અટલ સરોવરે રાજકોટને કર્યું ઘેલું: બે દિ’માં ૧૫,૦૦૦થી વધુ ઉમટ્યા
એક સપ્તાહ સુધી સાંજે પાંચથી રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લું રહેશે: ત્યારબાદ સવારથી શરૂ થશે
ફેરિસ વ્હીલ (ચગડોળ)ને એનઓસી મળી જતાં શરૂ કરી દેવાશે; ૮૦ રૂપિયા ટિકિટ !
ફોર-વ્હીલર પાર્કિંગના ૨૦, ટુ-વ્હીલરના ૧૦ વસૂલાશે: લેઝર-લાઈટ એન્ડ સાઉન્ડ શોની ટિકિટ ૮૦ રૂપિયા
૩૦ જૂન સુધીમાં વન્ડર પાર્ક સહિતની સુવિધાથી સજ્જ બનશે અટલ સરોવર
રાજકોટ માટે ફરવા માટેનું અત્યંત નવલું નઝરાણું એવું અટલ સરોવર તૈયાર થઈ ચૂક્યું છે અને ઉદ્ઘાટનના પ્રથમ દિવસે જ ૧૦,૦૦૦થી વધુ લોકો ઉમટી પડ્યા બાદ બીજા દિવસે પણ પાંચ હજારથી વધુની મેદની અટલ સરોવર નિહાળવા માટે પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ એક સપ્તાહ સુધી અટલ સરોવર સાંજે પાંચથી રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને ત્યારબાદ સવારથી શરૂ કરવામાં આવશે. દરમિયાન ફેરિસ વ્હીલ (ચગડોળ) માટેનું એનઓસી આવી ગયું હોવાથી હવે તેને પણ લોકો માટે શરૂ કરી દેવામાં આવશે. જો કે તેની ટિકિટ ૮૦ રૂપિયા રાખવામાં આવી હોય તેનાથી લોકોમાં થોડો રોષ પ્રવર્તી રહ્યો છે. આ ઉપરાંત ફોર-વ્હીલર પાર્કિંગ માટે ૨૦ તો ટુ-વ્હીલરના ૧૦ રૂપિયા વસૂલવામાં આવશે તો લેઝર એન્ડ સાઉન્ડ શોની ટિકિટ રૂા.૮૦ રાખવામાં આવી છે. એકંદરે ૩૦ જૂન સુધીમાં વન્ડર પાર્ક સહિતની સુવિધાથી અટલ સરોવર સજ્જ બની જશે.
અટલ સરોવર માટે કોની કેટલી ફી
પ્રથમ ત્રણ વર્ષ
બાળકો માટે એન્ટ્રી ફી રૂા.૧૦
મોટેરા માટે એન્ટ્રી ફી રૂા.૨૫
મનપા-આંગણવાડીના બાળકો માટે એન્ટ્રી ટિકિટ ફ્રી
ત્રણ વર્ષ બાદ
બાળકો માટે એન્ટ્રી ફી રૂા.૧૦
મોટેરા માટે એન્ટ્રી ફી રૂા.૪૦
મનપા-આંગણવાડીના બાળકો માટે એન્ટ્રી ટિકિટ ફ્રી
મનપા-આંગણવાડીના બાળકોને ઓછામાં ઓછી ત્રણ રાઈડ માટે ક્નસેશન અથવા ફ્રી રાખવી ફરજિયાત
રાઈડસનો શું ભાવ
ટોય ટે્રન ૮૦
બોટ રાઈડ ૮૦
ફેરિસ વ્હીલ ૮૦
લેઝર શો, લાઈટ એન્ડ સાઉન્ શો ૮૦
એમ્ફીથિયેટર ૨૫,૦૦૦ પ્રતિ ઈવેન્ટ
પાર્ટી પ્લોટ ૧ લાખ પ્રતિ ઈવેન્ટ
પાર્કિંગ ૨-વ્હીલર ૧૦
પાર્કિંગ ૪-વ્હીલર ૨૦
મનપાને શું મળશે
પ્રથમ પાંચ વર્ષ માટે ૫૧ લાખ પ્રતિ વર્ષ
બીજા પાંચ વર્ષ માટે ૭૦ લાખ પ્રતિ વર્ષ
ત્યારપછી પાંચ વર્ષ માટે ૮૦ લાખ
ફૂડ કોર્ટમાં લોકો લૂંટાય નહીં તેનો પૂરો ખ્યાલ રખાશે: મ્યુ.કમિશનર
દરમિયાન મ્યુનિ.કમિશનર આનંદ પટેલે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આચારસંહિતા બાદ ફૂડ કોર્ટ માટે બનાવાયેલી ૪૨ દુકાનોની હરાજી કરવામાં આવશે. હરાજી પૂર્ણ થયા બાદ ફૂડનું વેચાણ કરનાર ધંધાર્થીઓ દ્વારા બેફામ ભાવ ન વસૂલાય તેમજ ફૂડની ગુણવત્તા જળવાયેલી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત રાજકોટના અલગ-અલગ પાર્કનો અત્યારે સર્વે ચાલી રહ્યો છે જ્યાં ન હોય તેવી રમતોની સુવિધા અટલ સરોવરમાં ઉભી કરાશે.