રાજકોટમાં પૂ.મોરારીબાપુનું આગમન:અનુયાયીઓમાં ભારે ઉત્સાહ
આજે તેમના અનન્ય શિષ્યના ઘરે પધરામણી: નવ દિવસ ચાંદ્રાણી પરિવારને ત્યાં રોકાણ:કાલે પોથીયાત્રામાં બાપુની હાજરી
આવતીકાલથી રાજકોટમાં દિવ્ય અને ભવ્ય રામકથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આજે પૂજ્ય મોરારીબાપુનું રાજકોટમાં આગમન થતાં અનુયાયીઓમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે. આજે સવારે પૂજ્ય મોરારીબાપુનું રાજકોટમાં આગમન થતાની સાથે જ શિષ્યગણ અને આયોજકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરારીબાપુ આજે આખો દિવસ તેમના અનન્ય શિષ્ય મહેન્દ્રભાઈ પટેલના ઘરે રોકાણ કરશે. આવતીકાલે સવારે વિરાણી હાઈસ્કૂલથી રામકથા માટેની વિશાળ પોથીયાત્રામાં મોરારીબાપુની ઉપસ્થિત રહેશે. કથાના નવ દિવસ દરમિયાન મોરારીબાપુ તેમના ખાસ શિષ્ય અને પૂજ્ય જલારામ બાપાના વંશજ ભરતભાઈ ચાંદ્રાણીના ઘરે રોકાણ કરશે.
બાર વરસ બાદ રાજકોટની ભૂમિ પર મોરારીબાપુની રામકથા યોજાય રહી છે તેને લઈને રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં ભારે ઉત્સાહ છવાયો છે, રાજકોટમાં અયોધ્યાધામનું નિર્માણ કરવામાં આવ્યું છે, રાજકોટમાં મોરારીબાપુની સૌપ્રથમ કથા 1976માં યોજાય હતી. ત્યારબાદ 1982, 1986 અને 1998 માં માનસ મુદ્રિકા, વર્ષ 2007માં માનસ વાલ્મિકી અને 2012માં માનસ હરિહર નામે રામકથા યોજાય હતી.