બાપુનગરમાં વધુ એક પ્રોપર્ટી સીલ, 20.32 લાખનો ટેક્સ વસૂલાયો
મિલકતવેરો નહીં ભરનાર આસામીઓ સામે ઝુંબેશ યથાવત, વધુ 5 મિલ્કત સીલ કરી 10ને જપ્તી નોટિસ
રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વર્ષોથી બાકી મિલકતવેરો નહીં ભરનાર આસામીઓ સામે ટેક્સ વસુલાતની પ્રક્રિયા વધુ કડક બનાવી ઝુંબેશરૂપે હાથ ધારેલી કાર્યવાહીમાં સોમવારે બાપુનગર વિસ્તાર સહિતની પાંચ મિલ્કતોને સીલ કરીને 10 અસામીઓને જપ્તી નોટીસ ફટકારવામાં આવતા કોર્પોરેશનને વધુ 20.32 લાખની વસુલાત થવાની સાથે ચાલુ વર્ષે ટેક્સની આવક 319.58 કરોડ થઇ છે.
રાજકોટ મહાનગર પાલિકાના વેરા વસૂલાત વિભાગ દ્વારા રવિવારની રજા બાદ સોમવારે વોર્ડ નંબર 3,7,12,14 અને 18માં સપાટો બોલાવી બાપુનગર વિસ્તારમાં એક સહિત કુલ પાંચ મિલ્કતો સીલ કરી બાકીદારો પાસેથી કુલ મળી 20.32 લાખની વસુલાત કરી હતી.જેમાં વોર્ડ નં.3માં બદરંગ ગલીમાં નિર્મલા ચેમ્બર, વોર્ડ નં.7માં ગ્રાઉન્ડ ફ્લોર પર 3 નંબરની દુકાન, ગોંડલ રોડ, અતુલ કોમ્પ્લેક્ષમાં 206 નંબરની ઓફિસ, સરદારનગર રોડ પર ગાર્ડન સ્પેસની ઓફિસમાંથી 1.10 લાખ, શેરી નં.9માં આવેલ યુનિટ પાસેથી 4.65 લાખની રિકવરી કરી હતી.
સાથે જ વોર્ડ નં.12માં ગોંડલ રોડ પર ગણેશ પાર્ક સ્થિત દુકાનમાં સીલની કાર્યવાહી કરાતા 70,000ની વસુલાત થઇ હતી. વોર્ડ નં.14માં બાપુનગરમાં એક યુનિટને સીલ કરાયું હતું જ્યારે અન્ય એક યુનિટ પાસેથી 2.85 લાખ, યાદવ ચેમ્બરના યુનિટ પાસેથી 1.98 લાખ, બાપુનગર શેરી નં.9ના યુનિટ પાસેથી 1.65 લાખ, ભક્તિનગર, સોસાયટીમાં શ્રીમદ્ ભવનની દુકાન પાસેથી 90860ની રિકવરી કરવામાં આવી હતી.ઉપરાંત વોર્ડ નં.15માં પરધામ ઔદ્યોગિક વિસ્તારમાં 1 યુનિટને નોટીસ ફટકારાઇ હતી. વોર્ડ નં.18માં કોઠારીયા વરુણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બે યુનિટમાં સીલની કાર્યવાહી થતાં 1.20 લાખ તથા ક્લાસીક ઇન્ડ. એરિયામાં સીલની કાર્યવાહી થતાં 84760ની રિકવરી કરી હતી.