બોમ્બે સ્ટાઈલ સૂકી ભેળ: ભાવ પાંચ ગણો વધ્યો, ચટાકો ન ઘટ્યો !!
ચાલતાં ચાલતાં ખાઈ શકાય તેવી વાનગીનું છે રાજકોટ દિવાનું…
૨૫ વર્ષ પહેલાં રઘુ કાલાવડ 'રોડવાલા' (રાજસ્થાની)એ સૂકી ભેળનો ટેસ્ટ રાજકોટીયન્સને કરાવ્યો
ખાવામાં હળવી, પચવામાં નરવી'ને બનાવામાં ઝાઝી ઝંઝટ ન હોવાથી બનાવનાર અને ખાનાર બન્નેને ફિલ થાય છે
કમ્ફર્ટ’ સૂકી ભેળ ઉપરાંત ભીની અને પંજાબી ભેળનો ઉપાડ' પણ એટલો જ...
વાંચકોને જેનો સૌથી વધુ આતૂરતાથી ઈન્તેજાર રહે છે તે
વોઈસ ઓફ ડે’ની ફૂડ એક્સપ્રેસ'માં આ વખતના અંકમાં આમ તો મુળ મુંબઈની પરંતુ છેલ્લા ૨૫ વર્ષથી રાજકોટની
પોતીકી’ બની ગયેલી સૂકી ભેળનો આસ્વાદ પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
શરૂઆતમાં જ્યારે સૂકી ભેળનું નામ સાંભળવા મળતું એટલે લોકોને કુતૂહલ થતું કે ભેળ તો ઘણી બધી ખાધી પરંતુ આ તે વળી કઈ વાળીના મૂળા જેવી છે જેનું નામ સૂકી ભેળ છે…! મતલબ કે પ્રારંભે તો લોકોને સૂકી ભેળનું નામ કે તે વાનગી ગળે બહુ મુશ્કેલીથી ઉતરતી હતી. જો કે જેમ જેમ સૂકી ભેળની ખુશ્બુ અને તેની વાત ફેલાતી ગઈ તેમ તેમ લોકો તેના તરફ વળવા લાગ્યા હતા. આજે સૂકી ભેળનો ભાવ પાંચ ગણો વધી ગયો છે પરંતુ તેનો ચટાકો દિવસેને દિવસે આગળ વધી રહ્યો છે !
સૂકી ભેળ એક એવી વાનગી છે જે ફટાફટ તૈયાર થઈ જતી હોવાથી ખાસ કરીને મુંબઈના લોકો કે જેમનું મહત્તમ જીવન આ છેડેથી પેલા છેડે પહોંચવામાં જ પસાર થતું હોય એટલા માટે ઉભા રહીને ખાવાની જગ્યાએ ચાલતાં ચાલતાં ખાઈ શકાય તેવી વાનગી તરીકે તેમણે સૂકી ભેળ ઉપર પસંદગી ઉતારી હતી. જો કે રાજકોટના લોકો જ્યારે જ્યારે મુંબઈ જાય ત્યારે સૂકી ભેળનો સ્વાદ માણવાનું ચૂકતા જ ન્હોતા સાથે સાથે એવો વસવસો પણ વ્યક્ત કરતા હતા કે કાશ ! આ વાનગી આપણે ત્યાં પણ મળતી હોત. બસ, આ વાત જાણે કે મુળ રાજસ્થાની અને હાલ રાજકોટમાં રઘુ કાલાવડ રોડવાલાએ સાંભળી લીધી હોય તેમ ૧૯૯૯માં સૂકી ભેળનો ચટાકો આપવા રાજકોટ આવી પહોંચ્યા હતા.
તેમણે જ્યારે એક ઠેલો મતલબ કે લારીમાં સૂકી ભેળ વેચવાનું શરૂ કર્યું ત્યારે તેનો ભાવ ૧૦ રૂપિયા હતો. જો કે આજે ૨૫ વર્ષ બાદ સૂકી ભેળનો ભાવ અધધ ૫૦ રૂપિયે પહોંચી ગયો છે છતાં તેનો સ્વાદ માણવાની લાલચમાં બિલકુલ ઘટાડો આવ્યો નથી અને કદાચ ભવિષ્યમાં આવશે પણ નહીં…સૂકી ભેળની ખાસ વાત એ છે કે તે ખાવામાં હળવી, પચવામાં નરવી અને બનાવામાં ઝાઝી ઝંઝટ ન હોવાથી લોકો તેને ખાવાનો આગ્રહ વધુ રાખે છે સાથે સાથે ખાનારનું પેટ પણ ઘણેખરે અંશે ભરાઈ જાય છે.
