ઓટો પાર્ટ્સ અને એસેસરીઝના વેપારીઓ GSTનાં રડારમાં
સ્ટેટ GSTએ 46 વિક્રેતાઓના 72 સ્થળો પર પાડયા દરોડા, 6 કરોડની કરચોરી ઝડપી પાડી
સમગ્ર રાજ્યમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ઓટો પાર્ટ અને એસેસરીઝનાં 46 વિક્રેતાઓનાં 72 સ્થળો પર સાગમટે દરોડા પાડી રૂપિયા 6 કરોડની કરચોરી ઝડપી પાડી છે.ખાસ વાત છે કે, દિવાળી અગાઉ ઓટો સેકટરમાં આવેલી તેજીના કારણે જીએસટીના સાણસામાં આવી ગયુ છે. દિવાળી અગાઉ ટ્રાવેલર્સ, સ્કીન સ્પેશ્યાલિસ્ટ સહિત અનેક ક્ષેત્ર જીએસટીના સાણસામાં આવ્યુ છે.
ગુજરાત રાજ્ય સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં ઓટો પાર્ટ અને એસેસરીઝનાં વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી છે. ત્યારે રાજ્યમાં ઓટો પાર્ટ અને એસેસરીઝનાં 46 વિક્રેતાઓનાં 72 સ્થળો પર સાગમટે દરોડા પાડ્યા હતા. ત્યારે જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં 6 કરોડથી પણ વધુની કરચોરી ઝડપી પાડી છે. વિક્રેતાઓ પાસેથી 1.5 કરોડની સ્થળ પર જ વસુવાત કરી છે. જે વિક્રેતાઓ દ્વારા ચોપડા પર દર્શાવાયેલા સ્ટોક અને હાજર સ્ટોકમાં ફેરફાર સામે આવ્યો હતો. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદનાં 35, રાજકોટ 13, સુરત અને વડોદરામાં 12-12 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
જીએસટીની ટીમે સુરતમાં આઠ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડાની કાર્યવાહીમાં દોઢ કરોડની ટેક્સ ચોરીને ઝડપી પાડવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતમાં જીએસટીની ટીમે સ્પેર પાર્ટ્સના વેપારીઓ પર કડક કાર્યવાહી હાથ ધરતાં દરોડા પાડ્યા છે. શહેરમાં સતત ત્રણ દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે, જેમાં સ્ટૉક સહિતની અનેક પ્રકારની બેનામી સંપતિને જપ્ત કરવામાં આવી છે. શહેરમાં સ્પેર પાર્ટ્સના વેપારીઓ પર આઠ સ્થળોએ જીએસટીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં દોઢ કરોડની ટેક્સચોરી પકડાઇ છે. સુરત સહિત રાજયભરમાં ઓટો સ્પેર પાર્ટના વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જીએસટી અધિકારીઓએ અહીં 5થી 6 કરોડના સ્ટૉક સહિતના અન્ય બેનામી વ્યવહારોને પકડી પાડ્યા છે.
આ પહેલા પણ જીએસટી વિભાગે કરી હતી દરોડાની કાર્યવાહી
રાજ્યના નવ શહેરોમાં GST વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. 25 વેપારીઓને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. 46 સ્થળ પર તપાસ હાથ ધરીને કુલ 4 કરોડની કરચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. GSTનું રજિસ્ટ્રેશન લીધા બાદ ટર્ન ઓવર છુપાવીને ગેરકાયદે રીતે કોમ્પોઝિસન સ્કીમનો લાભ લઈ રહેલા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
કોમ્પોઝિસન સ્કીમમાં જોડાયા બાદ વેપારીઓ અન્ય મોડસ ઓપરેન્ડીના સહારે GST ચોરી કરવામાં આવતું હોવાને ધ્યાનમાં આવ્યુ હતું. એટલું જ નહીં અનેક વેપારીઓએ GSTનું રજિસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. તેમ છતા કોઈ રજિસ્ટ્રેશન મેળવ્યું નથી.
જ્યારે કેટલાક વેપારીઓને વેરાશાખ મળવા પાત્ર ન હોવા છતા GST ન ભરવો પડે તે માટે વેરાશાખ લઈ રહ્યા છે. જેમાં ગ્રાહકોને સીધો માલ આપતા વેપારીઓનો સમાવેશ થાય છે. મોબાઈલ એસેસરીઝ,રેડી ટુ ઈટ ફૂટ, કોસ્મેસ્ટિક, હેર ટ્રાંસપ્લાટં સર્વિસસ સાથે જોડાયેલા વેપારીઓને ત્યાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે હજુ પણ કરચોરીનો આંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે.
અલગ-અલગ જિલ્લાઓમાં 25 વેપારીઓના 46 સ્થળો ખાતે દરોડા પડતા પ્રાથમિક તપાસમાં આવા વ્યવહારો ઉપર અત્યાર સુધીમાં કુલ 4 કરોડની કરચોરી ધ્યાને આવી છે. GST વિભાગે કરેલી તપાસમાં B2C સેગમેન્ટ એટલે કે મોટાભાગે સીધા ઉપભોકતાઓને માલ -સેવા પુરી પાડતા વિવિધ સેકટરના વેપારીઓ કરચોરી કરતા પકડાયા છે. GST વિભાગ દ્વારા વિવિધ સેક્ટરોમાં હાલમાં ટ્રેડ પ્રેકટીસનો અભ્યાસ કરવામાં આવે છે. જેના આધારે વેપારીઓ દ્વારા કરચોરી કરવા અપનાવાતી વિવિધ મોડસ ઓપરેન્ડી શોધી કાઢી આવા ટેક્ષ પેયરોનું સીસ્ટમ આધારીત ટેક્ષ પ્રોફાઇલીંગ કરવામાં આવે છે. આ તપાસ દરમ્યાન ધ્યાને આવ્યું છે કે B2C સેગમેન્ટમાં અમુક વેપારીઓ જીએસટી રજીસ્ટ્રેશન મેળવ્યા બાદ ટર્નઓવર છુપાવી ગેરકાયદેસર રીતે કમ્પોઝીશન સ્કીમનો લાભ લઇ અથવા તે સિવાય પણ કરચોરી કરે છે.