રાજકોટમાં મંદિર અને દરગાહના દબાણ ઉપર બુલડોઝર ફેરવી ફેવાયું
મહાનગર પાલિકા દ્વારા માધાપર અને રેલનગરમાં અનામત પ્લોટ અને રસ્તા ઉપરના દબાણ દૂર કરી 31 લાખની જમીન ખુલ્લી કરાવી
રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ટાઉનપ્લાનિંગ સ્કીમની અનામત જમીન તેમજ રોડ-રસ્તાઓ ઉપર ગેરકાયદેસર ખડકાઈ ગયેલા રહેણાક તોડી પાડવાની સાથે મંદિર અને દરગાહના ધાર્મિક દબાણો ઉપર બુલડોઝર ફેરવી દઈ અંદાજે 31 લાખની કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના એડિશનલ સીટી એન્જીનીયર એ.એ.રાવલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ શાખા સેન્ટ્રલ ઝોન દ્વારા મહાનગરપાલિકાના અનામત પ્લોટ તથા ટી.પી. રસ્તા પર થયેલ અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી જેમાં વોર્ડ નં.૩ રેલનગરમા ટી.પી.સ્કીમ નં.૨૩(રાજકોટ), અનામત પ્લોટ નં. ૧૮/એ(વાણીજ્યહેતુ) મંદિરનુ દબાણ દૂર કરવામાં આવ્યું હતું એ જ રીતે વોર્ડ નં.૨ ટી.પી.સ્કીમ નં.૯(રાજકોટ)ના અનામત પ્લોટ નં. એસ.આઇ./૬(ડ્રેનેજ પમ્પીંગ)ની જગ્યામાં રહેણાક મકાનનુ દબાણ હટાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.૩ માધાપરમા ટી.પી.સ્કીમ નં.૩૮/૧ (માધાપર), ૧૮.૦૦ મીટર ટી.પી.રોડ પર (લાગુ એફ.પી.૧૦૩/૭)ની જગ્યામાં દરગાહમા આવેલ રૂમ તથા પાણીના ટાંકાનુ દબાણ કરવામા આવેલ હોવાથી આ દબાણ હટાવી માધાપરમા ટી.પી.સ્કીમ નં.૩૮/૧ (માધાપર)માં ૧૮.૦૦ મીટર ટી.પી.રોડ ઉપર ઉભેલા ચાર(૪)રહેણાક મકાનનુ દબાણ દુર કરવામા આવેલ હતું.