જંત્રી, બાંધકામ અને બિનખેતીમાં હેરાનગતિ મામલે બિલ્ડરોનું શક્તિપ્રદર્શન
જંત્રી સામે જંગ છેડનાર બિલ્ડરોએ સરકારને જંત્રીની વૈજ્ઞાનિક ફોર્મ્યુલા બતાવવા પડકાર ફેંક્યો : બિનખેતીમાં બિનજરૂરી કવેરીનો ત્રાસ નિવારવા માંગ

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સૂચિત જંત્રી સામે જંગ છેડનાર રાજકોટના બિલ્ડર એસોસીએશને સોમવારે રાજકોટમાં બહુમાળી ભવનથી કલેકટર કચેરી સુધી મૌન રેલી યોજી અસહ્ય જંત્રીદરનો વધારો કબૂલ નહોવાનો સ્પષ્ટ સંદેશો આપવાની સાથે કલેકટર કચેરીમાં ઓનલાઇન બિનખેતી પ્રક્રિયામાં કરવામાં આવતી હેરાનગતિ અને કવેરીનો ત્રાસ નિવારવાની સાથે બાંધકામક્ષેત્રે મહાનગરપાલિકા અને રૂડામાં થતી હેરાનગતિ નિવારવા માંગ કરી શક્તિપ્રદર્શન કર્યું હતું. રાજકોટ બિલ્ડર્સ એસોશિએશન આયોજિત મૌન રેલીમાં અંદાજે 10 હજારથી વધુ લોકો જોડાયા હતા, સાથે જ સોમવારે રાજકોટમાં 1000 જેટલી બાંધકામ સાઈટ ઠપ્પ રાખી સરકારની રીતિનીતિનો ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા સૂચિત જંત્રી દર જાહેર કરવામાં આવતા જ અસહ્ય ભાવ વધારા સાથેની નવી સૂચિત જંત્રીનો રાજકોટ બિલ્ડર્સ એસોશિએશન દ્વારા વિરોધ કરી સોમવારે બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા આર્કિટેક્ટ, એન્જીનીયર્સ, રો-મટીરીયલના ધંધાર્થીઓ તેમજ રેવન્યુ બાર એસોશિએશન ઉપરાંત પ્લમ્બિંગ, ઇલકેટ્રીક સહિતના કામ કરતા શ્રમિકોણના સંગઠનને સાથે રાખી જબરો વિરોધ કર્યો હતો. રાજકોટના બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા બાદ શરૂ થયેલી મૌન રેલીમાં અંદાજે 10 હજાર લોકો જોડાયા હતા અને રેલીનો એક છેડો કલેકટર કચેરીએ હતો તો બીજો છેડો બહુમાળી ભવન સુધી હતો.

વધુમાં રાજકોટ બિલ્ડર્સ એસોશિએશન દ્વારા સૂચિત જંત્રીદરની સાથે -સાથે બાંધકામક્ષેત્રે પ્લાન પાસ કરવા, વેલિડેશન કાર્યવાહી, ટીપી સ્કીમની અમલવારી, ફાયર એનઓસી, રૂડામાં 40 ટકા કપાત સહિતના મુદ્દે રજુઆત કરી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા બિનખેતી પ્રક્રિયા રેવન્યુ રેકર્ડ આધારિત અને ઓનલાઇન કરી હોવા છતાં રાજકોટ કલેકટર કચેરીમાં બિન જરૂરી કવેરી કાઢવી, હેતુફેરમાં વિલંબ તેમજ અભિપ્રાયના નામે હેરાનગતિ થતી હોય અલગ-અલગ ત્રણ મુદ્દે મુખ્યમંત્રીને જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

