજ ફૂડ વાનનું દબાણ ગોઠવાઈ ન જાય તે માટે મહાપાલિકા દ્વારા વિજિલન્સ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગે પીએસઆઈ રસિક મકવાણાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તમામ ધંધાર્થીઓને આજે પોતાના વાહનો બહાર લઈ લેવા અને ફરી ક્યારેય અંદર નહીં મુકવા આદેશ આપી દેવાયો છે આમ છતાં જો તેઓ બહાર નહીં નીકળે તો મનપા દ્વારા સામાન જપ્ત કરી લેવાશે.
ભવિષ્યમાં ક્યારેય આવું કૃત્ય ન કરે તે માટે કરાશે કડક કાર્યવાહી: જયમીન ઠાકર
દરમિયાન આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે અટલ સરોવરના સંચાલનનું ટેન્ડર ૨૦૧૯માં તૈયાર કરાયું હતું જેમાં આ પ્રકારે અંદર રેંકડીઓ રાખવા દેવાની કોઈ જ શરત સામેલ ન્હોતી એટલા માટે એજન્સી સામે કાર્યવાહી કરાશે જ સાથે સાથે ભવિષ્યમાં આવું કૃત્ય ફરી ન કરે તેનું ધ્યાન રાખવામાં આવશે.