જમીન ફાળવણીમાં બિલ્ડર સાચા-યુનિવર્સિટી ખોટી: મ્યુ.કમિશનર
બધું નિયમ પ્રમાણે જ થયું હોવાનું મનપાની તપાસમાં ખુલ્યું: યુનિ. પાસે હજુ કોઈ પૂરાવા હોય તો મનપાને આપે, તેના આધારે તપાસ થશે
મનપા પાસે તમામ પ્રકારના રેકોર્ડ ઉપલબ્ધ: યુનિવર્સિટીની દિવાલ પહેલાં જ બાંધકામ થયાનો પત્ર પણ લખાયો
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ સહિત આખા ગુજરાતમાં સાગઠિયાકાંડ' ગુંજી રહ્યો છે. મનપાના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ યુનિવર્સિટીને મળેલી જમીન કે જેની કિંમત કરોડો રૂપિયા થવા જાય છે તે બિલ્ડરને આપી દીધાનો ખુલાસો થતાં જ ખળભળાટ મચી જવા પામ્યો હતો.
બીજી બાજુ અત્યાર સુધી ક્યારેય જેટલી ઝડપે ન થઈ હોય તેટલી ઝડપે તપાસ કરીને મહાપાલિકા દ્વારા આ મામલે બિલ્ડર સાચા હોવાનું અને જમીન પોતાની હોવાનો દાવો કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખોટી હોવાનું જાહેર કરી દેવામાં આવ્યું છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈએ
વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મહાપાલિકા પાસે આ જમીન ફાળવણીનો જે રેકોર્ડ ઉપલબ્ધ છે તેના પ્રમાણે પ્લોટ ફાળવણીની સઘળી પ્રક્રિયા નિયમ પ્રમાણે જ કરવામાં આવી છે. મહાપાલિકા પાસે ડીઆઈએલઆર કચેરી દ્વારા માપણી તેમજ મનપા દ્વારા કબજા રોજકામ કર્યાનો રેકોર્ડ ઉપલબ્ધ છે. આ તમામ જાણકારી ગત શુક્રવારે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પત્ર લખીને કરી દેવામાં આવી હતી.
સાથે સાથે મ્યુ.કમિશનરે એમ પણ જણાવ્યું કે જો યુનિવર્સિટી પાસે ઉપરોક્ત ૧૪૫૭ ચોરસમીટર જમીન તેમના કબજામાંથી લઈને મનપાએ બિલ્ડરને આપી દીધાના વધુ કોઈ પૂરાવા હોય તો તે આપવા જોઈએ જેથી તેના આધારે પણ તપાસ કરવા માટે અમારી તૈયારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં રૈયા ટીપી સ્કીમ નં.૧૬માં કપાતમાં જતી જમીનના બદલામાં જમીન માલિકને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હસ્તકની સોનાની લગડી જેવી ગણાતી ૧૫૪૭ ચો.મી. જગ્યા ફાળવી દેવાતાં વિવાદ શરૂ થયો હતો. આ જગ્યા સૌરાષ્ટ્ર યુનિ.ને મુંજકાના રે.સ.નં.૪૯ તેમજ રૈયાના રે.સ.નં.૩૧૮ પૈકીની ૪૦૯ એકર જમીન છે.