ગુજરાતમાં ભાજપ ક્લિનસ્વિપ’ની હેટ્રિક ફટકારશે: સી.આર.પાટીલ
દરેક ઉમેદવારને માત્ર જીતાડવા જ નહીં બલ્કે પાંચ-પાંચ લાખની લીડથી જીત મળે તે માટે કાર્યકરો પૂરી તાકાત લગાવી દેશે: લોકસભા ચૂંટણીમાં મહિલાઓ-યુવકોને અપાશે પ્રાધાન્ય: પ્રદેશ પ્રમુખ પાટીલ રાજકોટની મુલાકાતે: ધારાસભ્ય કાનગડના કાર્યાલયની મુલાકાત લીધી, પેઈઝપ્રમુખ સાથે કરી ચાય પે ચર્ચા
આવતાં વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. હંમેશા ચૂંટણી માટે તૈયાર રહેતા ભાજપે અલગ-અલગ શહેર-જિલ્લાની મુલાકાતોનો ધમધમાટ શરૂ કર્યો છે. દરમિયાન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજકોટની મુલાકાત દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ વખતની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની અંદર ભાજપ હરિફોના સુપડા સાફ કરવાની હેટ્રિક ફટકારશે મતલબ કે ૨૦૧૪, ૨૦૧૯ બાદ ૨૦૨૪માં પણ ભાજપ લોકસભાની તમામ બેઠકો પોતાના નામે કરશે.
સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ૧૫૪ બેઠકો ભાજપને આપી છે ત્યારે તેવો જ અને તેના કરતા પણ વધુ ઉજળો દેખાવ લોકસભાની ચૂંટણીમાં કરીને ૨૬ બેઠકો જીતવાનો લક્ષ્યાંક છે. ભાજપના ઉમેદવારોને માત્ર જીતાડવા માટે જ નહીં બલ્કે પાંચ-પાંચ લાખ મતોની લીડથી જીત મળે તે પ્રકારે કાર્યકરો અત્યારથી જ મહેનત કરી રહ્યા છે જેને સફળતા મળશે જ તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ચૂંટણીમાં ભાજપ મહિલાઓ અને યુવાનોને ટિકિટ માટે પ્રાધાન્ય આપશે તેવો દાવો પણ પાટીલ દ્વારા કરવામાં આવ્યો હતો.
રાજકોટની મુલાકાત દરમિયાન પાટીલે રાજકોટ-૬૮ના ધારાસભ્ય ઉદય કાનગડના કાર્યાલયની મુલાકાત લીધી હતી જ્યાં તેમને રોજેરોજ યોજાતી વિવિધ જનસેવા કામગીરી તેમજ સેવા કેમ્પની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે વિધાનસભા-૬૮ના વૉર્ડ નં.૪ના બુથના પેઈઝપ્રમુખ ભવાનભાઈ સુરાણીના ઘેર
ચાય પે ચર્ચા’ પણ કરી હતી.