ભાજપ અગ્રણીના પુત્રનો 10 વર્ષની બાળા સાથે દુષ્કર્મનો પ્રયાસ
છ દિવસ પૂર્વેના બનાવમાં પોલીસ સીસીટીવીના આઘારે તપાસ કરી નરાધમનો ઓળખી કાઢ્યો
રાજકોટના ગોંડલ રોડ ઉપર કાન્તાસ્ત્રી વિકાસ ગૃહ પાસે એક 10 વર્ષની બાળા સાથે થયેલા દુષ્કર્મના પ્રયાસમાં ભક્તિનગર પોલીસે તપાસ કરતાં આ ઘટનામાં ભાજપના નેતાના 44 વર્ષીય પુત્રની સંડોવણી ખૂલતા પોલીસે શહેર ભાજપના નેતાના પુત્રની ધરપકડ કરી છે.
ગોંડલ રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં રહેતા એક પરિવારની 10 વર્ષની પુત્રી ગઈ તા 31/8 ના રોજ સવારના આઠેક વાગ્યે ઘર નજીક આવેલા મંદિરે દર્શન કરવા ગઈ હતી ત્યારબાદ બાળકી ચાલીને ઘરે આવતી હતી ત્યારે બાળકી એકલી જોઈ એક શખ્સ તેની પાસે આવ્યો અને બાળકીની નજીક પહોંચી તને કાંઈક આપું તેમ કહી બાઈક પાર્ક કરી દીધું હતું. બાળકીને કોમ્પ્લેક્સમાં નીચે પાર્કિંગમાં લઈ ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.બાળકીએ દેકારો કરતા બાળકીને ગાલ પર ફડાકા ઝીંકી વાળ ખેંચી પછાડી દઈ દુષ્કર્મનો પ્રયાસ કરી ભાગી ગયો હતો. આ ઘટનાથી બાળકી હેતબાઈ ગઈ હતી ત્યાંથી ભાગી ઘરે આવી હતી અને તેણે સમગ્ર ઘટના અંગે પરિવારને આપવીતી જણાવી હતી. બાળકીને લઈ પરિવાર ભક્તિનગર પોલીસમથકે પહોંચ્યો હતો. ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયા,રાઇટર નિલેશભાઈ મકવાણાઅને સ્ટાફે બાળકી પાસેથી સમગ્ર માહિતી મેળવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં આ કૃત્ય કરનાર શખ્સ ઓળખાઈ ગયો હતો. શહેર ભાજપના નેતા અને સાંસ્કૃતિક સેલના વિજય કારીયાનો પુત્ર હોવાનું ખૂલતાં પોલીસે ભક્તિનગર સર્કલ પાસે વાણીયા વાડી શેરી.02માં અમૃત નામના મકાનમાં રહેતા ભાવિન વિજયભાઈ કારીયા(ઉ.વ.44)ને ઝડપી લીધો હતો.આરોપી રૈયાધારમાં સનરાઈઝ કોમ્પ્લેક્સમાં ડેકોરેશનનો વ્યવસાય કરે છે.ભાજપના અગ્રણીના પુત્રએ કરેલ આ વિકૃત હરકતથી તેની સામે ફિટકારની લાગણી જોવા મળી હતી.
રાજકોટમાં સપ્તાહમાં ત્રીજી ઘટના
રાજકોટમાં સપ્તાહમાં આ ત્રીજી ઘટના બની છે. અગાઉ બાલાજી હોલ પાસે પટેલ બોર્ડિંગમાં 11 વર્ષના બાળક સાથે ગૃહપતિ હસમુખ વસોયાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.જ્યારે 150 ફૂટ રીંગ રોડ પર આવેલા નાણાવટી ચોક પાસે રહેતી બાળકને ચોકલેટ આપવાના બહાને ઢગાએ રૂમમાં લઈ જઈશ અડપલા કર્યાનો બનાવ બે દિવસ પૂર્વે બન્યો હતો ત્યારે 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસનો સપ્તાહમાં ત્રીજો બનાવ પોલીસમાં નોંધાયો હતો.