બિનખેતીમાં અભિપ્રાયનો મારો ચલાવવાનું બંધ કરો
રાજકોટ બિલ્ડર્સ એસોશિએશન દ્વારા સૂચિત જંત્રી દર વધારાની સામે મોરચો ખોલવાની સાથે રાજકોટ કલેકટર કચેરીમાં બિનખેતી પ્રક્રિયામાં ઓનલાઇન હેતુફેર, રિવાઇઝ બિનખેતી વગેરે કાર્યવાહીમાં 6-6- મહિનાનો સમય લાગતો હોય કામગીરી ઝડપી બનાવવાની સાથે ઓનલાઇન બિનખેતી પદ્ધતિમાં પીએસઓ ગાંધીનગર દ્વારા કોઈપણ અભિપ્રાય લેવા જણાવેલ ન હોવા છતાં પણ અરજીના 30-35 દિવસ બાદ મામલતદાર, નાયબ કલેકટર, સ્ટેમ્પડ્યુટી, રૂડા અને આરએમસીમા બિનજરૂરી અભિપ્રાય લેવાનો આગ્રહ રાખવામાં આવતો હોવાનો આરોપ લગાવી બિનખેતી પ્રક્રિયાને રેકર્ડ આધારિત કરવાંના સરકારના આદેશનું પાલન કરવા માંગણી કરી હતી.
પાર્ટ કંપ્લીશન આપો, આરએમસીમાં કાયમી ચીફ ફાયર ઓફિસર મુકો
રાજકોટમાં શક્તિપ્રદર્શન કરનાર બિલ્ડરોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં રાજ્ય અને દેશના ગ્રોથ એન્જીન એવા બાંધકામ ઉદ્યોગને પડતી મુશ્કેલી નિવારવા અલગ અલગ 17 માંગણીઓ રજૂ કરી હતી જેમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ નવા આવેલ ટાઉન પ્લાનિંગના અધિકારીઓ પ્લાન પાસ ન કરતા હોવાની સાથે અલગ અલગ પરિપત્રો કરી સોગંદનામા સહિતની વધારાની પિંજણ કરાવતા હોય આરએમસી અને રૂડામાં બાંધકામ ઉદ્યોગની મુશ્કેલી નિવારવા અસરકારક પગલાં સૂચવ્યા હતા. સાથે જ આરએમસીમા ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોય અનેક બિલ્ડિંગના ફાયર એનઓસી ન મળતા બિયું પરમિશન અટવાઈ ગઈ હોવાની મુશ્કેલી પણ રજૂ કરી હતી સાથે જ રાજકોટમાં પાર્ટ કંપ્લીશન આપવાનું બંધ કરવામાં આવ્યું હોય તે પર્સન પુનઃ શરૂ કરવા તેમજ પ્લોટ વેલિડેશન, ટીપી, નોન ટીપી કપાત સહિતની 17 બાબતો અંગે રજુઆત કરી આ તમામ બાબતોનો હકારાત્મક નિકાલ કરવા માંગ ઉઠાવી હતી.
સૂચિત જંત્રીમાં કઈ વૈજ્ઞાનિક પદ્ધતિનો આધાર લેવાયો ? બીલ્ડરોનો સવાલ
સંભવત:એપ્રિલ 2025માં અમલી બને તેવી સૂચિત જંત્રી ગુજરાત સરકારે જાહેર કરી વાંધા સૂચન મંગાવ્યા છે ત્યારે સરકારે નવી સૂચિત જંત્રી અંતે વૈજ્ઞાનિક આધાર લીધો હોવાનું જાહેર કરતા રાજકોટના બિલ્ડરોએ સરકાર સમક્ષ સવાલ ઉઠાવી જણાવ્યું હતું કે, જંત્રી ફેરફાર માટે સરકારે કયો વૈજ્ઞાનિક આધાર લીધોછે ? આ વૈજ્ઞાનિક આધાર અભ્યાસ માટે અમોને પણ આપો તેવી માંગ કરવાની સાથે 40 હજાર વેલ્યુઝોન વાળી જંત્રી સામે વાંધા સૂચન માટે 31 માર્ચ સુધીનો સમય આપવા માંગણી કરી હતી. આ ઉપરાંત થોડા સમય પૂર્વે જ રાજ્યમાં અમલી બનેલી જંત્રી સામે ટૂંક સમયમાં જ 200થી 2000 ટકાના વધારા સાથેની જંત્રી યોગ્ય ન હોય પ્રજાલક્ષી અભિગમ અપનાવી જંત્રીનો અમલ કરવા માંગણી કરવામાં આવી હતી.આ ઉપરાંત જંત્રીની અમલવારી કરતા પહેલા સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઇનનું પાલન કરવા પણ બિલ્ડર્સ એસોશિએશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરવામાં આવી હતી.
સૂચિત જંત્રીના વિરોધમાં રાજકોટની 1000 બાંધકામ સાઈટ ઠપ્પ
સૂચિત જંત્રીના વિરોધમાં રાજકોટમાં બિલ્ડર્સ એસોશિએશન દ્વારા મૌન રેલી યોજવામાં આવતા શહેરની 1000 જેટલી બાંધકામ સાઈટ બંધ રાખવામાં આવી હતી અને બાંધકામ ક્ષેત્રે જોડાયેલ શ્રમિક સહિતના કારીગરો પણ આ મૌન રેલીમાં જોડાયા હતા. બિલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં 1000 બાંધકામ સાઈટ બંધ રહેતા 10 હજાર જેટલા શ્રમિકો કામથી અળગા રહ્યા હતા જો કે, બિલ્ડર્સ દ્વારા બાંધકામ બંધ રાખવામાં આવ્યું હોવા છતાં તમામ શ્રમિકોને દહાડી ભથ્થા ચુકવવામાં આવ્યા હતા.