રાજકોટમાં બીસીએ સેમ-4નું પેપર ફૂટ્યું
પરીક્ષાના એક કલાક પહેલા એસઇઓનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હોવાનો વિધાર્થી નેતા યુવરાજસિંહનો આક્ષેપ
ધણીધોરી વગરની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં રોજે રોજ નવા નવા કાંડ બહાર આવી રહ્યા છે ત્યારે શુક્રવારે બીસીએ સેમેસ્ટર-4નું એસઇઓ વિષયનું પેપર પરીક્ષાના એક કલાક પહેલા ફૂટ્યું હોવાનો અને સોશિયલ મીડિયા ફરતું થયાનો વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે, બીજી તરફ ઇન્ચાર્જ કુલપતિ નીલાંબરીબેન દવેએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવનાર હોવાનું અને હાલમાં પેપર ફૂટ્યા બાદ વાયરલ થયેલા સ્ક્રીન શોટ્સ અને પેપરની પરીક્ષા નિયામક અને રજિસ્ટ્રાર દ્વારા ચકાસણી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.
શુક્રવારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું બીસીએ સેમ-4નું પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ કરી પરીક્ષાના એક કલાક પહેલા એસઇઓનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હોવાના પુરાવાઓ સાથે મીડિયા સમક્ષ વિગતો જાહેર કરતા ચકચાર જાગી છે, નોંધનીય છે કે, 15 એપ્રિલથી બીસીએ સેમ-4ની પરીક્ષા ચાલુ થઇ હતી અને શુક્રવારે એસઇઓ વિષયનું પેપર સવારે 10.30થી 1.00 વાગ્યા દરમિયાન લેવાયું હતું, પરીક્ષા શરૂ થાય તે પહેલા જ એક કલાકે પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હોવાનો વિદ્યાર્થી નેતાએ આરોપ લગાવી બીસીએ સેમ-4ની પરીક્ષા આપતા અંદાજે 35 હજાર વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ઉલ્લખનીય છે કે, બીસીએ સેમેસ્ટર-4નું એસઇઓ વિષયનું પેપર પરીક્ષાના એક કલાક પહેલા ફૂટવા પ્રકરણમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સ્ક્રીન શોટ્સમાં વિદ્યાર્થીઓના નામ પાછળ ટીએનઆર શોર્ટ નામ દેખાઈ રહ્યા છે અને પેપરમાં પૂછવામાં આવેલ પાંચ સવાલ વોટ્સએપ ઉપર મૂકી કોઈને ફોરવર્ડ ન કરવા પણ સંદેશો આપવામાં આવ્યો હતો.
દરમિયાન બીસીએ સેમ-4નું પેપર ફૂટવા મામેલ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીનો સંપર્ક કરતા તેઓનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના રજિસ્ટ્રારનો મોબાઈલ ફોન નો -રીપ્લાય થયો હતો. જયારે યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતિ નીલાંબરીબેન દવે કહ્યું હતું કે, તેઓ બહારગામથી હજુ રાજકોટ પહોંચ્યા છે અને સમગ્ર મામલે યુનિવર્સીટીના રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામક દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે, જો પેપર ફુટ્યાનું સાબિત થશે તો કોઈપણ દોષિતોને છોડવામાં નહીં આવે અને નિષ્પક્ષ તપાસ થશે તેવું તેમને જણાવ્યું હતું.
યુનિવર્સિટી પોલીસ ફરિયાદ નોંધાવી સાઇબર ક્રાઈમ પાસે તપાસ કરાવે : નિદત બારોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેવામાં આવી રહેલી બીસીએ સેમ્સટર-4ની પરીક્ષાનું એસઇઓ વિષયનું પેપર ફૂટવા મામલે કોંગ્રેસ પ્રવક્તા અને ટી.એન.રાવ કોલેજના સંચાલક નિદત બારોટે જણાવ્યું હતું કે, ટી.એન.રાવ કોલેજમાં સવારે 9.37 વાગ્યા સુધી પેપર ડાઉન લોડ થયું ન હતું. તેની જાણ યુનિવર્સિટીના ઓફિશિયલ ગ્રુપમા કરી હોવાનું અને પેપર 9.20 વાગે લિક થવાની વાત છે. જેથી સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ ફરિયાદ નોંધાવી સાઇબર ક્રાઈમ પાસે તપાસ કરાવે તેવી માંગણી તેમને કરી હતી.
