‘આસોપાલવ કપાસિયા’ તેલ હલકી કક્ષાનું: તંત્રએ કહ્યું, વેચાણ બંધ ન કરાવી શકીએ !
૩ મહિના પહેલાં ફૂડ શાખાએ જૂના માર્કેટિંગ યાર્ડમાં ધરતી ટે્રડર્સમાંથી લીધો’તો નમૂનો જે ગયો ફેઈલ
હજુ બે-ત્રણ વખત નમૂનો ફેઈલ ગયા બાદ ઉત્પાદન-વેચાણ બંધ કરાવવાની મહાપાલિકાને સત્તા !
રાજકોટમાં ખાણીપીણીની વસ્તુમાં ભેળસેળ અટકવાનું નામ જ લઈ રહી નથી તેનું મુખ્ય કારણ તંત્ર પાસે અપૂરતી સત્તા જ છે. આવું એટલા માટે કેમ કે તંત્રને શંકા જાય એટલે તે વાનગી અથવા પદાર્થનો નમૂનો લઈને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલે છે જ્યાંથી નમૂનો ૬૦ અથવા ૯૦ દિવસે આવે છે જે આવ્યા બાદ તેમાં ભેળસેળ નીકળે તો પણ તેનું ઉત્પાદન કે વેચાણ બંધ કરાવી શકાતું નથી ! આવું જ કંઈક આસોપાલવ કપાસિયા તેલમાં બનવા પામ્યું છે. ત્રણ મહિના પહેલાં મહાપાલિકાની ફૂડ શાખાએ જૂના માર્કેટિંગ યાર્ડમાં આવેલા ધરતી ટે્રડર્સમાંથી આ તેલનો નમૂનો લીધો હતો જે હલકી કક્ષાનો હોવાનું પરિણામ આવ્યું છે છતાં તંત્ર તેનું વેચાણ બંધ કરાવી શકે તેટલી સત્તા ન હોવાનું જાણવા મળ્યું છે.

ફૂડ શાખા દ્વારા આસોપાલવ કપાસિયા તેલનો જે નમૂનો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો તેનું ચકાસણી કર્યા બાદ પરિણામ છેક ત્રણ મહિને આવ્યું હતું જે દરમિયાન મોટાપાયે તેનું વેચાણ થઈ ગયું છે. આ તેલમાં આયોડિન સહિતની માત્રા વધુ હોવાનું પૂરવાર થયું છે. એકંદરે આ પ્રકારનું તેલ ખાવાથી અનેક રોગ થઈ શકે છે. જો કે નમૂનો ફેઈલ ગયો હોવા છતાં તંત્ર આ તેલનું ઉત્પાદન કે વેચાણ બંધ કરાવી શકે તેમ નથી કેમ કે હજુ બે-ત્રણ વખત સેમ્પલિંગ થાય અને તેમાં નમૂનો નિષ્ફળ જાય તો જ ઉત્પાદન કે વેચાણ બંધ કરાવવાની સત્તા મહાપાલિકા પાસે હોવાનું ફૂડ સેફ્ટી ઓફિસર હાર્દિક મેતાએ જણાવ્યું હતું.
બીજી બાજુ ફૂડ શાખા દ્વારા ૧૫૦ ફૂટ રિંગરોડ પર ઓમનગર સર્કલ પાસે ગુરુકૃપા એજન્સીમાંથી ગાયત્રી બ્રાન્ડ સિંગતેલ, કેસરી બ્રાન્ડ સિંગતેલ અને યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં સોમનાથ એપાર્ટમેન્ટમાં આવેલા ગાયત્રી ટે્રડિંગમાંથી જાનકી રિફાઈન્ડ કપાસિયા તેલનો નમૂનો લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.