સીઝન બદલાતાં જ રાજકોટમાં ચારે બાજુ ઠોં ઠોં: શરદી-ઉધરસના કેસ ઉછળ્યા
ડેંગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં ઘટાડો: સીઝનલ ફ્લૂના કેસ પણ ૧૦૦૦ને પાર
રાજકોટમાં શીયાળાનો પ્રારંભ થઈ ગયો છે અને સવારે તેમજ રાત્રે ઠંડીની અસર જોવા મળી છે. એકંદરે સીઝનમાં ફેરફાર થતાં જ શહેરમાં ચારે બાજુ ઠોં ઠોં મતલબ કે શરદી-ઉધરસના કેસ જોવા મળી રહ્યા છે. રાહતની વાત એ છે કે ડેંગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના રોગમાં પાછલા સપ્તાહોની તુલનાએ માતબર ઘટાડો નોંધાયો છે.
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા રોગચાળાના આંકડા પ્રમાણે તા.૧૮-૧૧થી તા.૨૪-૧૧ સુધીના સાત દિવસમાં મેલેરિયાના વધુ બે (વર્ષના ૩૯), ડેંગ્યુના ૧૧ (વર્ષના ૩૭૦), ચિકનગુનિયાનો ૧ (વર્ષના ૩૬) અને ટાઈફોઈડનો એક દર્દી નોંધાયા છે.
જ્યારે શરદી-ઉધરસના ૧૨૨૭ (વર્ષના ૪૬૪૯૮), સામાન્ય તાવના ૧૦૨૮ (વર્ષના ૨૦૫૦૧) અને ઝાડા-ઊલટીના ૧૮૬ (વર્ષના ૧૧૭૯૩) દર્દી મહાપાલિકાના ચોપડે ઉમેરાયા છે.