રાજકોટમાં ‘લાયન સફારી પાર્ક’ને મંજૂરી
એશિયાટિક સિંહને મુક્ત રીતે વિહરતા જોવા માટે સાસણ-દેવળિયા નહીં જવું પડે
મહાપાલિકાની દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ આપી લીલીઝંડી: પ્રદ્યુમન પાર્ક ઝૂ વિસ્તારમાં ૩૩ હેક્ટર જમીનમાં ૩૦ કરોડના ખર્ચે બનશે જંગલ પેટા: બે વર્ષની અંદર પ્રોજેક્ટનું કરી દેવાશે લોકાર્પણ: આયુર્વેદિક વન બનાવાશે: ટૂંક સમયમાં ઝૂ ઓથોરિટીની ટીમ રાજકોટ આવશે વૉઈસ ઑફ ડે, રાજકોટ રાજકોટ જ નહીં બલ્કે દેશ-વિદેશના લોકો માટે સિંહદર્શન કરવાનું સૌથી પ્રિય સ્થળ હોય તો તે સાસણ અને દેવળિયા પાર્ક છે.
દર વર્ષે લાખો લોકો આ બન્ને જગ્યાની સહેલગાહ માણવા માટે આવી રહ્યા છે ત્યારે હવે એ દિવસો બહુ દૂર નથી કે સાસણ-દેવળિયા જેવું જ જંગલ રાજકોટમાં તૈયાર થઈ જશે. ઈસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા પ્રદ્યુમન પાર્ક ઝૂની પૂર્વ દિશામાં મહાપાલિકા દ્વારા
એશિયાટિક લાયન સફારી’ પાર્ક બનાવવાનો ઈરાદો જાહેર કરીને તેની દરખાસ્ત સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (નવીદિલ્હી)ને મોકલવામાં આવી હતી જેને મંજૂરીની મ્હોર લાગી ગઈ હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ લાયન સફારી પાર્ક બે વર્ષની અંદર તૈયાર થઈ જનાર હોવાનું અને તેના માટે આજથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિ.કમિશનર આનંદ પટેલ સહિતનાએ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા ઈસ્ટ ઝોનમાં એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવા માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલવામાં આવી હતી જેને મંજૂરી આપી દેવાઈ છે. રાજકોટમાં હયાત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં શહેર તેમજ જિલ્લાના મુલાકાતીઓ આવી રહ્યા છે ત્યારે તેમને નવા નઝરાણા રૂપે લાયન સફારી પાર્ક જેવું આકર્ષણ ફરવાનું સ્થળ મળી રહે અને સિંહ સંરક્ષણ-સંવર્ધનના પ્રયત્નોમાં વધારો થાય તેમજ ઈકો ટુરીઝમ ક્ષેત્રે વધારો થાય તે માટે પ્રદ્યુમન પાર્ક ઝૂની પૂર્વ દિશાએ સર્વે નં.૧૪૪, ૧૪૫, ૧૫૦ તેમજ ૬૩૮ મળી અંદાજે ૩૩ હેક્ટર જમીન લાયન સફારી પાર્ક બનાવવા માટે જમીન સંપાદિત કરી દેવાઈ છે.
મહાપાલિકા દ્વારા એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી-નવીદિલ્હી પાસેથી મંજૂરી મેળવવા માટે નિયત કરેલા ધારા-ધોરણ મુજબ દરખાસ્ત તેમજ માસ્ટર લે-આઉટ પ્લાન તૈયાર કરીને મોકલવામાં આવ્યો હતો. આ અંગેની બેઠક ૬ નવેમ્બરે મળી ગઈ હતી જેમાં તમામ પ્રકારની ચકાસણી કર્યા બાદ અમુક સુધારા સાથે દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે.
ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવાથી વિદેશી લોકો અહીં સરળતાથી આવી શકશે: મ્યુનિ.કમિશનર
મ્યુનિ.કમિશનર આનંદ પટેલે વૉઈસ ઑફ ડે' સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટમાં હવે ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થઈ ગયું છે અને ટૂંક સમયમાં અહીંથી આંતરરાષ્ટ્રીય કક્ષાની ફ્લાઈટ અવર-જવર કરવાની છે ત્યારે વિદેશથી આવનારા સહેલાણીઓ રાજકોટમાં સરળતાથી લાયન સફારી પાર્કનો લુત્ફ ઉઠાવી શકશે. આમ થવાને કારણે પ્રવાસન ક્ષેત્રે પણ રાજકોટનો વિકાસ થશે સાથે સાથે વિદેશી લોકો અહીંની
તાસીર’થી વાકેફ થશે.
સહેલાણીઓને ઈલેક્ટ્રિક વાહનમાં બેસાડી સહેલગાહ કરાવાશે
મહાપાલિકા દ્વારા સફારી પાર્ક તૈયાર કરી લેવામાં આવ્યા બાદ સિંહદર્શન માટે આવનારા સહેલાણીઓને ઈલેક્ટ્રિક વાહનમાં બેસાડી સહેલગાહ કરવામાં આવશે. સુરક્ષાને ધ્યાને રાખી ખાસ પ્રકારનો ટૂ-વે એન્ટ્રી-એક્ઝિટ ગેઈટ બનાવવામાં આવશે.
પાર્કમાં શું હશે ?
- પાંચ મીટર ઉંચી, ૫૫૦૦ મીટર લાંબી ફેન્સીંગ
- પ્રાણીઓ માટે નાઈટ શેલ્ટર જેમાં ખોરાક સહિતની સુવિધા અપાશે
- અંદર-બહાર જવાના અલગ-અલગ ગેઈટ
- ઈન્સ્પેક્શન રોડ
- પ્રાણીઓના લોકેશન માટે ઈન્ટર કનેક્ટેડ રોડ
- વોચ ટાવર
- પ્રાણીઓ માટે અલગ-અલગ જગ્યાએ પીવાના પાણીના પોન્ડ
- ગીરની ઝાંખી થાય તે પ્રકારનું જંગલ અને બાકીના ભાગમાં વૃક્ષારોપણ
- આયુર્વેદિક વન
- ચેક ડેમ
મુલાકાતીઓને શું સુવિધા મળશે
- આકર્ષક એન્ટ્રન્સ પ્લાઝા
- વિશાળ પાર્કિંગ
- ઈલેક્ટ્રિક વાહનની વ્યવસ્થા
- ટિકિટ બુકિંગ ઑફિસ
- આરામ કરવા માટેની જગ્યા
- ટોયલેટ બ્લોક
- બાળકો માટે વિશાળ બગીચો
- ફિલ્ટર પાણીની વ્યવસ્થા
- ફૂડ કોર્ટ
- સેલ્ફી પોઈન્ટ