યુનિ. રોડ પર જલારામ-૨માં બિલ્ડરની દાદાગીરી: ગેરકાયદે બિલ્ડિંગ ખડક્યું, હવે તેમાં ‘સ્પા’ ધમધમાવશે !!
મહાપાલિકાની આળસ'ને કારણે ભદ્ર સમાજની હાલત બેહાલત
રહેણાક વિસ્તારમાં આટલો મોટો હજીરો' ખડકી દીધો છતાં તંત્રના ‘ખાઉધરા’ અધિકારીઓ-પદાધિકારીઓના ધ્યાન પર ન આવ્યું, હવે ભદ્ર સમાજ માટે શરમજનક સ્થિતિમાં મુકાવું પડે તેવો સ્પાનો ‘બદનામ' ધંધો શરૂ થશે તો કેવી સ્થિતિ નિર્માણ પામશે ?
જો સ્પા શરૂ થશે તો બહેન-દીકરીઓ માટે બહાર નીકળવું દુષ્કર બની જશે
ડાયમંડ ઑનેક્સ’ બિલ્ડિંગના રહેવાસીઓએ વોઈસ ઓફ ડે' સમક્ષ ઠાલવી હૈયાવરાળ વોઈસ ઓફ ડે, રાજકોટ મહાપાલિકાના કહેવાતાકામઢા’ અધિકારીઓ ક્યારેય એ.સી.ચેમ્બર છોડીને ફિલ્ડમાં નીકળવાનું નામ લઈ રહ્યા ન હોવાને કારણે શહેરમાં ઠેકઠેકાણે ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે. શહેરનો એક પણ એવો વિસ્તાર નહીં હોય જ્યાં ગેરકાયદેસર બાંધકામનો હજીરો' ખડકાયો ન હોય...આશ્ચર્ય તો એ વાતનું છે કે હવે તો પોશ વિસ્તારોમાં પણ બેરોકટોક, દાદાગીરીપૂર્વક મસમોટા બિલ્ડિંગ ખડકાવા લાગ્યા છે જેના કારણે શહેરમાં મહાપાલિકા જેવું કોઈ તંત્ર છે કે નહીં તેવો પ્રશ્ન ઉપસ્થિત થયા વગર રહેતો નથી.
આવું જ એક ગેરકાયદે બાંધકામ યુનિવર્સિટી રોડ પર જલારામ-૨ વિસ્તારમાં થઈ રહ્યું છે. સિસ્ટર નિવેદીતા સ્કૂલના હોબી સેન્ટરની બરાબર નજીક આવેલી જગ્યામાં યુ-માર્ટના નામે ઓળખાતું કોમર્શિયલ બિલ્ડિંગ ઉભેલું છે. આ બિલ્ડિંગ એકદમ ગેરકાયદેસર જગ્યામાં ખડકાઈ ગયેલું હોવાનું ધ્યાન પર આવ્યું છે ત્યારે બિલ્ડિંગનું નિર્માણ કરનાર બિલ્ડર જાણે કે કોઈ મોટીતોપ’ હોય તે રીતે બિલ્ડિંગ તો નિયમ વિરુદ્ધ બનાવ્યું છે અને હવે તેમાં સ્પાનો ધંધો ધમધમાવાની તૈયારીમાં હોવાનું પ્રકાશિત થતાં રહેવાસીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.
આ બિલ્ડિંગ જ્યાં બનેલું છે તેની બરાબર સામે જ ડાયમંડ ઓનેક્સ એપાર્ટમેન્ટના રહીસોએ `વોઈસ ઓફ ડે’ સમક્ષ હૈયાવરાળ ઠાલવતાં જણાવ્યું હતું કે અમારો વિસ્તાર રહેણાંક વિસ્તાર છે અને આ વિસ્તારમાં રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો રહે છે. અમને એવી માહિતી મળી છે કે આ બિલ્ડિંગમાં હાલમાં સ્પાનું બાંધકામ થઈ રહ્યું છે. સૌને ખબર છે કે રાજકોટમાં ગેરકાયદેસર રીતે ચાલતા સ્પામાં સમાજને લાંછન લગાડે તેવી પ્રવૃત્તિ થાય છે. અમે આ વિશે રૂબરૂ પૂછવા ગયા તો તેના સંચાલક તરફથી એવો ઉડાઉ જવાબ મળ્યો હતો કે રાજકોટમાં મારા આવા ૫૦ ગેરકાયદેસર બાંધકામ ઉભેલા છે, તમે મારું કાંઈ બગાડી શકશો નહીં !!
અમારે કોઈનું કાંઈ બગાડવું નથી પરંતુ આ વિસ્તારને બગડતો અટકાવવો છે. આ બિલ્ડિંગમાં ગેરકાયદેસર રીતે ડોમ નાખેલા છે અને ભૂતકાળમાં આ પ્રકારના ડોમને લીધે જ ટીઆરપી જેવી ઘટના બની હતી જે રાજકોટ નહીં બલ્કે આખું ગુજરાત જાણે છે. સરકાર દ્વારા પણ આવા ડોમને નેસ્તોનાબૂદ કરી નાખવા માટે આદેશ અપાયા છે પરંતુ એ આદેશનું સૂરસૂરીયું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે જો આ આદેશનું પાલન કરવામાં આવ્યું હોત તો અત્યારે આ બિલ્ડિંગ ગેરકાયદેસર રીતે ઉભેલું જ ન હોત !
