આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે ૩૬૫ કરોડના ૨૩ કામ શરૂ કરી દેતી મનપા
સાંઢિયા પુલ નવિનીકરણનું કામ તાત્કાલિક શરૂ કરી દેવાયું: અન્ય વિસ્તારોમાં નળ-ગટર-લાઈટ-પાણીની સુવિધાને લગત કાર્યોના ખાતમુહૂર્ત
હવે ૪ જૂન સુધી એકેય ટેન્ડર પ્રસિદ્ધ નહીં થાય: ૨૪૪ કરોડના ૬ કામનું લોકાર્પણ
લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ગઈ હોવાથી મહાપાલિકા સહિત એકેય સરકારી તંત્રમાં વિકાસકામ માટે ટેન્ડર પ્રક્રિયા ઠપ્પ થઈ જવા પામી છે. જો કે ચૂંટણીની આચારસંહિતા ગમે ત્યારે લાગુ પડી જશે તે મુદ્દાને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૬૧૦ કરોડના ૨૯ વિકાસકાર્યોના ખુતમુહૂર્ત અને લોકાર્પણ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે આચારસંહિતા લાગુ પડી તે પૂર્વે મહાપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ૨૪૪.૪૭ કરોડના ખર્ચના ૬ વિકાસકાર્યોના લોકાર્પણ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સાંઢિયા બ્રિજને તોડી પાડી તેના સ્થાને નવો ફોર-લેન બ્રિજ બનાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે બ્રિજની બાજુમાં આવેલા સર્વિસ રોડને ડામરકામ કરવા ઉપરાંત પહોળો કરવાનું કાર્ય ચાલી રહ્યું છે જે પૂર્ણ થયા બાદ બ્રિજને તોડવાનું શરૂ કરવામાં આવશે. આ સહિતના ૩૬૫.૮૨ કરોડના ૨૩ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યા છે.
સાંઢિયા પુલ ઉપરાંત અલગ-અલગ વિસ્તારોમાં નળ, ગટર, લાઈટ, પાણીની સુવિધાને લગત કાર્યો છે જે આચાર સંહિતા લાગુ પડે તે પહેલાં જ શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે ૪ જૂન સુધી આચારસંહિતા અમલમાં રહેવાને કારણે એક પણ નવું ટેન્ડર કરવામાં આવશે નહીં.