રાજકોટના મેયર-ડે.મેયર-સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ફ્રેશ’ ચહેરો પસંદ કરશે ભાજપ
મેયર તરીકે આ વખતે જનરલ કેટેગરીના કોર્પોરેટરની પસંદગી થનાર હોવાથી ડૉ.દર્શનાબેન પંડ્યા, પ્રિતીબેન દોશી, જ્યોત્સનાબેન ટીલાળા અને નયનાબેન પેઢડીયાનું નામ સૌથી મોખરે પેટાઃ મેયરની જવાબદારી પાટીદારને મળશે તો પછી રઘુવંશી, બાહ્મણ અથવા તો જનરલ કેટેગરીમાંથી આવતાં નગરસેવક ઉપર પસંદગીનો કળશ ઢોળાશેઃ આ પદ માટે જયમીન ઠાકર, મનિષ રાડિયા, દેવાંગ માંકડ અને નેહલ શુક્લ રેસમાં આગળ પેટાઃ ડે.મેયરની પસંદગી માટે કોકડું ગુંચવાઈ જવાના ભણકારાઃ પ્રદેશ પ્રમુખ પાટીલની
નો-રિપિટ થિયરી’ની જાહેરાત બાદ અનેકની મનની મનમાં રહી જશે !
રાજકોટ મહાપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક નેતા અને દંડક એમ પાંચેય મહત્ત્વના હોદ્દેદારોની ટર્મ 11 સપ્ટેમ્બ્ારને સોમવારે પૂર્ણ થઈ રહી છે. આમ તો ઘણા સમયથી આ પાંચેય હોદ્દા પર કોણ બેસશે તેને લઈને અલગ-અલગ નામો ચર્ચામાં આવતા રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા નો-રિપિટ' થીયરી મતલબ કે અગાઉ પદ મેળવી ચૂક્યા હોય તેવા નગરસેવકોને ફરી જવાબદારી નહીં સોંપવા ઉપરાંત જે હોદ્દા માટે જનરલ કેટેગરીના નગરસેવકની પસંદગી કરવાની હોય તેમને પદ આપવાની જાહેરાત કરતા જ રાજકોટ મહાપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે એકદમ
ફ્રેશ’ ચહેરો આવવાની શક્યતા પ્રબળ બની ગઈ છે.
આ વખતે મેયર પદ જનરલ કેટેગરીમાંથી આવતાં નગરસેવકને આપવા ઉપરાંત મહિલા માટે અનામત હોવાથી ડૉ.દર્શનાબેન પંડ્યા, નયનાબેન પેઢડીયા, પ્રિતીબેન દોશી અને સીનિયર કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળામાંથી કોઈ એકની પસંદગી થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. રાજકીય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે મેયર તરીકે પાટીદાર નગરસેવકની પસંદગી કરવામાં આવશે તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે અન્ય જ્ઞાતિ જેવી કે રઘુવંશી, બાહ્મણ જ્ઞાતિમાંથી આવતાં નગરસેવકને જવાબદારી આપવામાં આવશે. આ રીતે જોવા જઈએ તો જયમીન ઠાકર, મનિષ રાડિયા, દેવાંગ માંકડ અથવા તો નેહલ શુક્લમાંથી કોઈ એકને જવાબદારી સોંપવામાં આવી શકે છે.
જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કોને બેસાડવા તેને લઈને ગડમથલ થવાની શક્યતા પણ રહેલી છે. જો કે આ પદ ઉપર સીનિયર નગરસેવકને બેસાડી સાચવી' લેવાની ફોર્મ્યુલા પણ અપનાવાઈ શકે છે. આ સાથે જ સી.આર.પાટીલ દ્વારા
નો-રિપિટ’ થિયરીની જાહેરાત કરવા ઉપરાંત અગાઉ પદ મેળવી ચૂકેલા નગરસેવકોને ફરીથી જવાબદારી નહીં સોંપવાનું નિવેદન અપાતાં જ અનેક નગરસેવકોની મનની મનમાં રહી જશે તેમ પણ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ ન હોઈ શકે…
શું રાજકોટમાં સરપ્રાઈઝ મળશે ?
સામાન્ય રીતે જે નામો ચર્ચામાં હોય તેની પસંદગી કરવાની જગ્યાએ અન્ય નામ ઉપર જ પસંદગીનો કળશ ઢોળવાની પેટર્ન આમ તો ભાજપ દ્વારા ઘણા લાંબા સમયથી અપનાવાઈ રહી છે. ત્યારે શું રાજકોટમાં પણ આવી જ કોઈ સરપ્રાઈઝ મળશે કે કેમ તેને લઈને પણ ચર્ચાઓનું બજાર ગરમ થઈ ચૂક્યું છે. જાણકારો જણાવી રહ્યા છે કે પાંચેય હોદ્દા માટે જે નામો ચાલી રહ્યા છે તે તમામની જગ્યાએ કોઈએ વિચાર્યા ન હોય તેવા નામ પસંદ કરીને ભાજપ ફરીવાર સૌને ચોંકાવી શકે છે.