સસ્તા અનાજના વિક્રેતાઓની હડતાળ સમેટાઈ જતા જ વિતરણ વ્યવસ્થા પાટે
જિલ્લા પુરવઠા ગોડાઉનમાંથી 163 વેપારીઓને જથ્થો રવાના
પરવાનેદારોની ઘટ અને કમિશન વધારાની માંગનો પણ ટૂંકમાં ઉકેલ
રાજકોટ : મિનિમમ 20 હજાર કમિશન મુદ્દે રાજ્યભરના સસ્તા અનાજના વિક્રેતાઓ દ્વારા અચોક્કસ મુદ્દતનું અસહકાર આંદોલન છેડયા બાદ ગઈકાલે સરકાર સાથે સુખદ સમાધાન થતાની સાથે જ જિલ્લા પુરવઠા ગોડાઉનોમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે, હડતાલ સમેટાઈ જતા રાજકોટ શહેર જિલ્લામાં એક જ દિવસમાં 163 પરવાનેદારોને માલ રવાના કરવામાં આવી રહ્યો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.બીજી તરફ પરવાનેદારોને મિનિમમ 20 હજાર કમિશનનો મુદ્દો ઉકેલાઈ જવાની સાથે ઘટ અને કમિશન વધારા અંગે પણ સરકારે ઉકેલની ખાતરી આપી હતી.
1લી ઓક્ટોબરથી રાજ્યભરના 17 હજાર જેટલા સસ્તા અનાજના વિક્રેતાઓએ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન હોલ્ડર એસોશિએશન અને ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એસોશિએશનની આગેવાની હેઠળ અચોક્કસ મુદ્દતનું અસહકાર આંદોલન શરૂ કરી જાહેર વિતરણ વ્યવસ્થા ઠપ્પ કરી દેતા સરકાર સાથે ચાર વખત મંત્રણા બાદ બુધવારે સરકારે 97 ટકાને બદલે 93 ટકા વિતરણ કરનાર પરવાનેદારોને 20 હજાર કમિશન આપવા સહમતી દર્શાવતા હડતાલનો સુખદ અંત આવ્યો છે. હડતાળના સુખાંત અંગે ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એસોશિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, સરકાર સાથેની મંત્રણામાં ઘટ તેમજ કમિશન વધારાનો મુદ્દો પણ ટૂંક સમયમાં ઉકેલાઈ જવાની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ દિવાળીનો તહેવાર નજીકમાં જ હોવાથી હડતાલ ખતમ થતા જ સસ્તા અનાજના વેપારીઓ દ્વારા ફટાફટ ચલણ જનરેટ કરી માલ ઉપાડવામાં આવી રહ્યો છે, રાજકોટ જિલ્લા પુરવઠા ગોડાઉનમાં પણ હડતાલ ખતમ થતા જ 163 જેટલા વેપારીઓએ ચલણ જનરેટ કરી પૈસા જમા કરાવી દેતા ઘઉં, ચોખા, ખાંડ સહિતનો જથ્થો રવાના કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.