અમારી સૌ લતાવાસીઓની લાગણી અને માંગણી છે કે આ બિલ્ડિંગમાં કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ થાય એ પહેલાં જ અટકાવો. તંત્રના નાક નીચે જો બિન્દાસ્ત અહીં આ પ્રવૃત્તિ ચાલું થઈ જશે તો આ વિસ્તારમાં અમારું રહેવું મુશ્કેલભર્યું બની જશે. આવી પ્રવૃત્તિની અસર અહીં વસતા તમામ લોકોમાં થશે.
મારા રાજકોટમાં આવા ૫૦ ગેરકાયદે બાંધકામ ઉભા છે, કોઈ કાંઈ બગાડી લેવાનું નથી
જ્યારે લતાવાસીઓએ આ બિલ્ડિંગના માલિક કાંતિ લાડાણીને આ વિશે ફરિયાદ કરી તો તે લાજવાના બદલે ગાજ્યા હતા અને તાડુકીને એમ કહ્યું હતું કે રાજકોટમાં મારા આવા ૫૦ ગેરકાયદેસર બાંધકામ ઉભા છે તેમાંથી એક બાંધકામની કાંકરી પણ કોઈ ખેરવી શકે તેમ નથી. તેના આ શબ્દો પરથી સ્પષ્ટ થઈ જાય છે કે બિલ્ડરને મહાપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓનું બરાબરનું પીઠબળ છે અને તેના જોરે જ તે એક બાદ એક ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે અને હદ તો ત્યાં છે કે ગેરકાયદેસર બાંધકામમાં સ્પા નામના દૈત્યને પણ ઘૂસાડી રહ્યા છે !!
ડાયમંડ ઓનેક્સ એપાર્ટમેન્ટમાં જ સાતથી વધુ દીકરીઓ પરિવાર સાથે રહે છે
`વોઈસ ઓફ ડે’ સમક્ષ ડાયમંડ ઓનેક્સ એપાર્ટમેન્ટના રહીસોએ જણાવ્યું હતું કે આ એપાર્ટમેન્ટમાં કુલ પાંચ ફ્લેટ આવેલા છે. અમે એટલા માટે વિરોધ કરી રહ્યા છે કે ગેરકાયદેસર બિલ્ડિંગ અને ત્યાં બની રહેલું સ્પા બરાબર અમારી સામે જ આવેલું છે. અમે સૌ પરિવાર સાથે અહીં છેલ્લા ચાર વર્ષથી રહીએ છીએ અને પરિવારમાં સાતથી વધુ દીકરીઓ પણ રહે છે ત્યારે જો સ્પા બનશે તો એ દીકરીઓનું આવવું-જવું મુશ્કેલ બની જશે.
ગેલરીમાં ઉભા રહો એટલે સીધું સ્પા જ દેખાય !
રહેવાસીઓએ તો ત્યાં સુધી કહ્યું હતું કે અમારા ફ્લેટની ગેલેરીમાં ઉભા રહો એટલે સીધું સ્પા જ દેખાઈ રહ્યું છે. અત્યારે અમે ગેલેરીમાં ઉભા રહીએ એટલે એ હદે દુ:ખ થઈ રહ્યું છે કે સ્પા શરૂ થયા બાદ અમારી સ્થિતિ શું થશે ? શું મહાપાલિકાના એક પણ અધિકારી કે પદાધિકારી આ ગેરકાયદેસર બિલ્ડિંગ કે તેમાં બનનારા સ્પાને અટકાવી શકવાની ત્રેવડ ધરાવતાં નથી ?
ગેરકાયદે બિલ્ડિંગથી ૨૫ પગલાં ચાલો એટલે સિસ્ટર નિવેદીતા હોબી સેન્ટર…
ડાયમંડ ઓનેક્સ એપાર્ટમેન્ટના ફ્લેટધારકોએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર બિલ્ડિંગ કે જ્યાં સ્પાનું નિર્માણ થઈ રહ્યું છે તેનાથી ૨૫ પગલાં ચાલો એટલે સિસ્ટર નિવેદીતા સ્કૂલ સંચાલિત હોબી સેન્ટર આવી જાય છે જ્યાં નાના બાળકો વાલીઓ સાથે નિયમિત અવર-જવર કરતા હોય છે. હવે જો અહીં સ્પા બને એટલે તેમાં કેવા પ્રકારની કુપ્રવૃત્તિ ચાલતી હોય છે તે કહેવાની જરૂરિયાત લાગી રહી નથી.
બાંધકામ સમિતિ ચેરમેન સુરેજા, કોર્પોરેટર વાઘેલા, ડોડિયા, ટીલાળાનો પન્નો ટૂંકો પડે છે ?
જ્યાં આ ગેરકાયદેસર બાંધકામ જઈ રહ્યું છે તે જલારામ-૨ વિસ્તાર વોર્ડ નં.૧૦માં સમાવિષ્ટ છે. આશ્ચર્યની વાત એ છે કે આ જ વોર્ડમાં મહાપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન કે જેમની ગેરકાયદેસર બાંધકામ ઉપર તવાઈ ઉતારવાની જવાબદારી છે તે ચેતન સુરેજા રહે છે આમ છતાં તેઓ આ બિલ્ડિંગની કાંકરી પણ ખેરવી શક્યા નથી ! આ ઉપરાંત અહીં કોર્પારેટર તરીકે નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા (નીરૂભા), જ્યોત્સનાબેન ટીલાળા અને ડૉ.રાજેશ્રીબેન ડોડિયા પણ ચૂંટાયા છે આમ છતાં તેમના ધ્યાન પર આ પ્રકારનું બાંધકામ કેમ નહીં આવ્યું હોય ? શું આ તમામનો પન્નો બિલ્ડર પાસે ટૂંકો પડતો હશે કે પછી બીજું કોઈ કારણ હશે ?
