શેરબજારમાં ટ્રેડિંગ માટે ‘અસ્બા’ લાગુ થવાની ધારણા
શેરો ખરીદવા નાણા બ્રોકરને આપવાની જરૂર નહી
બેંકોમાં પડેલા નાણાથી ટ્રેડિંગ થશે, સોદો પૂર્ણ થયે બેંકમાંથી નાણા ઉપડશે
ફ્યુચર એન્ડ ઓપ્શનના નિયમમાં પણ ઘણા ફેરફારો આવી રહ્યા છે
શેરબજારમાં સતત તેજીનું વાતાવરણ છે અને સેન્સેક્સ ૮૦ હજારને ક્રોસ કરી ગયો છે ત્યારે તેને વધુ મજબુત બનાવવા ઐતિહાસિક પગલાઓ આવી રહ્યા છે તેવું માર્કેટના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. દિવસે ને દિવસે શેરબજાર નવા નવા હાઈ કરી રહ્યું છે. નાણાનો પ્રવાહ બેંક ડિપોઝીટસ ના બદલે શેરબજાર તરફ વળી રહ્યો છે. ત્યારે શેરબજારના સત્તાવાળાઓ,સેબી અને એક્સચેન્જ સતર્ક થઈ રહ્યા છે.સાવચેતી માટેના પગલાંઓ લેવાઈ રહ્યા છે.સેબી દ્વારા કન્સલટેશન પેપર પણ બહાર પાડવામાં આવી રહ્યા છે. રોકાણકારોના હિતમાં અભિપ્રાયો મંગાવી યોગ્ય પગલાઓ લેવાઈ રહ્યા છે.
આવા સમયે સેબી દ્વારા ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ખાસ કરીને ઓપ્શનમાં વોલ્યુમ ને કંટ્રોલ કરવા-નિયંત્રણ કરવા પગલાઓ લેવા માટે તાજેતરમાં જ કન્સલટેશન પેપર જારી કરવામાં આવ્યું છે.
તેમાં સાત મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે. એક તો ઓપ્શન ની સ્ટ્રાઈક ઘટાડવામાં આવશે.અત્યારે નિફ્ટીમાં 70 સ્ટ્રાઈક પર ટ્રેડ થાય છે,જ્યારે બેંકનિફ્ટી માં 90 સ્ટ્રાઈક પર ટ્રેડ થાય છે.બીજુ કેલેન્ડર સ્પ્રેડ પર માર્જીન નો બેનિફિટ ફક્ત એક્સપાયરી ને દિવસે આપવામાં નહીં આવે. કોન્ટ્રાક્ટ ની સાઈઝ 5 થી 10 લાખ થી વધારી ને ૧૫ થી ૨૦ લાખની શરૂઆતમાં કરવામાં આવશે અને પછી ધીમે ધીમે 20 30 લાખની કોન્ટ્રાક્ટ સાઇઝ કરવામાં આવશે.વિકલી એક્સપાયરી ઓ ઘટાડવામાં આવશે નજીકના કોન્ટ્રાક્ટસ માં માર્જીન વધારવામાં આવશે.
આ અંગે શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર, શેરબજાર માં ઓપ્શન ટ્રેડિંગ ને નિયંત્રિત કરવા જે પગલાંઓ વિચારી રહી છે તે ખૂબ જ યોગ્ય છે.વિકલી એક્સપાયરીમાં ઘટાડો થવો જોઈએ.
ખાસ કરીને સેકન્ડરી માર્કેટમાં એટલે કે શેરો ખરીદવા અસ્બા ( Application Supported by Blocked Amount)લાવવાની વાત છે,જે ઐતિહાસિક નિર્ણય છે. શેરો ખરીદવા માટે રૂપિયા બેંકમાં જ રહેશે.બ્રોકર ને આ માટે રૂપિયા આપવાની જરૂર નહીં રહે.બેંકમાં પૈસા રાખવાથી પણ શેર ખરીદવાના ઓર્ડર મુકાઈ જશે. સોદો પૂર્ણ થયે રૂપિયા સીધા સેટલમેન્ટ માં જશે.બ્રોકર નો કોઈ રોલ હશે નહીં. રૂપિયાની લેતી-દેતી ડાયરેક્ટ થશે.જેનાથી રોકાણકારને જયાં સુધી ટ્રેડ કન્ફોર્મ નહીં થાય,ત્યાં સુધી બેંકમાં પડેલા રૂપિયાનું વ્યાજ પણ મળશે અને શેરો ખરીદવાની લિમિટ પણ મૂકી શકાશે. ઉપરાંત બ્રોકર ડિફોલ્ટ થવાની શક્યતાઓ ખૂબ જ ઘટી જશે.
જોકે શરૂઆતમાં આ ફક્ત મોટા બ્રોકરો માટે લાગુ થશે. આમ કરવાથી કદાચ ડિસ્કાઉન્ટ બ્રોકરો ને નુકસાન થઈ શકે છે. જ્યારે ટ્રેડિશનલ બ્રોકરો ને ઘણો ફાયદો થશે.આવા ઐતિહાસિક નિર્ણયથી શેર બજાર વધુને વધુ મજબૂત થશે.આવનારો સમય શેર બજારનો હશે.