કોટેચા ચોકમાં દંડ ભરવા બાબતે પોલીસ-પ્રજા બન્ને ભાન’ ભૂલ્યા !
જેને
ટ્રાફિક ટેરર’ ચોક તરીકે ઓળખવામાં આવે છે તે કોટેચા ચોક સર્કલ પાસે વાહનોના થપ્પા લાગેલા જોવા ન મળે તો જ નવાઈ પામવા જેવું રહે છે. અહીં ટ્રાફિકજામ થવા પાછળ જેટલો વાંક પ્રજાનો છે એટલો જ અને કદાચ તેના કરતા પણ વધુ વાંક પોલીસનો પણ ગણી શકાય કેમ કે અહીં ટ્રાફિક ક્લિયર કરાવવા કરતા પોલીસ આરામ' ફરમાવામાં વધુ વ્યસ્ત જોવા મળતી હોય છે ! આ બધાની વચ્ચે રવિવારે બપોરના અરસામાં કોટેચા ચોકમાં નો-પાર્કિંગ ઝોનમાં કાર પાર્ક કર્યા બાદ દંડની વસૂલાત બાબતે પોલીસ અને કારમાલિક યુવતી તેમજ તેની સાથે રહેલા બે યુવકોએ મારપીટ કરી હતી. જો કે આ ઘટનામાં પોલીસ અને પ્રજા બન્ને
ભાન’ ભૂલ્યા હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે.
પોલીસ દ્વારા યુવતી સાથે જે પ્રકારે વર્તન કરવામાં આવ્યું તે વ્યાજબી ન્હોતું તો સામી બાજુ યુવતી અને તેની સાથે રહેલા બે યુવકો દ્વારા એક મહિનાની અંદર પોલીસમેનને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી તે બિલકુલ વ્યાજબી ન્હોતી. વળી, એવી ફરિયાદો પણ ઉઠી હતી કે જે પોલીસ જવાન સાથે માથાકૂટ થઈ તેના દ્વારા ચાલકોને કારણ વગર રંજાડવામાં આવી રહ્યા છે. જો કે કંઈ પણ હોય પરંતુ પોલીસ ઉપર હાથ ઉપાડવો તે પણ કાયદાની વિરુદ્ધનું જ કામ છે. આ મામલામાં કોઈએ ફરિયાદ નોંધાવી ન્હોતી પરંતુ વીડિયો સોશ્યલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો હતો.