મહાપાલિકાની રૂા.૧,૦૮,૦૦,૦૦,૦૦૦/-ની જમીન પર બિલ્ડરનો કબજો બળવાન
રાજકોટમાં ખેડે એનું ખેતર…
મહાપાલિકા ધ્રુતરાષ્ટ્રની ભૂમિકામાં
કમિશનર દેવાંગ દેસાઇ ધ્યાન આપે અને લોકોની જમીન લોકોના ઉપયોગ માટે ખુલ્લી મૂકે તે જરૂરી છે, નહીંતર આ રીતે કબજા થતા વાર નહીં લાગે
રૂડાએ બિલ્ડરને ૩ વર્ષ માટે ૧૨,૦૦૦ ચોરસ મીટર જગ્યા બગીચો બનાવવા માટે આપી, પછી રૂડા અને મહાપાલિકા બધા ભૂલી ગયા
રાજકોટમાં ફૂટપાથ ઉપર કોઈ ચાની લારીવાળાએ દબાણ કર્યું હોય કે પછી કોઈ જમીન ઉપર ગરીબે ગેરકાયદેસર રીતે ઝુંપડુ બાંધ્યુ હોય તો તેને ડીમોલીશન કરવામાં જરા પણ રાહ ન જોતી રાજકોટ મહાનગરપાલિકા કેટલાંક માનીતા બિલ્ડરના કિસ્સામાં કેવી ધ્રુતરાષ્ટ્ર બની જાય છે તેનો નાદાર નમુનો બહાર આવ્યો છે. આ મહાનગરપાલિકા કે બિલ્ડરની લાપરવાહી નથી પણ જમીન ઉપર કબજો કરીને પચાવી પાડવાનું કૌભાંડ જ છે અને `વોઈસ ઓફ ડે’ તેનો પર્દાફાશ કરી રહ્યું છે. આ કિસ્સામાં કાલાવડ રોડ ઉપર રંગોલી પાર્ક સામેના રોડ ઉપર (મોટા મવા) ગ્રીનફિલ્ડ કોર્પોરેશન દ્વારા આકાર પામેલા ગ્રીનફિલ્ડ ગાર્ડનની સામે આવેલી મહાનગરપાલિકાની જાહેર બાગ બગીચા માટેની અનામત ૧૨૦૦૦ ચોરસ મીટર જમીન પચાવી પાડવામાં આવી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ જગ્યા પોતાની માલિકીની હોવા છતા મહાપાલિકા તદ્દન અજાણ છે.
આમ તો ૧૪/૧૦/૨૦૧૯માં રૂડાએ એક ઠરાવ દ્વારા આ જગ્યા લાડાણી એસોસિએટ્સને બગીચો બનાવવા માટે ત્રણ વર્ષ માટે આપી હતી પણ પછી બિલ્ડરે સોનાની લગડી જેવી આ જમીન ઉપર સિફતપૂર્વક કબજો જમાવી લીધો છે. આ જમીન બિલ્ડરે ઠરાવ અનુસાર ત્રણ વર્ષમાં બગીચો ડેવલપ કરીને મહાપાલિકાને સોંપી દેવાની હતી પરંતુ પાંચ -પાંચ વર્ષ થઇ ગયા હજુ આ જગ્યા પોતાના કબજામાં જ રાખી છે. બીજા શબ્દોમાં કહીએ તો આ જમીનને પોતાની બનાવી લીધી છે. આ બિલ્ડરે પોતાની સાઈટનાં બ્રોશરમાં પણ આ જગ્યા પોતાની હોય એવી રીતે જ ગણાવી છે અને તેના આધારે જ ફ્લેટનું વેંચાણ કરી રહ્યા છે. બ્રોશરમાં ઝીણા અક્ષરે લખવામાં આવ્યું છે કે, રૂડા ગાર્ડન, રોડ અને મેઈન્ટેનન્સ લાડાણી એસોસિએટ્સ કરી રહ્યું છે. પણ આ પ્રકારની ફૂદડીવાળી લાઈનથી ફ્લેટ ઓનર્સ પણ અજાણ છે અને તેઓ એમ જ માને છે કે આ ગાર્ડન ગ્રીનફિલ્ડ ગાર્ડનની એમીનીટીઝ જ છે. વોઈસ ઓફ ડેએ જયારે કેટલાક બિલ્ડરને આ જગ્યાના ભાવ બાબતે પૂછ્યું તો તેની કિમત એક અબજ, એંસી કરોડ રૂપિયા થાય છે. આ વિસ્તારની જમીનનો ભાવ ૯૦,૦૦૦ રૂપિયા પ્રતિ ચોરસ મીટર છે અને આ જગ્યા ૧૨,૦૦૦ ચોરસ મીટર છે. રાજકોટના નવા મહાપાલિકા કમિશનર દેવાંગ દેસાઈ ત્રિરાશી માંડીને હિસાબ કરશે તો ધ્યાનમાં આવશે કે આટલી મોટી જગ્યા કેવી રીતે અને કોણે સિફતથી પચાવી પાડી છે.
રાજકોટ એક એવું શહેર છે કે જો તમે ધ્યાન ન રાખો તો કોઈક આખા શહેરનો દસ્તાવેજ કરી નાંખે અને બધાની નજર સામે કબજો પણ કરી લ્યે… અને બેધ્યાન રહેનાર તંત્ર આંખે પાટા બાંધીને બેસી રહે..અત્યારે રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોનની દુર્ઘટના પછી મહાપાલિકાનું તંત્ર ફાયર એન.ઓ.સી અને બી.યુ.પી. ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીને બેઠુ છે પણ વોઈસ ઓફ ડે આ ધ્રુતરાષ્ટ્ર જેવા તંત્રને તેમની જ કરોડો કરોડો રૂપિયાની જમીન ઉપર કેવી રીતે કબજો કરવાનો પ્રયાસ થયો છે તેનો પર્દાફાશ કર્યો છે.
મહાપાલિકામાં કોની મિત્રતા કામ આવી
આ જગ્યા પહેલા રૂડા હસ્તક હતી પરંતુ મોટા મવા મહાપાલિકામાં ભળી ગયા પછી બધી જગ્યા મહાપાલિકા હસ્તક આવી હતી. આ પ્લોટ પણ રૂડાએ બગીચો બનાવવા માટે કાયદેસર રીતે બિલ્ડરને સોંપ્યો હતો અને બિલ્ડરે ત્રણ વર્ષમાં પાછો આપી દેવાની શરત હતી પણ આ શરત પાળવામાં આવી નથી. આ મામલામાં મહાપાલિકામાંથી કોણે બિલ્ડર સાથે મિત્રતા દાખવી છે તે બધાને ખબર છે અને આ મિત્રતા રાખનારને તેનો પુરેપુરો લાભ પણ અપાયો છે તે પણ બધા જાણે છે. મહાપાલિકાના કમિશનર દેવાંગ દેસાઈને આ બાબતની ખબર નથી કારણ કે તે રાજકોટ માટે નવા છે અને આવ્યા છે ત્યારથી અગ્નિકાંડ અને તેને લગતી એન.ઓ.સી. સહિતની બાબતોમાં વ્યસ્ત છે પરંતુ ખાઈબદેલા બીજા અધિકારીઓને આ બધી ખબર છે.