સૂકી ભેળ જ કેમ, રઘુભાઈ કાલાવડ રોડવાલાને ત્યાં પંજાબી ભેળ અને ભીની ભેળ પણ એટલી જ સરસ બનતી હોવાથી તેને ખાવા પણ લોકો પડાપડી કરતા જોવા મળે છે. રઘુભાઈનું કહેવું છે કે લોકો અત્યારે ઘરમાં પણ સૂકી ભેળ અને સેવ પૂરી બનાવે છે કેમ કે તે નાના બાળકથી લઈ મોટેરા સુધીના સૌ કોઈને પસંદ છે પરંતુ બધાના હાથની બનાવટ અલગ હોવાથી લોકો તેમને ત્યાં આવીને જ આ બન્ને વાનગી ખાવા માટે હંમેશા તલપાપડ રહેતા હોય છે.
સૂકી ભેળમાં શું વપરાય છે ?
સફેદ મમરા, સેવ, ડુંગળી, ટમેટા, કોથમરી અને થોડો અમથો બટેટાનો છૂંદો’ને સૂકી ભેળ થઈ જાય છે તૈયાર એ પણ પાંચેક મિનિટમાં જ…!
સૂકી ભેળની સાથે જ આટલી વાનગી ઉપલબ્ધ
- ભીની ભેળ
- પંજાબી ભેળ
- પાપડી પૂરી
- સેવપૂરી
- દહીં પૂરી
- બાસ્કેટ પૂરી
- મસાલા પૂરી
- પાણી પૂરી
સૂકી ભેળ-સેવ પૂરીની રોજ ૨૦૦ પ્લેટ એક જ સ્થળેથી ખવાય છે…
રઘુભાઈએ `વોઈસ ઓફ ડે’ને જણાવ્યું કે તેમને ત્યાં દરરોજ સૂકી ભેળ અને સેવ પૂરીની દરરોજ ૨૦૦થી વધુ પ્લેટ ખવાઈ જાય છે. સેવપૂરીમાં પાપડી પૂરી, બટેટાનો છૂંદો, ટમેટા, ડુંગળી, સેવ અને ચટણીનું મિશ્રણ કરવામાં આવે છે જે પણ ઝડપથી બની જતી હોવાથી લોકો તેનો આગ્રહ પણ એટલો જ રાખે છે.
નવરાત્રિ-લગ્નગાળામાં તો વાત કરવાનો ટાઈમ ન હોય…!
અત્યારે લગભગ લગ્ન સહિતના દરેક પ્રસંગ તેમજ નવરાત્રિમાં ખાણીપીણીની એક એકથી ચડિયાતી વસ્તુઓ ખવાતી હોય છે ત્યારે આ બન્ને પ્રસંગે સૂકી ભેળ અને સેવ પૂરી વગર લોકોને અધૂરું અધૂરું લાગતું હોય ત્યારે આ વાનગીઓનું વેચાણ વધી જતું હોવાથી ત્યારે વાત કરવાનો પણ સમય હોતો નથી.
૨૫ વર્ષ પહેલાં સૂકી ભેળ વેચાવાનું શરૂ થયું’ને આજે ૬૦૦ જેટલા નાના-મોટા ધંધાર્થી
રઘુભાઈ કાલાવડ રોડવાલાનો દાવો છે કે રાજકોટને સૂકી ભેળ અને સેવ પૂરી કે જે બોમ્બે સ્ટાઈલમાં તૈયાર કરીને સૌથી પહેલો ટેસ્ટ તેમણે કરાવ્યો છે. તેઓ ૧૯૯૯માં રાજકોટ આવ્યા હતા અને ધંધો શરૂ કર્યો હતો. જો કે જેમ જેમ વાનગી હિટ થતી ગઈ તેમ તેમ તેને વેચનારા પણ વધતા ગયા અને આજે શહેરના અલગ-અલગ વિસ્તારમાં ૬૦૦ જેટલા નાના-મોટા ધંધાર્થી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે.