બિલ્ડરની ‘જાદૂગરી’: પ્લાન રહેણાકનો પાસ કરાવ્યો, બનાવ્યું કોમર્શિયલ !
વોઈસ ઓફ ડે'ના અહેવાલ બાદ એક પછી એક કારસ્તાન ખૂલી રહ્યા છે...
જો કોમર્શિયલ બાંધકામનો પ્લાન મુકે તો માર્જિન વધારે મુકવું પડે સાથે સાથે પાર્કિંગની જગ્યા પણ વધારે આપવી પડે
બિલ્ડિંગમાં યુ-માર્ટ મોલ પાર્કિંગની જગ્યામાં બનેલો હોવાની જોરશોરથી ચર્ચા
પ્લાનમાં હેતુફેર થઈ કઈ રીતે ગયો ? સો મણનો સવાલ
યુનિવર્સિટી રોડ ઉપર જલારામ-૨માં ડાયમંડ ઓનેક્સ એપાર્ટમેન્ટની સામે જ બનાવવામાં આવેલું બિલ્ડિંગ વિવાદના ઘેરામાં આવી જવા પામ્યું છે. આ બિલ્ડિંગમાં સ્પા બની રહ્યું હોવાની ફરિયાદ સાથે રહીસો દ્વારા વોઈસ ઓફ ડે' સમક્ષ હૈયાવરાળ ઠાલવ્યા બાદ કરવામાં આવેલી તપાસમાં એક નહીં બલ્કે અનેક કારસ્તાન ખુલી રહ્યા છે. લતાવાસીઓએ
વોઈસ ઓફ ડે’ સમક્ષ એવો આક્ષેપ પણ કર્યો હતો કે આ બિલ્ડિંગ બનાવનાર બિલ્ડરે રીતસરની જાદૂગરી' જ કરી છે ! બિલ્ડર દ્વારા જ્યારે આ બિલ્ડિંગનો મહાપાલિકામાં પ્લાન રજૂ કરવામાં આવ્યો ત્યારે તે રહેણાક મતલબ કે રેસિડેન્સીયલનો હતો.
જો કે રેસિડેન્સીયલ બનાવવાની જગ્યાએ તેણે બિલ્ડિંગ કોમર્શિયલ મતલબ કે ધંધાકીય બનાવ્યું છે ! આવું બિલ્ડરે શા માટે કર્યું ? તેનો જવાબ આપતાં રહીસોએ જણાવ્યું હતું કે જો બિલ્ડર દ્વારા પહેલાંથી જ કોમર્શિયલ બિલ્ડિંગનો પ્લાન મુકવામાં આવે તો તેણે માર્જિન મતલબ કે બિલ્ડિંગ આસપાસની જગ્યા વધારે છોડવી પડે જે તેને બિલકુલ મંજૂર ન હોય. આ ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગ બને એટલે જીડીસીઆર પ્રમાણે પાર્કિંગની જગ્યા પણ છોડવી પડે. આ બધી જગ્યા છોડવી ન પડે એટલે તેણે રેસિડેન્સીયલ પ્લાન મંજૂર કરાવીને કોમર્શિયલ બિલ્ડિંગ ખડકી દીધું અને હવે તેમાં સ્પા નામનો દૈત્ય ઘૂસાડવા માટે મથી રહ્યા છે !! લતાવાસીઓએ તો આક્ષેપ સાથે એમ પણ જણાવ્યું હતું કે બિલ્ડિંગના નીચેના ભાગે જે યુ-માર્ટ નામનો મોલ ચાલી રહ્યો છે તે પણ પાર્કિંગની જગ્યા જ ધમધમી રહ્યો છે આમ છતાં મહાપાલિકા દ્વારા ક્યારેય આ દિશામાં ધ્યાન આપવામાં આવ્યું નથી.
ઉપરોક્ત તમામ આક્ષેપ જલારામ-૨ વિસ્તારમાં રહેતાં રહીસો દ્વારા
વોઈસ ઓફ ડે’માં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ કરવામાં આવ્યા છે. આ આક્ષેપ સાચા છે કે ખોટા તે અંગેની `વોઈસ ઓફ ડે’ પુષ્ટિ કરતું નથી.
અત્રે સૌથી મોટો સવાલ એ પણ છે કે જો આક્ષેપ સાચા હોય તો પછી પ્લાનમાં હેતુફેર થઈ ગયો ત્યાં સુધી શા માટે મહાપાલિકાના ધ્યાન પર ન આવ્યું અને આ પ્રકારે હેતુફેર કરવા માટે બિલ્ડરને હિંમત આખરે પૂરી કોણે પાડી ? શું મહાપાલિકા દ્વારા પ્લાન પાસ કરાયા બાદ ખરેખર પ્લાન પ્રમાણે જ બાંધકામ થયું છે કે કેમ તેની તપાસ કરવામાં આવતી નહીં હોય ? જો આ પ્રમાણે જ ચાલ્યું તો અનેક બિલ્ડિંગ હેતુફેર થઈને ખડકાઈ જશે અને ભોગવવાનું પ્રજાએ જ આવશે.