ગાંધી મ્યુઝિયમ નજીકની એક ચેમ્બરમાં બોગસ દસ્તાવેજના ખેલ ખેલાયા
રાજકોટમાં નાની માછલીઓ પકડાઈ જવા છતાં મગરમચ્છ હજુ મોટા શિકારની વેતરણમાં
રાજકોટ શહેરમાં વિદેશમાં રહેતા કે પરલોક સીધાવનાર જમીન માલિકોની કિંમતી જમીન હડપ કરવાના ખેલમાં રાજકોટ સબ રજિસ્ટ્રાર દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓ ઝડપાઇ ગયા છે, જો કે પોલીસના હાથે પકડાયેલ આ તમામ શખ્સ કોન્ટ્રાકટ બેઇઝ કામ કરતા લોકો છે. જેમાં હજુ સુધી મગરમચ્છ જેવા અસલી જમીન કૌભાંડી તત્વો પોલીસ પકડથી દૂર છે ત્યારે બોગસ દસ્તાવેજ કાંડમાં રાજકોટ શહેરના ગાંધી મ્યુઝિયમ નજીક આવેલ એક બિલ્ડિંગમાંથી બોગસ દસ્તાવેજના ખેલ ચાલતા હોવાનું સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.

રાજકોટ શહેરમાં આવેલ અલગ -અલગ વિસ્તારની કિંમતી જમીન બોગસ દસ્તાવેજના આધારે હડપ કરી જવાના કેસમાં સબ રજીસ્ટર ઝોન-1 કચેરીના સબ રજિસ્ટ્રાર અતુલભાઈ મધુભાઈ દેસાઈએ પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ ચકચારી પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં નકલી દસ્તાવેજ બનાવનાર ઓપરેટર હર્ષ સાહલીયા ઉર્ફે હર્ષ સોની, સબ રજિસ્ટ્રાર કચેરીના સુપરવાઈઝર જયદીપ ઝાલાની ધરપકડ બાદ હાથ ધરેલી પૂછપરછમાં આરોપી મનીષ રમણીકભાઇ હેરમનું નામ ખુલતા તેની પણ ધરપકડ કરી છે. જો કે, હજુ આરોપી વકીલ કિશન ચાવડા પોલીસ પકડથી દૂર છે.
બીજી તરફ રાજકોટ શહેરની અનેક કિંમતી જમીનોના 17 જેટલા દસ્તાવેજ બનાવી રેવન્યુ રેકર્ડમાં નોંધ પડાવી લેનાર આ ટોળકી પાછળ મોટા માથાઓનું પીઠબળ હોવાનું તેમજ રાજકોટ શહેરના ગાંધી મ્યુઝિયમ નજીક આવેલ એક મોટામાથાની ઓફિસ ખાતેથી જ કિંમતી જમીનોના નકલી દસ્તાવેજ બનાવવા અંગેની ટિપ્સ આ કૌભાંડીઓને મળતી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે, ખાસ કરીને આટઆટલા કૌભાંડો પ્રકાશમાં આવવા છતાં પણ નહીં અટકેલી આ ટોળકી દ્વારા હજુ પણ રૈયા વિસ્તારની અનેક કિંમતી જમીન હડપ કરવા પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જાણકાર વર્તુળો જણાવી રહયા છે.
સબ રજિસ્ટ્રારે બે મહિના સુધી મામલો દબાવી રાખ્યો
રાજકોટમાં પારકી જમીનના બોગસ દસ્તાવેજો બનાવી લઇ 52 વર્ષ બાદ રેવન્યુ રેકર્ડમાં નોંધ પડાવવાના આ ખેલમાં સબ રજિસ્ટ્રાર કચેરીની પણ ભૂંડી ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. રૈયા સર્વે નંબર સર્વે નં.277/1 પ્લોટના નં.42ની 400 વાર કરોડોની કિંમતી જમીનની રેવન્યુ રેકર્ડમાં નોંધ પડાવવા માટે ગયેલ કૌભાંડી ટોળકીએ તલાટી સમક્ષ ખરીનકલ રજૂ કરી હતી અને આ બાદ ખરીનકલની ક્રોસ તપાસમાં દસ્તાવેજમાં છેડછાડ થયાનું સામે આવ્યા બાદ ઝોન-1 સબ રજિસ્ટ્રાર દ્વારા બે મહિના સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જો બે મહિના પહેલા જ પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરવામાં આવી હોત તો કૌભાંડી તત્વો વહેલા પકડી શકાયા હોત. મહત્વની બાબત એ છે કે, રૈયા તલાટી સમક્ષ નોંધ પડાવવા આવેલ વ્યક્તિઓની ઓળખ મેળવી ને પણ કૌભાંડના મૂળ સુધી પહોંચી શકાય તેમ હોવા છતાં આ દિશામાં પણ પોલીસ તપાસ ન થઇ હોવાનું સામે આવ્યું છે.