સિવિલમાં પોલીસે ચેકિંગ ચાલુ કરતાં તસ્કરો ઝનાનામાં ખાબક્યા
ઝનાના હોસ્પિટલના ગેટ પાસે દર્દીના સગાએ પાર્ક કરેલી રિક્ષા કોઈ ગઠિયો હંકારી ગયો : એ-ડિવિઝન પોલીસમાં નોંધાતો ગુનો
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તસ્કરો અને લુખ્ખાઓએ માઝા મૂકતા પ્ર.નગર પોલીસ દ્વારા હોસ્પિટલમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી સુરક્ષા ડ્રાઈવ યોજી 25થી વધુને પકડી કાર્યવાહી કરી હતી. જેથી પોલીસનું હોસ્પિટલમાં સતત ચેકિંગ વધતાં તસ્કરોએ સિવિલને પડતી મૂકી ઝનાના હોસ્પિટલને નિશાન બનાવી હતી અને ગેઇટ પાસે પાર્ક કરેલી દર્દીના સગાની રિક્ષાની ચોરી કરી જતાં એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિગતો મુજબ રૈયાની ધાર પાસે રહેતા મનોજભાઈ પ્રવીણભાઈ પરમાર નામના યુવકની 1.5 વર્ષની દીકરીને ઝનાના હોસ્પિટલ દાખલ કરી હોવાથી તેઓ તેને મળવા માટે હોસ્પિટલે ગયા હતા ત્યારે GJ-03-BU-1531 નંબરની તેમની રૂ.1.30 લાખની રિક્ષા હોસ્પિટલના ગેઇટ પાસે પાર્ક કરી હતી. જે કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતાં એ ડિવિઝન પોલીસમાં તેમણે ફરિયાદ નોંધાવી છે.ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા સતત ત્રણ દિવસ સુધી સુરક્ષા ડ્રાઈવ યોજી તસ્કરો અને લુખ્ખાઓ પર ઘોસ બોલાવી હતી. જેથી સિવિલમાં તસ્કરોને ચોરીનો મોકો ન મળતા તેઓ ઝનાના હોસ્પિટલમાં ફાવી ગયા હતા. જેથી પ્રદ્યુમનનગર પોલીસની જેમ એ-ડિવિઝન પોલીસને પણ ઝનાના હોસ્પિટલમાં દિન-પ્રતિદિન ચેકિંગ હાથ ધરવું જોઈએ જેથી તસ્કરોને ચોરી કરતાં અટકાવી શકાય
