રાજકોટમાં ટ્રાવેલ્સ સંચાલકો-રિક્ષાચાલકોની દાદાગીરી ટ્રાફિક સમસ્યાનું મૂળ
રાજકારણીઓ અને તંત્ર બસ સ્ટેન્ડની ટ્રાફિક સમસ્યા ઉકેલવાના નામે લોકોને
મૂર્ખ બનાવે છે: ૧૫ મિનિટનો રસ્તો કાપવા માટે ટ્રાફિક જામમાં ૨૫ મિનિટ લાગે છે
રાજકોટમાં બસ સ્ટેન્ડ પાછળ ટ્રાફિક સમસ્યા એ રોજની રામાયણ છે. તંત્ર અને શાસકો હજુ વિકાસની વાતો કરે છે ત્યારે લોકો કહે છે કે પહેલાં ટ્રાફિક સમસ્યા તો હલ કરો, ચૂંટણી આવે અને પુરી થઈ જાય છે અને ચૂંટણી ઢંઢેરામાં એક મુદ્દો દર વખતે હોય છે કે ટ્રાફિક રહિત રાજકોટ બનાવશું પરંતુ આ બફાટ ફેલાવતા રાજકારણીઓ અને તંત્રવાહકો માત્ર ઢોલ પીટવા સિવાય ખરી રીતે કોઈ કામગીરી કરતા જ નથી. ટ્રાફિક સમસ્યા ઉકેલવાની મોટી મોટી વાતો કર્યા બાદ પ્રજા નેતાઓ ઉપર વિશ્વાસ કરે છે અને આ નેતાઓ રાજકોટની જનતાને ટ્રાફિક સમસ્યાના ઉકેલના નામે રીતસરની મૂર્ખ બનાવે છે તેવો અહેસાસ હવે શહેરીજનોને પણ થઈ રહ્યો છે.
રાજકોટની જનતા છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહી છે અને ટ્રાફિકજામ વચ્ચે દરરોજ રાજકોટના નાગરિકો હવે જાણે આ ટ્રાફિક સમસ્યાના આદી થઈ ગયા છે તેવું દેખાઈ રહ્યું છે. બસ સ્ટેન્ડ પાછળ સૌથી મોટી ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. પંદર મિનિટનો રસ્તો કાપવા માટે ૨૫ મિનિટનો સમય બગાડવો પડે છે અને વારંવાર ટ્રાફિક જામ થાય છે છતાં પણ તંત્ર બસ સ્ટેન્ડ પાછળના આ વર્ષો જૂના પ્રશ્નને લઈને હજુ સુધી ગંભીર બની નથી. બસ સ્ટેન્ડ પાછળ ખાસ કરીને ખાનગી ટ્રાવેલ્સની ઓફિસો આવેલી હોય અને અહીંયા ખાનગી બસોની અવરજવર ઉપરાંત રિક્ષાચાલકોની દાદાગીરી અને આડેધડ રિક્ષા પાર્કિંગ એ બસ સ્ટેન્ડ પાછળ ટ્રાફિક સમસ્યાનું મુળ છે.
આ બાબતે આ વિસ્તારના વેપારીઓ પણ હવે ત્રાસી ગયા છે. બસ સ્ટેન્ડનું નવનિર્માણ થયા બાદ ટ્રાફિક સમસ્યા ઓછી થવાના બદલે વધી રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતભરમાંથી આવતી એસટી બસમાં મુસાફરી કરવા અહીંયાથી અવરજવર કરતાં રાજકોટવાસીઓ તેમજ બહારના લોકોને પણ આ ટ્રાફિક સમસ્યાનો ભોગ બનવું પડી રહ્યું છે. રાજકોટની ચિંતા કરવાના બદલે તંત્ર પોતાના કામમાં મસ્ત અને વ્યસ્ત રહે છે.

દર પંદર મિનિટે ટ્રાફિકજામ: ઓમ દેવમુરારી
બસ સ્ટેન્ડ પાછળ આવેલી ભક્તિ હોટલના મેનેજર ઓમદેવ મુરારીએ ટ્રાફિક સમસ્યા બાબતે જણાવ્યું કે, બસ સ્ટેન્ડ પાછળ દર પંદર મિનિટે ટ્રાફિકજામ થાય છે. આટલો બધો ટ્રાફિક રહેતો હોવા છતાં ટ્રાફિક પોલીસની ગેરહાજરી એ સૂચક બાબત છે. જો પોલીસની હાજરી હોય તો ટ્રાફિક મેનેજમેન્ટ થઈ શકે છે અને ટ્રાફિક સમસ્યાનો થોડા અંશે ઉકેલ આવી શકે છે. હોટલે આવતા મુસાફરોને પણ ઘણી વખત પાર્કિંગ કરવા માટેની જગ્યા પણ મળતી નથી અને જેના કારણે બસ સ્ટેન્ડના પાછળના વિસ્તારમાં માથાના દુ:ખાવારૂપ ટ્રાફિક સમસ્યા બની ગઈ છે.
પોલીસની ટોઇંગ વાન દેખાતી જ નથી: સૂરજભાઇ આસર
બસ સ્ટેન્ડ પાછળ મોબાઈલની શોપ ધરાવતા વેપારી સૂરજભાઈ આસરે જણાવ્યું કે, બસ સ્ટેન્ડ પાછળ દરરોજ સવારથી ખાનગી ટ્રાવેલ્સ અને રિક્ષાચાલકોનો મેળાવડો જામતો હોય અને મુસાફરોની હેરાફેરી માટે ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવરો અને રિક્ષાચાલકો આડેધડ વાહનો ચલાવે છે. ખાસ કરીને ખાનગી ટ્રાવેલ્સ માટે પાર્કિંગ વ્યવસ્થા નહીં હોવાથી રસ્તા ઉપર અડચણરૂપ ખાનગી બસો ઉભી રાખી દેવામાં આવે છે જેના કારણે ભારે અવ્યવસ્થા ઉભી થાય છે. આડેધડ પાર્કિંગના કારણે વેપારીઓને પણ ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. બસ સ્ટેન્ડે તેડવા-મુકવા આવતા લોકો ગમે ત્યાં પોતાનું વાહન પાર્ક કરીને ચાલ્યા જાય છે. સવારે દુકાન ખોલવી હોય ત્યારે પણ દુકાનના આડે વાહનો પાર્ક હોય છે જેથી ટ્રાફિક પોલીસને જાણ કરવી પડે છે. આ વિસ્તારમાં ક્યારેય પણ પોલીસની ટોઇંગવાન દેખાતી જ નથી. જો પોલીસ અન્ય વિસ્તારની જેમ ટોઇંગવાન કામગીરી કરે તો ટ્રાફિક સમસ્યા હળવી બની શકે છે.