રાજકોટ નાગરિક બેંકમાં ચેરમેન-વાઇસ ચેરમેનની નિમણૂકને મંજૂરી
- કલેકટર ચિંતન શિબિરમાં હોય જિલ્લા રજિસ્ટ્રારે ચેરમેન- વાઈસ ચેરમેનની નિમણૂકને મંજુરી આપી
રાજકોટ : સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંક એવી રાજકોટ નાગરિક સહકારી બેંકની ચુંટણી પ્રક્રિયાના અંતિમ ચરણમાં જીલ્લા રજીસ્ટ્રાર અને એઆરઓ બિમલ પટેલે શનિવારે બેન્કના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પ્રક્રિયામાં ચેરમેન પદ માટે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન પદ માટે જીવણભાઈ પટેલના નામને મંજુરી આપી હતી.
રાજકોટ નાગરિક સહકારી બેંકમાં 27 વર્ષ બાદ યોજાયેલ ચૂંટણીમાં તમામ 21 બેઠકો ઉપર સહકાર પેનલનો વિજય થતા બેન્કના ડિરેક્ટર દેવાંગભાઈ માંકડે ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠકની દરખાસ્ત મૂકી હતી જેને ચંદ્રેશભાઈ ધોળકિયાએ ટેકો આપેલ હતો. જયારે માધવ દવેએ વાઈસ ચેરમેન તરીકે જીવણભાઈ પટેલના નામની દરખાસ્ત મુકતા અશોકભાઈ ગાંધીએ ટેકો આપેલ હતો. બાદમાં શનિવારે મળેલી બોર્ડ મિટિંગમાં જીલ્લા રજીસ્ટ્રાર અને એઆરઓ બિમલ પટેલે ચેરમેન અને વાઇસ ચેરમેન ની નિયુક્તિને મંજૂરી આપી હતી.
શનિવારે મળેલી રાજકોટ નાગરિક સહકારી બેન્કની બેઠકમાં દિનેશભાઈ પાઠક, જીવણભાઈ પટેલ, સુરેન્દ્રભાઈ પટેલ, ચંદ્રેશભાઈ ધોળકિયા, અશોકભાઈ ગાંધી, હસમુખભાઈ ચંદારાણા, ડો. નરશીભાઈ મેઘાણી, હસમુખભાઈ હિન્ડોચા, માધવભાઈ દવે, જ્યોતિબેન ભટ્ટ, કીર્તિદાબેન જાદવ, જીમ્મીભાઈ દક્ષિણી, શૈલેશભાઈ ઠાકર, હંસરાજભાઈ ગજેરા, ટપુભાઈ લીંબાસીયા, દીપકભાઈ બકરાણીયા, મંગેશજી જોશી, નવીનભાઈ પટેલ, ચિરાગભાઈ રાજકોટિયા, ભૌમીક્ભાઈ શાહ, બ્રિજેશભાઈ મલકાણ, લલીતભાઈ વોરા, કલ્પેશભાઈ ગજ્જર, વિક્રમસિંહ પરમાર, ઉપરાંત વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.) હાજર રહ્યા હતા.
અમારા ઉપર મુકેલ વિશ્વાસ સાર્થક કરીશું : દિનેશભાઈ -જીવણભાઈ
નાગરિક બેંકમાં નવા હોદેદારોની નિયુક્તિ બાદ ચેરમેન દિનેશભાઈ પાઠક અને વાઇસ ચેરમેન જીવણભાઈ પટેલે જણાવ્યું હતું કે,અમારા ઉપર મુકેલ વિશ્વાસ સાર્થક કરીશું. જે રીતે જંગી બહુમતીથી જીત્યા અને સમગ્ર ચુંટણીમાં ઉત્સાહભેર કામ કર્યું તેવી જ રીતે હવેથી બેંકની પ્રગતિ અને વધુને વધુ નવી ઉચાઇ સર કરવા માટે આપને સહુ સાથે મળીને કામ કરીશું. આપણી બેંક નાના માણસની મોટી બેંક તરીકે ઓળખાય છે. આપણા દરેક કાર્યો નાના અને મધ્યમ વર્ગને ઉપયોગી બની રહે તેવા જ બની રહેશે. આપણા વડીલોએ કંડારેલી કેડી ઉપર સહુના સાથથી અવિરત આગળ વધતા રહીશું.