કોઠારીયામાં બુલડોઝરની ધણધણાટી, 50 કરોડની જમીન ખુલ્લી
સ્વાતીપાર્ક મેઈન રોડ ઉપર 4 એકર જમીન ઉપર ખડકાયેલા 40થી 50 મકાન ઢોર વાડા સહિતના દબાણો હટ્યા
રાજકોટ : આચાર સંહિતા હટતા જ રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણો હટાવવા માટે ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, ગુરુવારે વાવડી બાદ શુક્રવારે તાલુકા મામલતદાર કચેરી દ્વારા કોઠારીયા વિસ્તારમાં સ્વાતીપાર્ક નજીક આવેલી 4 એકર સરકારી જમીન ઉપર બુલડોઝરની ધણધણાટી બોલાવી દબાણો હટાવી 50 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણો હટાવવા તમામ મામલતદારોને કડક સૂચના આપવામાં આવતા જ રાજકોટ તાલુકા મામલતદાર મકવાણા અને તેમની ટીમે છેલ્લા બે દિવસથી બુલડોઝરની ધણધણાટી બોલાવવાનું શરૂ કર્યું છે જેમાં ગુરુવારે વાવડીમાં 50 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવ્યા બાદ શુક્રવારે રાજકોટના કોઠારીયા વિસ્તારમાં સ્વાતીપાર્ક મેઈન રોડ ઉપર કોઠારીયા રેવન્યુ સર્વે નંબર 163ની અંદાજે 16000 ચોરસ મીટર જમીન ઉપર ખડકાયેલા 40 થી 50 પાકા મકાનો, વંડા, ગોડાઉન, ગેરેજ, આઠ દુકાન અને ઢોરવાડાનો કડુસલો બોલાવી દીધો હતો.
રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના સર્કલ કથીરિયા, નાયબ મામલતદાર દબાણ રઘુભા વાઘેલા, તલાટી કલ્પના ગોર સહિતની ટીમે આજીડેમ પોલીસને સાથે રાખી અંદાજે 15થી 20 વર્ષ જૂનું દબાણ હટાવી અંદાજે 50 કરોડની કિંમતી જમીન ખુલ્લી કરાવવામાં આવી હોવાનું તાલુકામાં મામલતદાર કાર્તિક મકવાણાએ જણાવ્યું હતું.
