બેડ લક રાજકોટ: આજે 15 ઓક્ટોબર, ઇન્ટરનેશનલ ફ્લાઈટની વાત ‘હવામાં’
હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આજથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાન ભરશે તેવી ઓથોરિટીએ કરેલી જાહેરાત હવામાં કે ગપગોળા..??: નવા બિલ્ડીંગ નું કામ હજુ ૪૦ ટકા બાકી, કસ્ટમ અને ઇમિગ્રેશનની કામગીરી પણ અધ્ધરતાલ: એરલાઇન્સની ચેમ્બરનો વિવાદ:પી.એમ.મોદીનું સ્વપ્ન ક્યારે પૂરું થશે.?સૌરાષ્ટ્રવાસીઓનો સવાલ
રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આજે 15મી ઓક્ટોબરથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાન ભરશે તેવી ઓથોરિટીએ કરેલી મસમોટી જાહેરાતનો ફિયાસ્કો થયો હોય તેમ આજ દિવસ સુધી હજુ ટર્મિનલ બિલ્ડીંગનું કામ પણ અધૂરૂ છે, અને આજની ડેડલાઇન હોવા છતાં પણ હજુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ઠેકાણા નથી.
ઓગસ્ટ મહિનામાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાન નહીં ભરે તેવી જાહેરાત થયા બાદ ભારે વિવાદ ઉભો થયો હતો સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓથોરિટીની આ જાહેરાતને પગલે હોબાળો મચી જવા પામ્યો હતો. આ વાત દિલ્હી સુધી પહોંચી હતી છેવટે ઓથોરિટી એ વાતને વાળી લેવા માટે તે સમયે 15 ઓક્ટોબરથી રાજકોટ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાન ભરશે તેવી જાહેરાત કરી હતી પરંતુ અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આ જાહેરાત હવામાં હોય અને રાજકોટવાસીઓને જાણે ઉલ્લુ બનાવ્યા હોય તેવી લાગણી લોકો અનુભવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અને ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂઆતથી જ કંઈક ને કંઈક વિવાદમાં રહ્યું છે હવે સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે ક્યારથી વિદેશ માટેની ફ્લાઈટ ઉડાન ભરશે ? હજુ સુધી મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગનું કામ પણ પૂરું થયું નથી, હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આજે 15મી ઓક્ટોબરથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાન ભરશે તેવી ઓથોરિટીએ કરેલી મસમોટી મુદ્દે નારાજ છે.
જે રીતે હિરાસર એરપોર્ટમાં તારીખ પર તારીખ પડી રહી હતી એવી જ રીતે અત્યારે વિદેશી ફ્લાઈટ ઓપરેટ કરવામાં અને નવા ટર્મિનલ બિલ્ડીંગ માટે પણ નવી તારીખો આવી રહી છે અગાઉ એવી વાત હતી કે મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ ઓક્ટોબર મહિના સુધીમાં બની જશે પરંતુ હજુ 40% જેવું કામ બાકી હોવાથી જાન્યુઆરી મહિના સુધી એરપોર્ટનું કામ પૂરું થાય તેવી કોઈ શક્યતાઓ જોવા મળતી નથી. સૌરાષ્ટ્રવાસીઓ માંથી ઊભા થયેલા રોષને ઠારવા માટે 15 મી ઓક્ટોબર આપવામાં આવી હતી તેવા સવાલો ઉભા થયા છે.
ઇન્ટરનેશનલ ટર્મિનલ તો ઠીક ડોમેસ્ટિકના પણ ઠેકાણાં નથી
છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી ટર્મિનલનું કામ પૂરું ન થતા હાલમાં હંગામી ધોરણે ચાલી રહેલા ટર્મિનલ પરથી ફ્લાઇટ ઓપરેશન અને પેસેન્જરોનું આવાગમન થઈ રહ્યું છે. ટર્મિનલ બિલ્ડીંગમાં પણ મુખ્ય પાયારૂપ સુવિધાઓ પેસેન્જરને નથી મળતી તેવી અનેક વખત ફરિયાદો ઊભી થઈ છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ તો ઠીક પરંતુ હજુ સુધી ડોમેસ્ટિક એરપોર્ટની કામગીરી થઈ નથી.
નવું એટીસી બિલ્ડીંગ તો બની ગયું પણ બી.સી.એસ.ક્લીયરન્સના વાંધા
નવા એરપોર્ટ પર ટેકનિકલ બ્લોકનું કામ પૂરું થઈ ગયું છે જેમાં સીએનએસ,એટીસી તેમજ એરપોર્ટ ડિરેક્ટરની ચેમ્બર અને વહીવટી કામગીરી માટે અને ઓફિસો તૈયાર થઈ છે આ આખું બિલ્ડીંગ તૈયાર થઈ ગયું છે પરંતુ એટીસી બિલ્ડીંગ હજુ ત્યાં કાર્યરત થયું નથી. જેમાં બ્યુરો સિક્યુરિટી ઓફ એવિએશન અર્થાત બીસીએસનું ક્લિયરન્સ નથી મળ્યું આથી જેના વાંકે નવા બિલ્ડીંગમાં એટીસી ટાવર ચાલુ થઈ શકતો નથી. જ્યારે નવા બિલ્ડીંગમાં એરપોર્ટ ડિરેક્ટર અને વહીવટી ઓફિસ શરૂ કરી દેવામાં આવી છે.