હૃદયની બીમારીનું સફળ ઓપરેશન થયા બાદ બાળકીનો ઉજવાયો જન્મદિવસ…
શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવતી હોય છે. જેમાં બાળકોને આંખ, કિડની, કેન્સર સહિતની બિમારીઓમાં નિદાન અને ઓપરેશન સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે કરવામાં આવે છે ત્યારે રાજકોટની આંગણવાડીમાં અભ્યાસ કરતી એક બાળકીને શાળા તપાસની દરમિયાન હ્રદયમાં કાણું હોવાનું જણાતા તેનું સફળ ઓપરેશન અમદાવાદની યુએન હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. આ બાળકીના ઓપરેશન ગુરુવારે પ્રથમ જન્મદિવસ ઉજવવામાં આવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા જ્યારે બાળકીના વાલીના આંખમાંથી આસું સારી પડ્યા હતા.
શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં શાળા નં.૪૭ના પટાંગણમાં આવેલી આંગણવાડીમાં અભ્યાસ કરતી તનુજા ભૈયા સાહેબ પગાર નામની બાળકીને આજથી થોડાક મહિનાઓ અગાઉ શાળા તપાસની દરમિયાન હ્રદયમાં કાણું હોવાનું જણાયું હતું અને તાત્કાલિક સારવાર કરવાની જરૂર હતી. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે હોસ્પિટલનું નામ પડતાં જ ચિતાની લાગણી ફેલાઈ જતી હોય છે. આવી જ સ્થિતિ બાળકીને હ્રદયમાં કાણું હોવાના સમાચારથી પરિવાર ચિતામાં સરી પડ્યો હતો. આ સમયે સ્થાનિક આરોગ્ય કેન્દ્ર બાદ સિવિલના હોસ્પિટલના ડોક્ટરોએ અમદાવાદ યુએન હોસ્પિટલમાં ત્રણ મહિના પહેલા સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આજે આ દિકરી હસ્તી રમતી થઈ ગઈ છે.
ગુરુવારે આ બાળકીનો જન્મ દિવસ હોય આંગણવાડીમાં જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાય હતા અને તેના વાલી સહિત સૌ કોઇની આંખમાંથી આસું સારી પડ્યા હતા. આ તકે સેર વિથ સ્માઇલ એંજીઓના કપિલભાઈ પંડયાએ કહ્યું હતું કે, જ્યારે બાળકીની બીમારી વિષે ખબર પડતાં અમે શહેરની હોસ્પિટલમાં ઓપરેશન માટે તપાસ કરી તો તેનો ખર્ચ અંદાજે રૂ.૧૦ થી ૧૨ લાખ જેવો આવતો હતો. પરંતુ રાજ્ય સરકારની યોજનાને કારણે આ બાળકીની વિના મૂલ્યે સારવાર કરવામાં આવી છે. સરકારની આરોગ્યલક્ષી યોજનાને કારણે બાળકીને નવજીવન મળ્યું છે અને આજે આ બાળકી સરકારી યોજનાને કારણે હસ્તી-રમતી થઈ ગઈ છે.